ગાંધીનગર : આખરે 6 દિવસ બાદ ગુજરાત (Gujarat) સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home minister Harsh sanghvi) જાહેરમાં હેડ ક્લાર્ક (Head clerk exam )ની પરીક્ષાનું પેપર લીક (Paper leak)થયાની વાતનો સ્વીકાર કર્યો છે. ગયા રવિવારે યોજાયેલી આ પરીક્ષાના પેપર લીક મામલે આખરે સાબરકાંઠાના પ્રાંતીજ પોલીસ મથકમાં સરકાર તરફે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 10 આરોપી પૈકી 6ની ધરપકડ કરી લેવાઈ છે. હવે આ પરીક્ષા રદ કરવી કે કેમ તે અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. તો બીજી તરફ આપના નેતા યુવરાજસિંહે (Yuvraj Singh)સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરા (Asit Vora )ને પદ પરથી છૂટા કરો નહી આંદોલનનો માર્ગ અપનાવીશું.
પેપરલીક થયાના 6 દિવસ બાદ સરકારે પેપર ફૂટ્યું હોવાનું સ્વીકાર્યું છે. હેડ કલાર્ક પેપકલીક કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે હેડ કલાર્ક પેપરલીક અંગે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પેપરલીક કાંડમાં 10માંથી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 4 લોકોની તપાસ ચાલું છે. પેપરલીક કાંડમાં ગુનેગારો ભાગી ન જાય તે માટો પોલીસ એલર્ટ છે. વધુમા તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેનું ધ્યાન રખાશે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પેપરલીક કેસમાં તપાસ માટે 24થી વધારે પોલીસની ટીમો કાર્યરત કરાઈ છે. હેડ કલાર્કનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયાનાં માધ્યમથી લીક થયું છે અને તેને અલગ અલગ જગ્યાએ જઈને સોલ્વ કરવામાં આવ્યું છે. 10 શંકાસ્પદ લોકોની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ સમગ્ર પેપર લીક કેસમાં સરકાર દ્વ્રારા આકરી નવી કલમો દાખલ કરાશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ તત્વો આ રીતે પેપર લીક કરવાનું કૃત્ય કરે જ નહીં. સંઘવીએ કહ્યું હતું કે 186 જેટલી હેડ કલાર્કની પરીક્ષા માટે 88,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જેના પગલે ગૌણ સેવા પસંદગી મંડળ તથા સરકાર બન્ને સંયકત્ત રીતે આ હેડ કલાર્કની પરીક્ષા રદ કરવી કે કેમ ? તે મુદ્દે આખરી નિર્ણય લેવાશે.
આ ગુનામાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે 10 વ્યક્તિઓ છે 6 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મહેશ પટેલ (ન્યૂ રાણીપ),ચિંતન પટેલ(પ્રાંતિજ) કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર) ધ્રુવ પટેલ,દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરાઈ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ , સાબરકાંઠામાં જુદી જુદી ત્રણ જગ્યાએ પેપર લીક કરીને તેના પ્રશ્ન પત્રોમાંથી જવાબો તૈયાર કરાયા હતા.
ત્યાર બાદ આ ઉમેદવારો ફાર્મ હાઉસમાંથી હોટેલમાં જમવા ગયા હતા. પેપરના જવાબો તૈયાર કરીને આ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર ગયા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે પેપર કયાંથી લીક થયુ ? પેપર કોણે લીક કર્યુ ? પેપર લીક થયા બાદ કોને વહેંચાયુ ? આ તમામ મુદ્દા સહિત તેમાં ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ ? તે મુદ્દે તપાસ ચાલી રહી છે. તપાસના રડારમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ પણ સામેલ છે. ગૌણ ,સેવા પસંદગી મંડળની કોઈ ક્ષતિ રહી ગઈ હશે તો તે મુદ્દે પણ તપાસ હાથ ધરાશે.
યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ , અસિત વોરાને પદ પરથી દુર કરો
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે પેપર રદ થાય, પરંતુ જ્યાં સુધી આ કેસની તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે આક્ષેપ કર્યો કે પેપર લીક કરનાર સૂત્રોધારને રાજકીય નેતાનો સપોર્ટ મળતો હોય છે. અમે અસિત વોરાને પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છે. અને જો તેમને પદ પરથી દુર કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું. આ કેસમાં સરકારે દાખલ કરેલી તમામ કલમો હળવી છે. આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવી જોઈએ.