નડિયાદ: નડિયાદમાં મંજીપુરા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતાં વેપારીના ઘરમાંથી 17.55 લાખની ચોરી થઈ હોવા અંગેની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વેપારી પોતે રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ મનાવવા માટે વતન ગયાં હતાં અને તેમના બે પુત્રો ઘરે હાજર હતાં. દરમિયાન રાત્રીના સમયે બંને પુત્રો પોતાનું મકાન બહારથી બંધ કરી પાડોશીના ઘરે બેસવા ગયાં, તે દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતાં અને બેડરૂમમાં મુકેલ પેટીપલંગમાંથી 41 તોલા સોનું, 700 ગ્રામ ચાંદી અને રોકડા રૂ.5,00,000 મળી કુલ રૂ.17,55,000 નો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયાં છે. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે અજાણ્યાં તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં મંજીપુરા રોડ પર આવેલ બ્રુર્ગુપાર્ક સોસાયટીમાં રહેતાં નરસિંહભાઈ રામજીભાઈ પટેલ કમળા જી.આઈ.ડી.સી ખાતે લાકડાનું પીઠું ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે પોતાની પત્નિ સાથે ગત તા.03-8-23 ના રોજ પોતાના વતન કચ્છ જિલ્લાના સીયોતર ગામે ગયાં હતાં. જ્યારે, તેમના ત્રણેય સંતાનો પૈકી સૌથી નાનો પુત્ર પોતાની પત્નિ અને બાળકો સાથે એક લગ્નપ્રસંગમાં ગયો હતો. જેથી તેમના બે પુત્રો વિપુલ અને હિરેન પોતાની પત્નિ અને સંતાનો સાથે ઘરે હતાં.
તા.6-9-23 ના રોજ રાત્રીના સમયે જમી-પરવાર્યાં બાદ વિપુલ અને હિરેનની પત્નિઓ તેમજ સંતાનો ઘરના ઉપરના માળે જઈને સૂઈ ગયાં હતાં. જે બાદ વિપુલ અને હિરેન પોતાના ઘરની સામે રહેતાં હંસરાજભાઈના ઘરે બેસવા ગયાં હતાં. જ્યાં મોડી રાત સુધી વાતો કર્યાં બાદ, રાત્રીના એક વાગ્યાના અરસામાં હિરેન પોતાના મકાનને બહારથી તાળું મારી, બાઈક લઈને નાસ્તો લેવા ગયો હતો. નાસ્તો કર્યાં બાદ રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં બંને ભાઈઓ વિપુલ અને હિરેન પરત પોતાના ઘરે પરત આવ્યાં હતાં. તે વખતે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદરનો સરસામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસ કરતાં તસ્કરો, ઘરના બેડરૂમના પેટીપલંગમાંથી 41 તોલા સોનાના દાગીના કિંમત રૂ.12,30,000, ચાંદીના દાગીના કિંમત રૂ.25,000 તેમજ રોકડા રૂ.5,00,000 મળી કુલ રૂ.17,55,000 નો મુદ્દામાલ ચોરી ગયાં હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે નરસિંહભાઈ પટેલની ફરીયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે અજાણ્યાં તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.