National

મોદી અંગે વાંધાજનક શબ્દો ઉચ્ચારનાર ‘આપ’ના ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ, 3 કલાકમાં છોડ્યા

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની (Gopal Italiya) આજે દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરવાના મામલે ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચ (NCW) દ્વારા આજે ગુરુવારે બપોરે 12.30 કલાકે બોલાવવામાં આવ્યા હતા. ઈટાલિયા ત્યાં હાજર થવા ગયા ત્યારે જ દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે ત્રણ કલાકની કસ્ટડી બાદ મુક્ત કર્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા ગોપાલ ઈટાલિયાની વાયરલ વીડિયો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. તે જ સમયે, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, ગુજરાતના લોકોના ભારે દબાણને કારણે ગોપાલ ઇટાલિયાને છોડવા પડ્યા છે. ગુજરાતની જનતા જીતી ગઈ.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વાંધાજનક શબ્દોના પ્રયોગના મામલે સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયું હોવાની દલીલ સાથે NCW દ્વારા ઈટાલિયા વિરુદ્ધ નોટીસ કાઢવામાં આવી હતી. ઈટાલિયા આ નોટીસનો જવાબ આપવા ગુરૂવારે બપોરે NCW ની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પહેલેથી જ દિલ્હી પોલીસ હાજર હતી. ગોપાલ ઈટાલિયા ત્યાં પહોંચ્યા તેવા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાની ધરપકડને રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ગેરકાયદે ગણાવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભાજપ ગોપાલ ઈટાલિયા પાછળ કેમ પડી ગઈ છે?

કેમ વિવાદ થયો?
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન મોદી વિશે વાંધાજનક શબ્દોનો ઉચ્ચાર કરતો એક વીડિયો થોડા દિવસ પહેલાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. આ વીડિયો ક્યારનો છે તે કન્ફર્મ નથી, પરંતુ બે ત્રણ વર્ષ જૂનો હોવાની ચર્ચા છે. આ મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આપની માનસિકતાને દેશવિરોધી ગણાવી હતી. બીજી તરફ રાષ્ટ્રીય મહિલા પંચે મોદી વિરુદ્ધ ટીપ્પણીથી દેશની મહિલાઓનું અપમાન થયાનું જણાવી ઈટાલિયાને નોટીસ ફટકારી હતી. જોકે, ઈટાલિયાએ આ વીડિયો અંગે થોડા દિવસ પહેલાં સુરતમાં કહ્યું હતું કે, ભાજપ પાટીદાર વિરોધી માનસિકતા ધરાવે છે. તેથી તેઓ મારો જૂનો વીડિયો વાયરલ કરી મને ટાર્ગેટ કરી રહ્યાં છે.

શું છે વીડિયોમાં?
વાયરલ થયેલા વીડિયોમાં ગોપાલ ઈટાલિયા વડાપ્રધાન વિશે વાંધાજનક ટીપ્પણી કરતા સાંભળવા મળે છે. ઈટાલિયા વડાપ્રધાન વિશે અપશબ્દો બોલે છે તથા તેઓ દ્વારા ભારતની જનતાને રોડ શો કરી મૂર્ખ બનાવવામાં આવી રહ્યાં હોવાનો બળાપો કાઢવામાં આવી રહ્યો છે. ડીજીટલ ઈન્ડિયા પર પણ ઈટાલિયાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઈટાલિયાના આ વીડિયોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હોવાનું સાંભળી શકાય છે.

Most Popular

To Top