નવી દિલ્હી: ઓડિશામાં (Odisha) સોમવારે સવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. અહીં જાજપુર જિલ્લાના કોરી સ્ટેશન પર, એક માલસામાન ટ્રેન (Goods Train) પેસેન્જર વેઇટિંગ રૂમ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત (Death) થયા હતા. અન્ય સાત લોકો ઘાયલ (Injured) થયા હોવાનું સામે આવ્યું છે. માલગાડીના આ અકસ્માત બાદ ઘણી બધી ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી તેમજ કેટલી ટ્રેનોના રૂટ ચેન્જ કરી દેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળના કોરાઈ સ્ટેશન પર આજે વહેલી સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. માલગાડીના વેગન પ્લેટફોર્મ પર બનેલા વેઇટિંગ હોલ સાથે અથડાઈ ગઈ હતી. ત્યારે પ્લેટફોર્મ પર હાજર બે મુસાફરો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ત્યારે વધુ એક વ્યક્તિનું મોતની પુષ્ટિ કરવામાં આવી રહી છે. રેલ્વેના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાને કારણે બે રેલ લાઈનો બ્લોક થઈ ગઈ હતી. સ્ટેશન બિલ્ડિંગને પણ નુકસાન થયું છે. રાહત ટીમ, રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECoR)ના અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત સવારે લગભગ 7.45 કલાકે થયો હતો. લોકો પ્લેટફોર્મ પર પેસેન્જર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. જેના કારણે ડાંગવાપોસીથી છત્રપુર જતી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. તેના આઠ કોચ પ્લેટફોર્મ અને વેઇટિંગ રૂમ સાથે અથડાયા હતા.
એક અહેવાલના જણાવ્યા અનુસાર અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી શકે છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં સ્ટેશન પરિસરને પણ ઘણું નુકસાન થયું છે. માલગાડી પાટા પરથી ઉતરી જવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતને કારણે બંને લાઈનો બ્લોક થઈ ગઈ હતી અને ટ્રેન સેવાને આંશિક અસર થઈ હતી.
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને કોરાઈ માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી જવાના ભોગ બનેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. તેમણે વહીવટીતંત્રને બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ઘાયલોને પૂરતી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે સવારે માલગાડી પાટા પરથી ઉતરી જવાથી મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. મંત્રીએ પીડિતોના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને એક લાખ રૂપિયા અને નાની ઈજાગ્રસ્તોને 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.