વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે પૈકી ૯૫૮ વ્યક્તિઓની ૧૪ દિવસની કવોરન્ટાઇન પૂર્ણ થતાં હાલ ૯૯ વ્યક્તિઓ જ હોમ કવોરન્ટાઇલ અને ૨ વ્યક્તિઓ સરકારના આઇસોલેશન વોર્ડમાં કવોરન્ટાઇલ હેઠળ છે. આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. નિજામુદ્દીન મરકજની આસપાસના વિસ્તારમાં મોબાઇલ ટ્રાવેલ હિસ્ટ્રી આધારે વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં નિજામુદ્દીન મરકજના વિસ્તારમાં લોકો ગયા હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. ત્યાં ગયેલા ૩૯ માંથી ૧૯ લોકો વલસાડ જિલ્લામાં પરત આવ્યા છે.
જ્યારે બાકીના ૨૦ વ્યક્તિઓ હાલમાં ગુજરાતમાં નથી. નિઝામુદ્દીન મરકજ વિસ્તારમાં ગયેલા વલસાડના ૭, વાપીના ૮, ઉમરગામના ૩ અને પારડીનો ૧ વ્યક્તિઓમાં કોરોનાના કોઈ લક્ષણો નહિ જણાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. વલસાડ જિલ્લામાં તા. ૦૩/૦૪/૨૦૨૦ની સ્થિતિએ ૯૭ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન અને બે વ્યકિતઓને સરકારી કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમનું ક્રોસ વેરીફિકેશન પણ કરવામાં આવ્યું છે. આજના દિને ૯૫૮ વ્યક્તિઓની ૧૪ દિવસની કવોરન્ટાઇન પૂર્ણ થઇ છે. જાહેરનામાના ભંગ બદલ કુલ ૪ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયારે એક વ્યકિત સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, તેમ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જણાવાયું છે.