ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટને મોટો બૂસ્ટ
મધ્યપ્રદેશના Kuno National Parkમાંથી wildlife conservation ક્ષેત્રે એક મોટી ખુશખબર સામે આવી છે. ભારતીય ભૂમિ પર જન્મેલી માદા ચિત્તી KGP-2એ ચાર સ્વસ્થ બચ્ચાંને જન્મ આપ્યો છે, જેને ભારતના મહત્ત્વાકાંક્ષી Project Cheetah માટે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આશરે 25 મહિનાની ઉંમરની KGP-2 બીજી પેઢીની ભારતીય જન્મેલી ચિત્તી છે. તે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તી ગામિનીની સંતાન છે. હવે પોતે માતા બનતાં આ ઘટનાએ ચિત્તાઓના ભારતમાં સ્વાભાવિક પ્રજનનની પ્રક્રિયા સફળતાપૂર્વક આગળ વધી રહી હોવાનું સ્પષ્ટ કર્યું છે.
આ ચાર બચ્ચાંના જન્મ સાથે ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 57 થઈ ગઈ છે. હાલમાં કુનો નેશનલ પાર્કમાં 54 ચિત્તાઓ રહે છે, જ્યારે વધુ ત્રણ ચિત્તાઓ મંદસૌરના ગાંધીસાગર વન્યજીવ અભ્યારણ્ય વિસ્તારમાં મુક્ત રીતે ભમતા હોવાનું જણાવાયું છે.
કેન્દ્રિય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે આ ઘટનાને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે જણાવ્યું કે ભારતીય જન્મેલી માદા ચિત્તી દ્વારા કુદરતી પરિસ્થિતિમાં બચ્ચાંને જન્મ આપવાનો આ પ્રથમ નોંધાયેલો કિસ્સો છે, જે ચિત્તા સંરક્ષણ કાર્યક્રમના મુખ્ય હેતુ ભારતમાં સ્વાભાવિક રીતે ચિત્તાઓની સંખ્યા વધારવાનો મહત્વપૂર્ણ પગથિયો સાબિત થયો છે.
વિશેષજ્ઞોના મતે આ ઘટના દર્શાવે છે કે આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓ હવે ભારતીય પર્યાવરણ સાથે સફળતાપૂર્વક અનુકૂળ બની રહ્યા છે. સતત વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, વન વિભાગની ટીમ, પશુચિકિત્સકો અને મેદાની સ્ટાફના પ્રયાસોનું આ સકારાત્મક પરિણામ માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 2022માં શરૂ કરાયેલા Project Cheetah હેઠળ આફ્રિકાથી ચિત્તાઓને ભારતમાં પુનઃસ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી યોજના અમલમાં આવી હતી. હવે ભારતીય જન્મેલી ચિત્તી દ્વારા કુદરતી રીતે ચાર બચ્ચાંને જન્મ મળવો એ દર્શાવે છે કે આ પ્રોજેક્ટ ધીમે ધીમે પોતાના મુખ્ય લક્ષ્ય તરફ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.
આ ઘટનાને wildlife conservation ક્ષેત્રમાં ભારત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે અને ભવિષ્યમાં દેશમાં સ્વસ્થ અને સ્વાવલંબન ચિત્તા વસ્તી ઉભી કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.