SURAT

નર્મદા જિલ્લાનું એક માત્ર ગામ જ્યાં ઘરદીઠ 2 વ્યક્તિ સરકારી કર્મચારી, આ ગામમાં 90થી 95 ટકા લોકો સાક્ષર

નર્મદા જિલ્લાને ગુજરાતનાં મીની કાશ્મીરનું બિરુદ મળ્યું છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રજવાડી નગરી રાજપીપળાનો ઇતિહાસ પણ એકદમ રોચક છે. સૌને આશ્ચર્ય પમાડે એવા રાજપીપળાના આઝાદી પહેલાના અને આઝાદી પછીના ઈતિહાસની જો વાત કરીએ તો રાજપીપળા સ્ટેટના રાજાઓએ અને એમના પરિવારોએ ઘણીવાર અંગ્રેજોને ધૂળ ચાટતા કરી દીધા હોવાના અનેક કિસ્સા આજે પણ લોકોના મુખે સાંભળવા મળે છે.

રાજવી પરિવારના આઝાદી અને અંગ્રેજ હુકુમત પહેલાના, દેશી રજવાડાં સમયના દેશ પ્રેમના અનેક કિસ્સા સંભળાવતા સંભળાવતા પીઢ આગેવાનો પોતાની મૂછો પર તાઉ દઈ ગર્વ સાથે એમ કહે છે કે અમારા પૂર્વજોનો પણ દેશની આઝાદીમાં સિંહફાળો છે. રાજપીપળા સ્ટેટનું જ એક એવું સમૃદ્ધ ગામ છે નાંદોદનું ગોપાલપુરા. જેની જિલ્લાના સૌથી વધુ સાક્ષર લોકોની અને રાજપૂત સમાજની વસતી ધરાવતા ગામ તરીકે પણ ગણતરી કરવામાં આવે છે. આ ગામ સાચા અર્થમાં એક ગોકુળિયું ગામ છે. ગોપાલપુરા ગામ સમગ્ર નર્મદા જિલ્લામાં એકતા માટે પણ પ્રસિદ્ધ છે.

એકતાને લીધે જ આ ગામ ખૂબ પ્રગતિશીલ ગામ બન્યું છે. આ ગામમાં ફક્ત રાજપૂત, આદિવાસી અને માહ્યાવંશી સમાજના લોકો જ વસવાટ કરે છે. ગામનું રાજકીય ક્ષેત્રે પણ ઘણું મહત્ત્વ છે. ગોપાલપુરા મારું ગામ છે એવું ગામના યુવાનો ખૂબ ગર્વ સાથે કહી રહ્યા છે. મૂળ ગોપાલપુરા ગામના એવા જસવંતસિંહ છત્રસિંહ ગોહિલ, એમના પુત્ર અલ્કેશસિંહ જસવંતસિંહ ગોહિલ અને પૌત્ર કુલદીપસિંહ અલ્કેશસિંહ ગોહિલ એમ એક જ પરિવારની ત્રણ પેઢીએ રાજપીપળા નગરપાલિકાનું પ્રમુખ પદ શોભાવ્યું છે.

ગામના વિકાસમાં સ્વ.રત્નસિંહજી મહિડાનો સિંહફાળો રહેલો છે. તેઓ ગામના ઘણા યુવાનોને એમની આશ્રમ શાળામાં તેમજ સરકારી નોકરીમાં મદદરૂપ થયા છે. ગોહિલ સમાજના કુળદેવી શ્રી હરિસિદ્ધિ માતાજીના મંદિરના પ્રાંગણમાં માં હરિસિદ્ધિને પ્રસન્ન કરી ઉજ્જૈનથી રાજપીપળા લાવનારા મહારાણા વેરીસાલજી મહારાજની પ્રતિમા મૂકવાનો વિચાર પણ ગોપાલપુરા ગામનાં યુવાનો પૈકી જશપાલસિંહ, રાજદીપસિંહ, મહાવીરસિંહ, યુવરાજસિંહ તથા નર્મદા જિલ્લા રાજપૂત સમાજનાં અન્ય યુવાનોએ ટૂંકા ગાળામાં પાર પાડ્યું હતું.

કૃપાલુનંદ મહારાજે ગામને વ્યસનમુક્ત કરાવ્યું, ગામના 80 ટકા યુવાન વ્યસનમુક્તિનું અભિયાન ચલાવે છે
આજથી વર્ષો પહેલાં આધ્યાત્મિક ગુરુ સંત કૃપાલુનંદ મહારાજ ગોપાલપુરા ગામમાં ચાતુર્માસ કરવા આવ્યા હતા. એ સમય દરમિયાન ગામલોકો કૃપાલુનંદ મહારાજ પાસે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા જતા હતા. સમય જતાં ગ્રામજનોએ કૃપાલુનંદ મહારાજને પોતાના ગુરુ તરીકે ગણી એમણે કહેલી વાતો મુજબ જીવન જીવવાની શરૂઆત કરી. ચાતુર્માસ બાદ કૃપાલુનંદ મહારાજે ગામમાંથી વિદાય લેવાનું નક્કી કર્યું, તેઓ ગામના દરેક ઘરે ઝોળી લઈ નીકળ્યા. દરમિયાન લોકોએ એમની ઝોળીમાં ગુરુ દક્ષિણાના રૂપમાં રોકડા રૂપિયા નાંખ્યા ત્યારે એમણે કહ્યું કે, મારે ગુરુ દક્ષિણામાં રોકડા રૂપિયા નહીં તમારું વ્યસન જોઈએ છે, તમે વચન આપો આજથી વ્યસન છોડી દેશો. ત્યારે ગ્રામજનોએ પણ એમને વ્યસન છોડવાનું વચન આપ્યું. આમ, કૃપાલુનંદ મહારાજે ગામને વ્યસનમુક્ત બનાવ્યું.

લોકોના સહકારથી ગામનો ઘણો વિકાસ થયો છે: સરપંચ સરસ્વતીબેન વસાવા
ગોપાલપુરા ગામનાં સરપંચ સરસ્વતીબેન ઈશ્વરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, મારું ગોપાલપુરા ગામ અને ગામના લોકો અને ગોપાલપુરા ગામના સરપંચ હોવાનો મને ગર્વ છે. મારું ગામ ક્ષત્રિય સમાજનું ગામ છે. પરંતુ અમારા આદિવાસી સમાજના લોકો સાથે સૌ હળીમળીને રહે છે. ગામના ક્ષત્રિય લોકો અમારા આદિવાસી સમાજના તમામ લોકોને બધી રીતે ખૂબ જ મદદરૂપ થાય છે.

અમને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આર્થિક રીતે પણ મદદરૂપ થાય છે. બધા વાર-તહેવારો અમે હળીમળીને સાથે ઉજવણી કરીએ છીએ. અમારા ગામના ક્ષત્રિય લોકો થકી અમે ખૂબ જ સુરક્ષિત છીએ. અમારા ગામમાં છેલ્લાં 20થી 25 વર્ષથી સરપંચની બેઠક આદિવાસીની ફળવાઈ છે. પરંતુ ગામના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા દરમિયાનગીરી કરી સુખદ રીતે સમરસ ગ્રામ પંચાયત બને છે. અગાઉના આદિવાસી સરપંચને પણ ગામ થકી ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો થકી અમારા ગામના આદિવાસી સમાજનો ખૂબ જ વિકાસ થયો છે અને સૌ આદિવાસી સમાજ સુખી સંપન્ન થયો છે.

એક સાધુએ વર્ષો પહેલાં ગોપાલપુરા ગામની પાણીની તંગી દૂર કરી
આજથી વર્ષો પહેલાં ગોપાલપુરા ગામમાં પાણીની ઘણી તંગી હતી. અચાનક એક સાધુ ગામમાં આવ્યો ત્યારે ગામ લોકોએ પાણીની તંગીની એમને વાત કરી. ત્યારે એ સાધુએ ગામની પ્રદક્ષિણા કરી અને એક ચોક્કસ જગ્યાએ કૂવો ખોદવા કહ્યું. લોકોએ એ જગ્યાએ કૂવો ખોદતાં 15થી 20 ફૂટમાં જ પાણી નીકળ્યું. હાલ પણ ગ્રામજનો એ જ કૂવામાંથી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ગોપાલપુરા ગામના લોકો આધ્યાત્મિકતા પણ એટલી જ ધરાવે છે. આ ગામમાં અત્યાર સુધીમાં અલગ અલગ કથાકારોએ ભાગવત સપ્તાહ, રામકથા, અવધૂત ગાથા જેવા અનેક ધાર્મિક પ્રસંગો પણ થયા છે. વર્ષોથી આ ગામનો એક સંઘ શિરડી પગપાળા પ્રવાસે પણ જાય છે. નર્મદા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ગણેશોત્સવની શરૂઆત પણ આ ગામમાંથી જ થઈ છે. 1985થી આ ગામમાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી થાય છે.

નર્મદા ડેમની નક્કી કરેલી ઊંચાઈની જાહેરાત માટે શાંતાબા ખુમાનસિંહ ગોહિલે મોરારજી દેસાઈ સાથે સાઇકલ પ્રવાસ કર્યો હતો
ગોપાલપુરા ગામના દીકરી શાંતાબા ખુમાનસિંહ ગોહિલ પોતાના કોલેજકાળ દરમિયાન કોંગ્રેસ સેવાદળમાં જોડાયાં હતાં. વર્ષ-1963માં તેઓએ 200 કિ.મી. સુધીની સાઇકલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને રાજ્યમાં પ્રથમ આવ્યા હતા. હાલની સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ જે-તે વખતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઈની સરકારે નક્કી કરી હતી. મોરારજી દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ સહિતના નેતાઓ એક જ્યોત લઈ કેવડિયા આવ્યા હતા.

સાઇકલ પ્રવાસ કરી એ જ્યોતને આખા રાજ્યમાં લઈ જઈ ડેમની ઊંચાઈની જાહેરાત આખા રાજ્યમાં કરવાનું નક્કી કર્યું હતું. દરમિયાન સ્વ.મોરારજી દેસાઈના કાફલા સાથે શાંતાબા ખુમાનસિંહ ગોહિલે આખા રાજ્યમાં સાઇકલ પ્રવાસ કર્યો હતો. શાંતાબા ખુમાનસિંહ ગોહિલ રાજ્યની યુનિવર્સિટી ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા. B.A DPedનો અભ્યાસ કર્યા બાદ તેઓ અમદાવાદની સરસ્વતી શાળામાં પીટી શિક્ષક તરીકે જોડાયા બાદ એમની શાળાના વિદ્યાર્થીઓને લઈને કબડ્ડી અને ખો-ખોની સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષા સુધી રમવા ગયા હતા.

‘ભા’ દાદાના હુલામણા નામથી પ્રખ્યાત ભગવાનસિંહ પ્રભાતસિંહ ગોહિલ જીવ્યા ત્યાં સુધી ગોપાલપુરા ગામના સરપંચ રહ્યા
ભારત દેશ આઝાદ થયો ત્યાર બાદથી ગોપાલપુરા ગામના સરપંચ પદે ભા દાદાના હુલામણા નામથી પ્રખ્યાત સ્વ.ભગવાનસિંહ પ્રભાતસિંહ ગોહિલ જીવ્યા ત્યાં સુધી ગોપાલપુરા ગામના સરપંચ રહ્યા હતા. ભા દાદાને ગામના અને આસપાસના તમામ લોકો ખૂબ આદર આપતા હતા. એમનો પડ્યો બોલ લોકો ઝીલી લેતા હતા. એમની ગામના વિકાસ માટે વહીવટ કરવાની આગવી સૂઝબૂઝને લીધે તેઓ જીવ્યા ત્યાં સુધી સરપંચ પદે બિનહરીફ ચુંટાયા હતા. એમના સ્વર્ગવાસ બાદ કેસરીસિંહ પહાડસિંહ ગોહિલ, સહકારી ક્ષેત્રે ઘરોબો ધરાવતા ન્હારસિંહ ભારતસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ, ભારતસિંહ પહાડસિંહ ગોહિલ ક્રમશઃ ગામના સરપંચ પદે બિનહરીફ ચુંટાયા હતા. બાદ રોષ્ટર ક્રમાંક ચેન્જ થયો હતો. ગોપાલપુરા ગ્રામ પંચાયત છેલ્લાં 35 વર્ષથી સમરસ થાય છે.

  • ગામની પ્રાથમિક માહિતી
    ગોપાલપુરા ગામની વસતી: 1500
    ઘર: 250
    ભૌગોલિક વિસ્તાર: 172 હેક્ટર
    રહેનારો વર્ગ: રાજપૂત, આદિવાસી અને માહ્યાવંશી
    સાક્ષરતા: 90થી 95 ટકા
    મંદિરો: ગોપાલેશ્વર મહાદેવ મંદિર, વેરાઈ માતાજીનું મંદિર (નવું નિર્માણ થાય છે), ચામુંડા માતાજીનું મંદિર, ભાથુજી દાદાનાં 2 મંદિર
    દુધાળાં પશુઓ: 200
    તળાવ: 1
    આંગણવાડી: 1 (40 વિદ્યાર્થી અભ્યાસ કરે છે)
  • એક PHC સેન્ટર
  • એક પશુ દવાખાનું
  • એક પોસ્ટ ઓફિસ
  • 100 વર્ષ જૂની 1થી 5 ધોરણની પ્રાથમિક શાળા (200 વિદ્યાર્થી અભ્યાસ કરે છે)
  • 2 બોર, 1 કૂવો, પશુને પાણી પીવાના 4 હોજ
  • પાણીની ટાંકી: 2
    ગોપાલપુરા ગ્રામ પંચાયતની ટીમ
    સરપંચ: સરસ્વતીબેન ઈશ્વરભાઈ વસાવા
    ડે.સરપંચ: લક્ષ્મણસિંહ દેવીસિંહ રાઉલજી
    સભ્યો: અનસોયાબેન લક્ષ્મણભાઈ વલવી
    સોનાબેન કરસનભાઈ વલવી
    અર્પિતાકુમારી મહેન્દ્રસિંહ ગોહિલ
    અવનીકા સુનીલસિંહ ગોહિલ
    સેજલબેન જયંતીભાઈ પરમાર
    આનંદીબેન ગોરધનભાઈ વલવી
    તલાટી-બીનાબેન રામાભાઈ પટેલ

કુંવર સાહેબ ગોપાલસિંહના નામ પરથી પડ્યું ગામનું નામ ‘ગોપાલપુરા’
દેશી રજવાડાં સમયની વાત કરીએ તો ગોપાલપુરા રાજપીપળા સ્ટેટનું જ એક ગામ હતું. વર્ષ-1347માં ઘોઘા બંદરથી (પીરમ બેટ) સમરજીતસિંહ મોખડાજી ગોહિલ (અર્જુનસિંહ) રાજપીપળા સ્ટેટમાં આવ્યા, એમને જયચંદ બ્રહ્મદેવજી પરમારે રાજપીપળાની ગાદી સોંપી. મોખડાજીના સસરા સુખરાણા સિંહજી પરમાર પરમાર વંશના છેલ્લા રાજા હતા. મોખડાજી 1347માં દિલ્હીના સુલતાન મોહંમદ તઘલખ સાથેની લડાઇમાં દેવ થઈ ગયા હતા. એ લડાઈમાં ઘોઘાની સેનાએ છેલ્લે સુધી લડવાની રણનીતિ બનાવતાં ઘોઘાના તમામ કુંવરોને પોતપોતાના મોસાળમાં મોકલી અપાયા હતા. આ રીતે ગોહિલ વંશ રાજપીપલામાં આવે છે. 21 પેઢી પછી 1680માં ભામુતારજી (ભારમલજી) મુલરાજસિંહ ગોહિલ પોતાના ભત્રીજા સુરમલજીને ગાદી સોંપી રાજપીપળા નજીકના ગુવાર ગામે આવી ગયા. ભામુતારજી (ભારમલજી) મુલરાજસિંહ ગોહિલનાં ત્રણ સંતાન ગોપાલસિંહજી, વજેસિંહજી, રૂપસિંહજી પૈકી કુંવર ગોપાલસિંહજીના નામ પરથી ગામનું નામ ગોપાલપુરા પડ્યું. ગોપાલસિંહજીના જન્મ પરથી માંગરોલ નજીક ગોપલેશ્વર મહાદેવનું મંદિર પણ બનાવાયું હતું. એમની પેઢી હાલમાં ગોપાલપુરા ગામમાં રહે છે. પહેલા માંગરોલ નજીકના આશ્રમ પાસે ગામ લોકો વસવાટ કરતા હતા, પણ રાજાએ આજના થરી, કરાઠા, લાછરસ પાસે વસવાટ કરવા કહ્યું હતું. એ જગ્યાની માટી કાળી હોવાથી ઘોડાના પગ માટીમાં ખૂંપી જવાથી ચાલવાની અગવડ પડતી હતી. એટલે તમામ લોકોએ હાલના ગોપાલપુરા ગામે વસવાટ કર્યો. દેશી રજવાડાં વખતે આ પરિવારના ઘર દીઠ 2 વ્યક્તિ રજવાડી સેનામાં હતા, દરમિયાન એમની સેનાએ રતનમાલના જંગલની લડાઈમાં ઔરંગઝેબની ફોઝને પીછેહટ કરાવી હતી.

યુવાનોએ તલવાર મહાઆરતીની પ્રેરણા આપી
આજથી 417 વર્ષ પહેલાં રાજપીપળા સ્ટેટના રાજા વેરીસાલ સાથે ઠેક ઉજ્જૈનથી માં હરિસિદ્ધિ રાજપીપળા આવ્યાં હતાં. ત્યારથી લઈને આજ સુધી રાજપૂતો પોતાની કુળદેવી માં હરિસિદ્ધિની અનેરી આસ્થાથી પૂજા કરે છે. તલવાર એ રાજપૂતોનું શસ્ત્ર, વળી રાજપૂતોમાં તલવાર બાજીની કળા દિન પ્રતિદિન વિસરાતી જાય છે. તો કુળદેવીની આરાધના પણ થાય, તલવાર બાજીની કળા જીવંત રહે અને શસ્ત્ર વિશે આજની પેઢી માહિતગાર થાય એ મુખ્ય ઉદ્દેશથી ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લાનાં 17થી વધુ ગામના રાજપૂત સમાજના યુવાનો 2014થી રાજપીપળાના હરિસિદ્ધિ માતાજીના મંદિરે આસો સુદ છઠ્ઠની નવરાત્રિએ તલવાર મહાઆરતી કરે છે. ગોપાલપુરા ગામના યુવાનોએ તલવાર મહા આરતીની પ્રેરણા આપી હતી. સફેદ વસ્ત્ર અને કેસરી સાફા પહેરી 200 જેટલા રાજપૂત યુવાનો પોતાના વંશ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઇ સતત 1 કલાક 30 મિનીટ સુધી કરાતી અદભૂત તલવાર આરતી દરમિયાન ત્યાં હાજર ભક્તો દંગ રહી જાય છે. જેમ ગંગાની દીવડા આરતી વિશ્વમાં પ્રખ્યાત છે તેવી રીતે રાજપીપળામાં હરિસિદ્ધિની રાજપૂતોની તલવાર આરતી પણ વિશ્વપ્રખ્યાત થશે. ભારતના ઇતિહાસમાં પ્રથમ એવું નગર હશે કે જ્યાં રાજપૂત સમાજના યુવકો દ્વારા એકસાથે મળીને પોતાની કુળદેવી માતાજીને તલવારબાજી દ્વારા આધ્ય અપાયું હશે. આ તલવાર મહાઆરતીને કારણે રાજપૂત સમાજની દીકરીઓએ રાજસ્થાનમાં તલવારબાજી કરી એવોર્ડ લાવી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. બીજી બાજુ દર રવિવારે ગોપાલપુરા ગામમાં સાફો બાંધવા માટેની પ્રેક્ટિસ માટેનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવે છે.

આ ગામમાં 90થી 95 ટકા લોકો સાક્ષર
સાક્ષરતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. દેશમાં સાક્ષરતા દર વધે એ માટે સરકાર પણ વિવિધ કાર્યક્રમો કરી રહી છે. પરંતુ ગોપાલપુરા ગામે વર્ષોથી સાક્ષરતા ભણી પગલાં માંડી દીધાં હતા. જેનું પરિણામ આજે મળી રહ્યું છે. આ ગામમાં 90થી 95 ટકા લોકો સાક્ષર છે. ગામના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર, એન્જિનિયર, ફોરેસ્ટ વિભાગમાં, પોલીસ વિભાગમાં, શાળા-કોલેજમાં અને સહકારી બેંકોમાં ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. કેટલાક યુવાનો વિદેશમાં પણ હાલ ખાનગી કંપનીમાં કાર્યરત છે. ઉચ્ચ અભ્યાસ કરી સારી કારકિર્દી પ્રાપ્ત કરનાર ગામના યુવાનો પોતાની આવનારી નવી પેઢીના યુવાનોને ઉચ્ચ કારકિર્દી મેળવવા માટે જાગૃત પણ કરી રહ્યા છે.

વિદેશમાં થાય છે કેળાં એક્સપોર્ટ
નર્મદા જિલ્લો આમ તો હર્યોભર્યો, વાત કૃષિની આવે તો તેમાં પણ નર્મદા જિલ્લો આગળ પડતો છે. વળી, સરકારી યોજનાઓ અને ટેક્નોલોજી સાથે કૃષિ ક્ષેત્રે જે ક્રાંતિ આવી છે એના કારણે ખેડૂતો આજે બે પાંદડે થયો છે. સિંચાઈની પણ સારી સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતો ત્રણેય સિઝનમાં પાક લઈ શકે છે. ગોપાલપુરાના ખેડૂતો પણ મહેનતકશ છે. અહીં 100 ટકા ડ્રિપ ઇરિગેશન પદ્ધતિથી 1700 એકર જમીનમાં ખેડૂતો ખેતી કરે છે. ખેડૂતોનો મુખ્ય પાક કેળાં છે. આ ગામનાં કેળાં વિદેશમાં એક્સપોર્ટ થાય છે.

વિવિધ ક્ષેત્રે એવોર્ડ મેળવવામાં પણ યુવાનો આગળ
રિટાયર્ડ આર્મીમેન અને ગોપાલપુરા ગામના ડેપ્યુટી સરપંચ એવા લક્ષ્મણસિંહ દેવીસિંહ ગોહિલને છેલ્લાં 4 વર્ષ દરમિયાન સૌથી વધુ ઓર્ગેનિક ખેતી કરવા બદલ ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ. ગાંધીનગર દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે એમના ભાઈ હરેન્દ્રસિંહ દેવીસિંહ ગોહિલને 2008 અને 2011માં કેળાંના સારા ઉત્પાદન બદલ એવોર્ડ મળ્યો હતો. જ્યારે 2020માં એમની ફોરેસ્ટ વિભાગમાં સર્વિસ દરમિયાન સારી કામગીરીનો પણ એવોર્ડ મળ્યો હતો. ગામના યુવાન હરદીપસિંહ લક્ષ્મણસિંહ ગોહિલને 2021માં ઓલ અમદાવાદ ખાતે યોજાયેલા ઓલ ગુજરાત બી.એડ. ડાયટ કોમ્પિટિશનમાં હાઈ જંપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વિશ્વજીતસિંહ સુરેન્દ્રસિંહ ગોહિલે શાળા કક્ષાએથી અત્યાર સુધી જિમ્નાસ્ટિકમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. જ્યારે એમ.બી.બી.એસ. થયેલા ડો.હનીપાલસિંહ મહારાઉલ હાલમાં સુમનદીપ મેડિકલ કોલેજ પીપરિયા (ધીરજ હોસ્પિટલ)માં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, એમની પત્ની નીતાબેન મહારાઉલ વડોદરા ખાતે પારૂલ હોસ્પિટલનું સંચાલન કરી રહ્યાં છે. ડો.હનીપાલસિંહ મહારાઉલે ક્લિનિકલ સર્જરી ફોર પોસ્ટ ગ્રેજ્યુએટસ નામનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. અજયપાલસિંહ અનિરુદ્ધ સિંહજી ગોહિલ એમ.ટેક.ની ડિગ્રી મેળવી હાલમાં યુપીએલ કંપનીમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ મેનેજર તરીકે કામ કરી રહ્યાં છે. કૃપા કુંવરબા સુરેન્દ્રસિંહ ગોહિલ 23 વર્ષની નાની ઉંમરે ભરૂચ-નર્મદા જિલ્લામાં સહકારી શિક્ષણ તાલીમ પ્રસાર પ્રચાર કરતી એકમાત્ર સંસ્થામાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, એમણે પોતાનો આખો પગાર ગામમાં બની રહેલા નવદુર્ગા માતાજીના મંદિરમાં દાનમાં આપ્યો છે. કોમલબા હરેન્દ્રસિંહ રણા તેમજ સત્યજીતસિંહ મહિપાલસિંહ ગોહિલ એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરે છે. અમરસિંહ અરવિંદસિંહ ગોહિલ તેમજ પીયૂષસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરી રહ્યા છે. અક્ષયસિહ ઇન્દ્રજિતસિંહ ગોહિલ અને એમના પત્ની રાજપીપળામાં ડેન્ટિસ્ટ હોસ્પિટલ ચલાવે છે. ધારા કુંવરબા બળવંતસિંહ ગોહિલ જિન્માસ્ટિકની કોમ્પિટિશનમાં સ્ટેટ લેવલે ત્રણવાર ગોલ્ડ મેડલ મેળવી નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. જ્યારે ધ્રુવરાજસિહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, ધ્વનિરાજ જિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ મનદીપસિંહ રણજિતસિંહ ગોહિલ ઉચ્ચ અભ્યાસ માટે હાલમાં જ કેનેડા ગયા છે.

ફિલ્મોનાં શૂટિંગ માટે વખણાય છે ગામ
ગોપાલપુરા ગામમાં ભૂતકાળમાં ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત કલાકાર જેમ કે નરેશ કનોડિયા, ફિરોઝ ઇરાની, નલીન દવે, ગુજરાતી અભિનેત્રી સ્નેહલતા, ઢોલી પિક્ચરનાં શૂટિંગ માટે મહિનાઓ સુધી રોકાયાં હતાં. ખેમરો લોઢણ ફિલ્મના શૂટિંગ માટે સુપ્રસિદ્ધ અભિનેત્રી સારિકા પણ આ ગામમાં ઘણો સમય રોકાઈ હતી. ગોપાલપુરા અને આસપાસ કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્તારમાં ઘણી ગુજરાતી, હિન્દી અને ભોજપુરી ફિલ્મોનાં શૂટિંગ થયાં છે. હાલમાં પણ અલગ અલગ ભાષાની ફિલ્મોનું શૂટિંગ આ વિસ્તારમાં અવારનવાર થયા જ કરે છે.

યુવાનોએ અયોધ્યા ખાતેની કાર સેવામાં પણ ભાગ ભજવ્યો હતો
હાલના નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, સ્વ.નરેન્દ્રસિંહ મોતીસિંહ ગોહિલ, દિલીપસિંહ પહાડસિંહ ગોહિલ, કિરણસિંહ માનસિંહ ગોહિલ, મનોજકુમાર છત્રસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ રૂપસિંહ રણા સહિત અન્ય યુવાનોએ અયોધ્યા ખાતેની કાર સેવામાં પણ ભાગ ભજવ્યો હતો. આ ગામના આગેવાનો રાજકીય ક્ષેત્રે પણ ખૂબ નામના ધરાવે છે, બળવંતસિંહ પહાડસિંહ ગોહિલ 2 વાર તાલુકા પંચાયત અને 1 વાર જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અને એમની પત્ની શકુંતલાબેન બળવંતસિંહ ગોહિલ નાંદોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદે રહ્યા હતા. જ્યારે રંજનબા અનિરુદ્ધસિંહ ગોહિલ એકવાર નાંદોદ તા.પં.ના સભ્ય પદે ચુંટાયા હતા.

ગોપાલપુરા ગામમાં ઘરદીઠ 2 વ્યક્તિ સરકારી કર્મચારી છે
ઔદ્યોગિક અને એજ્યુકેશન ક્ષેત્રે વિકાસ થતાં આજે નોકરીની અનેક તકો પણ ઉપલબ્ધ બની છે. પરંતુ સરકારી ક્ષેત્રે નોકરી મળવી એ આજે પણ પડકારજનક છે. પરંતુ પોતાની કાબેલિયતના દમ પર ગોપાલપુરા ગામે એ સાબિત કરી બતાવ્યું છે કે એજ્યુકેશન હોય તો શું ઉપલબ્ધિ હાંસલ કરી શકાય છે. 300 ઘર અને 1500 લોકોની વસતી ધરાવતા ગોપાલપુરા ગામમાં ઘરદીઠ 2 વ્યક્તિ સરકારી કર્મચારી છે, તો અન્ય લોકો હોટેલ ઉદ્યોગ, જંતુનાશક દવાઓ, રેડિમેડ કપડાંનો વ્યવસાય અને ખેતી સાથે સંકળાયેલા છે.

સ્વ.ભૂપેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલની દૂરંદેશી નજરને કારણે આજે 50થી વધુ ગામના આદિવાસીઓએ દૂર ભણવા જવું પડતું નથી
ગોપાલપુરા ગામના યુવા આગેવાન યશપાલસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મારાં માતા-પિતા શિક્ષક. ભૂપેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ અને આનંદબા ભૂપેન્દ્રસિંહ ગોહિલ દાહોદની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં, મારા જન્મ પહેલાં દોઢ વર્ષની ઉંમરે મારા મોટા ભાઈ પીન્ટુ ટૂંકી માંદગીને કારણે મૃત્યુ પામ્યા હતા. મારાં માતા-પિતાએ જોયું કે આસપાસના વિસ્તારનાં આદિવાસી બાળકોને અભ્યાસ અર્થે દૂર જવું પડે છે, એટલે એમણે પોતાના વિસ્તારમાં એક શાળા શરૂ કરવાનું નક્કી કર્યું. એમણે મારા મોટા ભાઈ પીન્ટુના નામથી શાળાની મંજૂરી મેળવી, અને ગોપાલપુરા ગામ નજીક બોરિયા ગામે 1980માં પીન્ટુલાલા વિદ્યાલય નામથી શાળાની શરૂઆત કરી, શરૂઆતમાં માત્ર 9 છોકરા જ અભ્યાસ માટે આવતા હતા. અત્યારે આસપાસના 50થી વધુ ગામના આદિવાસીઓ 9થી 12 ધોરણમાં ત્યાં અભ્યાસ અર્થે આવે છે. આવનારા સમયમાં 11 વિજ્ઞાન પ્રવાહની પણ ત્યાં શરૂઆત થશે. આમ, સ્વ.ભૂપેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલની દૂરંદેશીએ આજે 50થી વધુ ગામના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પીન્ટુલાલા વિદ્યાલય આશીર્વાદસમાન સાબિત થઈ છે.

ગામના વિકાસ માટે સમાજના આગેવાનોનો સિંહફાળો
ગોપાલપુરા ગામના વિકાસ માટે સ્વ.ઠા.સા. રૂપદેવસિંહજી દોલતસિંહજી ગોહિલ, ઠા.સા યોગેન્દ્રસિંહજી રૂપદેવસિંહજી ગોહિલ, અનિરુદ્ધસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, બળવંતસિંહ પહાડસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ ગોહિલ, ભારતસિંહ પહાડસિંહ ગોહિલ, ઉમંગસિંહ છત્રસિંહ ગોહિલ, દિલીપસિંહ છત્રસિંહ ગોહિલ, બળવંતસિંહ જસવંતસિંહ ગોહિલ, કિરણસિંહ રૂપસિંહ ગોહિલ, સુરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ગોહિલ, હરેન્દ્રસિંહ નરપતસિંહ ગોહિલ, સુરેન્દ્રસિંહ પહાડસિંહ ગોહિલ, યશપાલસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ, મહિપાલસિંહ નવલસિંહ ગોહિલ, મદનસિંહ સોમસિંહ ગોહિલ, એડ્વોકેટ જિતેન્દ્રસિંહ જોરાવરસિંહ ગોહિલ, પી.આઈ. રાજેન્દ્રસિંહ જોરાવરસિંહ ગોહિલ, ગજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ, હરેન્દ્રસિંહ ખુમાનસિંહ રણા, રણજિતસિંહ રૂપસિંહ રણા, મહિપાલસિંહ લક્ષ્મણસિંહ ગોહિલ, પ્રવીણસિંહ વિજયસિંહ ગોહિલ અને કિશોરસિંહ મોતીસિંહ ગોહિલ, નવલસિંહ નરપતસિંહ ગોહિલ, અભિજિતસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ગોહિલ, મદનસિંહ રાઉલજી, મહિપાલસિંહ ગોહિલ, કંચનભાઈ પરમાર, નાગજીભાઈ પરમાર, ગોવિંદભાઈ પરમાર, સ્વ.ગજેન્દ્રભાઈ વલવી, મોહનભાઈ વલવી સહિત અનેક આગેવાનોનો સિંહફાળો રહેલો છે.

Most Popular

To Top