દાહોદ: લીમખેડા તાલુકાના ગોરીયા ગામે ગરનાળા પાસેથી ઉજ્જૈનની 23 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. જોકે અમદાવાદથી ટ્રેન મારફતે ભોપાલ જઈ રહેલી આ યુવતી ગરનાળા પાસે કેવી રીતે પહોંચી, યુવતીએ ચાલુ ટ્રેને પડતું મૂક્યું કે પછી કોઈકે આ યુવતીને ટ્રેનમાંથી ધક્કો માર્યો તે હાલ તપાસનો વિષય બન્યો છે.
મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના રહેવાસી રામકિશોર તિવારીની 23 વર્ષીય પુત્રી સુપ્રીયા કચ્છ જિલ્લાના મુદ્રાના રહેવાસી તેમજ વ્યવસાયે એન્જીનીયર બનેવી રાજેશ શિવપાલ દ્વિવેદીના ઘરે ગઈ હતી.
થી ગુરુવારે સડક મારફતે અમદાવાદ આવી હતી. જ્યાંથી સોમનાથ જબલપુર એક્સપ્રેસના કોચ નંબર B2 ના 33 નંબરની સીટ પર રિઝર્વેશન કરાવી ભોપાલ તરફ જવા રવાના થઇ હતી. જે બાદ આ યુવતી કયાંક ગુમ થઇ ગઈ હતી.
તેનો આઈકાર્ડ, આધારકાર્ડ સહિતનો સમાન સીટ પરથી મળી આવ્યો હતો. ત્યારબાદ ગુમ થયેલી સુપ્રીયાના બનેવીએ રતલામ RPF સહીત રેલવેની સંલગ્ન વેબસાઈટ પર સુપ્રીયાની ગુમ થયાની ફરિયાદ કરી હતી. શુક્રવારે ગોરીયાના ગરનાળામાંથી મળેલી લાશ સુપ્રિયાની હોવાનું બહાર આવ્યું હતું.
સુપ્રીયાએ ચાલુ ટ્રેને પડતું મૂક્યું કે કોઈકે ધક્કો માર્યો?
મુન્દ્રાથી ભોપાલ જવા નીકળેલી સુપ્રીયા સોમનાથ જબલપુર એક્સપ્રેસના કોચ નંબર B2 ના 33 નંબરની સીટ પર મુસાફરી કરી હતી.ત્યારે આ ટ્રેન લીમખેડાથી આગળ વધી રહી હતી. ત્યારે અંધારી રાતમાં એવી તો શું ઘટના બની?કે સુપ્રીયા સીટ પરથી રેલવેના ગરનાળામાં મૃતક અવસ્થામાં ગરનાળા સુધી પહોંચી?
શું સુપ્રીયાએ કોઈક કારણોસર ચાલુ ટ્રેને પડતું મૂક્યું? અથવા અંધારી રાતમાં કોઈકે પોતાની મેલી મુરાદ પુરી પાડવા આ સુપ્રીયાને ચાલુ ટ્રેને ધક્કો માર્યો? જે ખરેખર ઘુંટાતું રહસ્ય છે. જોકે રેલવે પોલિસ સહીત લીમખેડા પોલીસ આ ઘટનાની તપાસમાં જોતરાઈ હોવાનું જાણવા મળેલ છે.
પીએમ રિપોર્ટ પછી મોતનું સાચું કારણ બહાર આવશે : પોલીસ
લીમખેડા પોલીસે સુપ્રિયાનાં મોત અંગેનો સાચો કારણ જાણવા પેનલ પીએમ કરાવ્યું હતું. જોકે તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ દર્શનીય રીતે આશરે 30 થી 40 ફૂટ ઉપરથી પડ્યા બાદ આ યુવતી મોતને ભેટી હશે. પરંતુ મોતનું સાચુ કારણ પેનલ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે.