ગાંધીનગર : આવતીકાલે ઉત્તરાયણ હોવાથી પતંગરસિયાઓ પતંગ ચગાવવા માટે તલપાપડ થઇ રહ્યા છે. જો કે પવન રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજયના હવામાન વિભાગે સારા પવનની આગાહી કરી હતી. આ બાબતે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે. 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેમાં નલિયાનું તાપમાન 8.8 ડિગ્રી રહેવાનું અનુમાન હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે અમદાવાદમાં તાપમાન 12 થી 13 ડિગ્રી રહેશે અને ઉતરાયણમાં બે દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
ઉત્તરાયણમાં પવન દિશામાં અનુકૂળ રહેશે અને વાતાવરણ ચોખ્ખુ રહેશે. મોટા ભાગના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. સવારે 6થી 13 કિમી સુધીનો પવન ફૂંકાશે , જયારે બપોર પછી 12થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જયારે સુરતમાં 18થી 21 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવુ હવામાન અને ખગોળ નિષ્ણાંતોનું કહેવુ છે. જયારે વાસી ઉત્તરાયણે પવન 6થી 14 કિમીની આસપાસ રહેશે. રાજયમાં હાલમાં ઉત્તર – પૂર્વીય થી પૂર્વીય પવન દિશા રહેવાની છે, જેના પગલે પતંગ રસિકો સારી રીતે ઉત્તરાયણ ઉજવી શકશે. આગામી 4 દિવસની અંદર રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે, જેમાં ચારેક ડિગ્રી ઠંડીનો પારો નીચે ગગડી જશે તેવી સંભાવના રહેલી છે. આજે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં 9 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ,રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 12 ડિ.સે., ડીસામાં 10 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે., વડોદરામાં 13 ડિ.સે., સુરતમાં 18 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 9 ડિ.સે., કંડલા પોર્ટ પર 13 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 10 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે.,ભાવનગરમાં 16 ડિ.સે.,રાજકોટમાં 11 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 12 ડિ.સે., મહુવામાં 16 ડિ.સે., અને કેશોદમાં 10 ડિ.સે. લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.
