ગાંધીનગર (Gandhinagar) : આજે તા. 6 માર્ચને બુધવારે રાજ્યની સરકારી કચેરીમાં કામ કરતા સરકારી કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે. પેન ડાઉન (Pen down) કરી કામ નહીં કરીને સરકારી કર્મચારીઓએ સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કર્મચારીઓની શું માંગણી છે, ચાલો જાણીએ…
જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવાની માંગણી સાથે ગુજરાત સરકાર (Gujarat Govt) અને કર્મચારી યુનિયન (Employee Union) સામસામે આવી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારી-અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે પેન ડાઉન, ચોક ડાઉન અને કોમ્પ્યુટર શટ ડાઉન કરનાર કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે ગઈકાલે મંગળવારે મોડી રાતે આ મુજબના આદેશ છોડ્યા હતા. તેમ છતાં આજે સવારથી સરકારી કર્મચારી-અધિકારીઓએ પેન ડાઉન કરી દઈ લડત શરૂ કરી છે.
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે સરકારી કર્મચારીઓએ આજે સવારથી પેન ડાઉન કરીને સરકાર સામે બાંયો ચઢાવી છે. વિવિધ સરકારી કર્મચારી યુનિયન દ્વારા રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને આજે કામકાજથી અલગ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શું કહ્યું સરકારી કર્મચારી યુનિયનના આગેવાનોએ?
વાત એમ છે કે વર્ષ 2004 પછી રાજ્ય સરકારના વિવિધ સરકારી ખાતાઓમાં નોકરીમાં જોડાનાર કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મૂકાઈ હતી. તેની સામે ગુજરાત સરકારના કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. કર્મચારી યુનિયનના આગેવાનો સતીશ પટેલ અને ભરત ચૌધરીએ સંયુક્ત રીતે કહ્યું છે કે, જૂની પેન્શન સ્કીમનો અમલ ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતમાં નથી થઈ રહ્યો, જે ગુજરાતના સરકારી કર્મચારીઓ સાથે ભેદભાવ અને અન્યાયી નીતિ ઉજાગર કરે છે. વળી, ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજના અમલમાં મુકવાની ખાતરી આપી હતી ત્યારે ઓપીએસના મુદ્દે આટલો બધો વિલંબ સરકાર કેમ કરી રહી છે તે કર્મચારીઓ ને સમજાતુ નથી.
માંગણી નહીં સંતોષાય તો…
કર્મચારી યુનિયનો દ્વારા મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. માંગણીઓના બેલેટ પેપર છપાવી શૈક્ષણિક કાર્યથી દૂર રહીને મતદાન કરવામાં આવી રહ્યું છે. આમ છતાં જો ઉકેલ નહીં આવે તો 9 માર્ચે એક લાખથી વધુ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામના નામના પતાકા, સાફા પહેરી ગાંધીનગરમાં મહાપંચાયત યોજશે.