Columns

જીવનનો મકસદ મળી ગયો

દક્ષિણ ભારતના કોઇમ્બતુરના બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તેમને બધા જ અપ્પા જ કહે. એક નહીં, બે નહીં, ૪૦૦ નહીં, ૫૦૦ નહીં, ૨૭૦૦૦ થી વધુ છોકરીઓને તેમણે ભણાવી ગણાવી અને આગળ મોકલી છે.  બિઝનેસમેન તરીકે તો તેઓ સફળ હતા જ પણ જીવનમાં હજી કંઈક સારું કરવા માટે જીવનને સાચો અર્થ આપવા માટે, જીવનમાં યાદગાર કંઈક કરવા માટે તેઓ કંઈક ગોતી રહ્યા હતા, જે તેમને પૈસાથી મળી રહ્યું ન હતું.

એક દિવસ તેમની ફેક્ટરીમાં કામ કરતી 18 વર્ષ 19 વર્ષની છોકરીએ તેમને કહ્યું ‘સર, મને આગળ ભણવું છે પણ મારા પપ્પાએ મારી કોલેજ બંધ કરાવી અને મને અહીં આ મિલમાં કામે લગાડી દીધી છે કારણ કે અમે બહુ ગરીબ છીએ એટલે એક જણની આવક વધે તે ઘરમાં વધુ પૈસા આવે તો બધાને પૂરું ભોજન મળે એટલા માટે મારું ભણવાનું બંધ કરાવ્યું છે. સર, શું તમે મારા કોલેજની ફી ભરશો? હું કોલેજ જઈશ સવારે અને કામ પણ કરીશ.’

એક નાનકડી છોકરીની આ નાનકડી વિનંતી સાંભળી અને બિઝનેસમેનને પોતાના જીવનનું મુખ્ય ધ્યેય મળી ગયું. તેમણે તપાસ કરી માત્ર આ છોકરી જ નહીં પોતાની મિલમાં કેટલાં લોકો કામ કરે છે અને તેમાંથી કેટલાં લોકો ઓછું ભણેલા છે અને તે બધાને જ તેમણે આગળ ભણવા માટે પ્રેરણા આપી.તેમની મિલમાં કામ કરવા માટેની માત્ર મજૂરી કે પગાર નહિ, તેમને બધાને એક ઉજ્જવળ ભવિષ્ય ભેટ આપ્યું.

તેમણે પોતાની મિલમાં કામ કરતાં બધાં લોકોને વધુ ભણાવવા માટે મિલમાં જ બધી વ્યવસ્થા ગોઠવી. આઠ કલાકની શિફ્ટ બાદ, ચાર કલાક ભણવું. ક્લાસરૂમ, ટીચર, પ્રિન્સિપાલ,યોગા કોર્સ અને છાપાં, મેગેઝીન, લાઈબ્રેરીમાં પુસ્તકોની બધી વ્યવસ્થા કરી.તેમાંથી અનેકે ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યાં અને અનેકના તેઓ બનાવી રહ્યા છે.ઘણા મિલ વર્કરમાંથી કામ કરતાં કરતાં ભણીને જીવનમાં આગળ વધી ગયા છે અને તેમના સ્થાને નવા મિલવર્કર ભણીને આગળ વધવાનાં સપનાં જોઈ રહ્યાં છે. એક નાનકડા પ્રસંગમાંથી જીવનનો મકસદ મેળવીને સાકાર કરનાર પોતાના આટલા મોટા પરિવારને જાળવનાર પ્રેરણાદાયી,વંદનીય વ્યક્તિ છે કેપીઆર મિલ્સ કોઇમ્બતુરના ટેક્સટાઈલ કિંગ કે. પી. રામાસ્વામી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top