Editorial

સરકાર સંચાલિત બેંકોનું ખાનગીકરણ: અનેક પાસાઓનો વિચાર કરવો પડશે

કેન્દ્ર સરકારે દેશની કેટલીક સરકાર સંચાલિત બેન્કોનું એક બીજા સાથે મર્જર કર્યા બાદ હવે તેણે કેટલીક સરકાર સંચાલિત બેન્કોનું ખાનગીકરણ કરવાના સંકેત આપી દીધા છે જેની ચર્ચા બેન્કોના મર્જર વખતે જ શરૂ થઇ ગઇ હતી.

બેન્કોનું ખાનગીકરણ કરવાની વાત જાહેર થતાં જ સરકારી બેન્કોના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો અને આ બેન્કોના ગ્રાહકોમાં પણ ચિંતા વ્યાપી ગઇ. આપણા દેશમાં દાયકાઓ પહેલા અનેક બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારબાદ કરોડો ગ્રાહકોને તેમની થાપણોની સલામતીની જે ખાતરી મળી હતી તેમને હવે ફરીથી પોતાની બેન્ક થાપણોની સલામતની ચિંતાઓ થવા માંડી છે, તો આવી બેન્કોના કર્મચારીઓને પોતાની નોકરીની ચિંતાઓ થવા માંડી છે.

આપણા દેશમાં ખાસ કરીને સહકારી બેન્કોએ ખાનગી બેન્કોની વિશ્વસનિયતા બાબતે ખૂબ ખરાબ ચિત્ર ઉભુૂ કર્યું છે અને આથી સ્વાભાવિક રીતે જ ઘણા બધા લોકો ખાનગી બેન્કોનમાં ઉંચા દરે વ્યાજ મળતું હોવા છતાં તેમાં પોતાના નાણા થાપણ તરીકે મૂકતા અચકાય છે.

સરકારી બેન્ક કહેવાતી કેટલીક રાષ્ટ્રીયકૃત બેન્કોનું વેચાણ ખાનગી ક્ષેત્રને કરવામાં આવશે તેવી વાત પાકી થતાં જ દેશભરની જાહેર ક્ષેત્રની બેન્કોના હજારો કર્મચારીઓએ હાલમાં બે દિવસની દેશવ્યાપી હડતાળ પાડી અને જો સરકાર ખાનગી કરણના પ્રયાસમાં ફેરવિચારણા નહીં કરે તો વધુ ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે.

બેન્કોના ખાનગીકરણ સાથે બેન્કિંગ ક્ષેત્રમાં વ્યાપક ફેરફારોના સંકેત કેન્દ્ર સરકારે આપ્યા છે અને તે સાથે બેન્ક કર્મચારીઓની ચિંતાઓ હળવી કરવાના પણ પ્રયાસો કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જેમનું ખાનગી કરણ થવાની શક્યતા છે તેવી સરકાર સંચાલિત બેન્કોના તમામ કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે.

નાણા મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોને ભંડોળ પુરુ પાડવા માટે સરકાર એક નેશનલ બેન્કની સ્થાપના કરશે. બેન્ક હડતાળ પછી એક પત્રકાર પરિષદ દરમ્યાન એક પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્રમાં જાહેર ક્ષેત્રની હાજરી ચાલુ રહેશે.

બધી બેન્કોનું ખાનગી કરણ કરવાનું નથી એમ તેમણે જણાવ્યું હતું. જે બેન્કોનું ખાનગી કરણ કરવામાં આવશે તેમાં વર્ષોથી કામ કરી રહેલા કર્મચારીઓ, કે જેઓ અહીં કામ કરતા કરતા કુશળતાયુક્ત થયા છે તેઓ જ આ બેન્કો ચલાવવાનું ચાલુ રાખે એવું સરકાર ઇચ્છે છે. આવી બેન્કોના તમામ કર્મચારીઓના હિતો,  પછી તે પગાર હોય કે તેમના સ્કેલ હોય કે પેન્શન હોય તેમની કાળજી લેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

બેંક કર્મચારીઓની બે દિવસની રાષ્ટ્ર વ્યાપી હડતાળનો મંગળવારે અંત આવ્યો હતો જે બે દિવસની હડતાળ દરમ્યાન નાણા ઉપાડવા, મૂકવા, ચેક ક્લિયરન્સ જેવી કામગીરીઓ વ્યાપકપણે ખોરવાઇ હતી. સરકારી ટ્રેઝરીની કામગીરી પર પણ અસર પડી હતી.

બેંક કર્મચારીઓના નવ યુનિયનોના સંયુક્ત મોરચા યુએફબીયુ દ્વારા આ હડતાળનું એલાન જાહેર ક્ષેત્રની બે વધુ બેન્કોના ખાનગીકરણના સરકારના નિર્ણયના વિરોધમાં આપવામાં આવ્યું હતું. એઆઇબીઇએના મહામંત્રી સી.એચ. વેંકટચલમે હડતાળને સંપૂર્ણ સફળ ગણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે બેંક યુનિયનો સરકાર સાથે ખાનગીકરણના મુદ્દે વાત કરશે અને જો બેંક ચલાવવામાં સરકારને સમસ્યા જણાતી હશે તો કર્મચારીઓ તે ચિંતાઓ હાથ ધરવા પ્રયાસો કરશે પણ જો તેમ છતાં સરકાર માનશે નહીં તો વધુ હડતાળો યોજાશે એવી ચેતવણી તેમણે આપી હતી. બેંક કર્મચારીઓના યુનિયનોની ચેતવણી સરકાર અવગણી શકે તેમ નથી અને તેણે સરકાર સંચાલિત બેન્કોના કરોડો ગ્રાહકોની ચિંતાઓનો પણ વિચાર કરવો પડશે.

આપણા દેશમાં અનેક સહકારી બેન્કો ઉપરાંત કેટલીક વિશાળ કોર્પોરેટ બેન્કો પણ કાર્યરત છે. આવી કેટલીક બેન્કોનો વહીવટ ઉત્કૃષ્ટ પ્રકારનો જણાયો છે અને તેમની સારી સેવાઓને ધ્યાનમાં લઇને તેના તરફ ગ્રાહકો વધુ પ્રમાણમાં આકર્ષાઇ પણ રહ્યા છે. આવી બેન્કો અને સહકારી બેન્કોના થાપણદારોની થાપણોની સલામતીની ખાતરી ગ્રાહકોને મળે તો તેમની ચિંતાઓ ઘણી હળવી થઇ શકે.

વળી સરકારી બેન્કોની જંગી એનપીએ જોતા તેમને ખરીદવા કોણ તૈયાર થશે? તે બાબતે પણ સરકારે વિચારણા કરી જ હશે. આવી બેન્કોના ચોપડાઓની સ્થિતિ સુધારવા જતાં થાપણદારોનું હિત જોખમાય નહીં તેનું પણ સરકારે ધ્યાન રાખવું પડશે. વળી, આપણા દેશની સ્થિતિ જોતા તમામ સરકારી બેન્કોનું ખાનગીકરણ ઇચ્છનીય પણ નહીં હોય. બેન્કોના ખાનગીકરણની બાબતમાં સરકારે અનેક પાસાઓનો વિચાર કરવો પડશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top