નવી દિલ્હી(NewDelhi): કોરોનાને (Corona) લઈને ફરી એકવાર સજાગ થવાનો સમય આવી ગયો છે. દેશમાં કોરોનાના કેસ ફરી જોર પકડવા લાગ્યા છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની (Union Ministry of Health) વેબસાઇટ પર ઉપલબ્ધ બુધવારના આંકડા દર્શાવે છે કે 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 341 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ કોવિડ-19 કેસ કેરળમાં (Kerala) જોવા મળ્યા છે. કેરળમાં કોરોનાને કારણે 3 લોકોના મોત પણ થયા છે. આ ત્રણ મૃત્યુ સાથે કેરળમાં ત્રણ વર્ષમાં કોવિડને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 72,056 પર પહોંચી ગઈ છે.
કોરોનાના નવા વેરિએન્ટના લીધે ચિંતા વધી
કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં, તેના નવા સબ-વેરિયન્ટ JN.1એ પણ સરકારથી લઈને સામાન્ય લોકોની ચિંતા વધારી છે. ભારતમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટનો પ્રથમ દર્દી પણ કેરળમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ દેશના અન્ય રાજ્યોમાં પણ તેના કેસ નોંધાયા છે. ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે કોરોનાના ઘણા કેસો સામે આવ્યા બાદ રાજ્ય સરકારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. કર્ણાટક સરકારે પણ આ અંગે એડવાઈઝરી જારી કરી છે.
દિલ્હીના ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવા આપી સલાહ
કોરોનાનો નવો વેરિએન્ટ ગંભીર નથી, પરંતુ તેનું સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. 24 કલાકમાં જે ગતિથી કેસ વધ્યા છે તે જોતાં સાવધાન રહેવાની જરૂરત છે. દિલ્હીના ડોક્ટરોએ લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે. લોકોને માસ્ક પહેરવા તથા ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવા સૂચના અપાઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સમીક્ષા બેઠક
આજે બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય સમક્ષી બેઠક કરી હતી. કોરોના ફાટી નીકળે તો તેની સામે લડવા કેટલી તૈયારી છે તે બાબતે સમીક્ષા કરાઈ હતી. આગામી દિવોસમાં ક્રિસમસની રજાઓ આવી રહી છે તેથી સંક્રમણ વધતું અટકાવવા પગલાં લેવા સૂચનાઓ અપાઈ હતી. તમામ રાજ્યો જોગ એડવાઈઝરી જાહેર કરાઈ છે. હોસ્પિટલો અને આરોગ્ય તંત્રો એલર્ટ મોડ પર આવી ગયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ કહ્યું…
સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કહ્યું કે, એકબીજા સાથે મળી કામ કરવાનો સમય છે. ગભરાવાની નહીં, સતર્ક રહેવાની જરૂર છે. હોસ્પિટલની તૈયારી, ટેસ્ટિંગમાં વધારો, કોમ્યુનિકેશન, મોક ડ્રીલ વધારો. હોસ્પિટલમાં દર ત્રણ મહિને એક મોક ડ્રીલ કરો. રાજ્યોને કેન્દ્ર તરફથી ખાતરી આપું છું કે આરોગ્ય એ રાજકારણનું ક્ષેત્ર નથી.
નવો વેરિએન્ટ ગંભીર નહીં, પરંતુ..
WHOએ કોરોનાના નવા વેરિએન્ટને ઓછો ગંભીર ગણાવ્યો છે. આ વેરિએન્ટનો વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ તરીકે ઉલ્લેખ કરાયો છે. જેનો અર્થ એ થાય છે કે તે ગંભીર નથી. પરંતુ સંક્રમણ ફેલાઈ શકે છે. તેથી સાવધાન રહેવાની જરૂરિયાત છે.
કયા રાજ્યમાં કેટલાં કેસ?
- કેરળ : 292
- તમિલનાડુ: 13
- મહારાષ્ટ્ર: 11
- કર્ણાટક: 9
- તેલંગાણા અને પુડુચેરી: 4
- દિલ્હી અને ગુજરાત: 3
- પંજાબ અને ગોવા: 1