Comments

સારું થયું ફેબ્રુઆરી ફરી ગયો..!

ફરી ગયો, એટલે કેલેન્ડરમાંથી ફરી ગયો ને, માર્ચ બેઠો..! બાકી પ્રેમઘેલાઓનો પ્રિય માસ એટલે ફેબ્રુઆરી. અનેક ‘ડેઈઝ’ અને વેલેન્ટાઈન જેવાં પ્રેમના લબાચા આ મહિનામાં જ આવે. એટલે તો ‘ વેલેન્ટાઇન’ જેવાં પ્રેમના હટવાડા ફેબ્રુઆરીમાં ભરાય. ખુમારી તો ફેબ્રુઆરીની..! ઝાડવાની માફક હલાવી નાંખે એવી ટાઈઢ પડતી હોય, મ્હોર ભરેલા આમ્રકુંજો ફાટ-ફાટ થતાં હોય, થીજેલો માણસ સિસકારા બોલાવતો હોય ને કોયલો ડાળેથી વસંતના વધામણાં ગાતી હોય, મોરલાઓ ટેહૂક-ટેહૂક કરીને તોફાને ચઢેલા યુવાનની યુવાની ઢંઢોળવા રણશિંગું ફૂંકતા હોય, એની તો મઝા છે બોસ..!

આ મહિનામાં મઝાની ‘ફૂટ’ ફૂટતી હોય તો, લબર-મુછીયાઓની..! જેની દાઢી-મૂછ ફૂટું-ફૂટું થતી હોય, ને ‘દાઢી-મૂછ’ બેસવા માટે મોંઢા ઉપર પ્લોટ શોધતી હોય, એને તો ફેબ્રુઆરી બેસે એટલે છૂપાં ગલગલિયાં થવા માંડે. ‘નંદ ઘેર આનંદ ભયો’ ની માફક ગેલમાં આવી જાય. વગર ચોમાસે મોંઢા ઉપર મેઘધનુષ તણાવા માંડે.‘વેલેન્ટાઈન’ વાળો પવન એવો ભરાય કે, પતંગની માફક ઊડવા કરતાં કપાય વધારે..! પ્રેમ કરવાનો પણ હટવાડો ભરાવાનો હોય એમ, ભાત-ભાતના ‘ડેઈઝ’ બધાં આ જ મહિનામાં પ્રગટ થાય. ‘પ્રેમઘેલા ઘરની બહાર, ને ‘ડોહા-ડોહી’ ઘરની અંદર..! લબર-મુછીયા બહાર નીકળીને હલ્લો-હાઈઇ કરે ને, ‘ડોહા-ડોહી’ સત્સંગ ચેનલ ઓન કરી, તુવર-પાપડીનાં દાણા કાઢતાં હોય..!

બાગ-બગીચા ને હોટલ હાઉસ-ફૂલ, ને બાપાઓ વીતેલાં વર્ષોનું સરવૈયું કાઢવામાં મશગુલ…! ડોહાઓ ‘ઇસ્ટર્ન સ્ટાઈલ’માં ને જુવાનીયા ‘વેસ્ટર્ન સ્ટાઈલ’ માં..! એવાં-એવાં ‘ગુડ-ડે’ ફેબ્રુઆરીમાં આવે કે, સાંભળીને મગજની પથારી ફરી જાય..! આપણી યુવાની તો જાણે અમાસમાં વીતી હોય એવું લાગે. સાલી, બધાં જ ડે ની ફોજ ફેબ્રુઆરીમાં ‘ફ્લેગ-માર્ચ’ કરવા માંડે. ૭ મી એ રોઝ ડે આવે. એમાં ફત્તેહ થયાં તો, ૮ મી એ ‘ પ્રપોઝ ડે, ૯ મી એ ચોકલેટ ડે, ૧૦ મી એ ટેડી ડે, ૧૧ મીએ પ્રોમિસ ડે, ૧૨ મી એ હગ ડે, ૧૩ મી એ કીસ ડે અને ૧૪ મીએ, વેલણ-ડે’ આઈ મીન.. ‘વેલેન્ટાઈન ડે’..!’ એક વાર પરણી જવાં જોઈએ,પછી, બસ રહેવા દે, જંપવા દે. મરવા દે, ઠરવા દે, ઊંઘવા દે ને જીવવા દે શરૂ થઇ જાય..! ધત્તેરીકી..!

જો કે મહિનાઓમાં માણસ જેવું મેલવણ નહિ કે, બહુ ફાવટ આવી તો બે-ચાર મહિના પડાવ નાંખીને પડી રહીએ. અદેખા પણ નહિ કે, બીજાના વધારે ને મારે જ કેમ, ૨૮ કે ૨૯ દિવસ? ‘પ્રભુને જે ગમ્યું તે ખરું’ માનીને જીવ મોટો કરી લે. ને કાર્યકાળ પૂરો થાય એટલે કેલેન્ડરમાંથી ચાલતી પકડે, ઘડીભર પણ ના રોકાય. અત્યારે બધાની જ માર્ચનાં પાયે બેઠી છે. દિલ-દિલાવરના ખેલ ફેબ્રુઆરીમાં પુરા થયા, માર્ચમાં ચોપડાના હિસાબ-કિતાબ ચાલશે. ગમે તે કહો, પણ ફેબ્રુઆરીની તોલે તો એકેય મહિનો નહિ આવે. ભલે બાકીના મહિનાઓ પૂરા દહાડાઓથી ભરેલા હોય અને ફેબ્રુઆરી મહિનો અધૂરા ‘દિવસે’ અવતરેલા બાળક જેવો ‘વિકલાંગ’ હોય, પણ શુકનિયાળ બહુ..!

કસ્તુરબા, મોરારજી દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ,- ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, કે ખાન અબ્દુલ ગફારખાન જેવા ધુરંધર આત્માઓએ ફેબ્રુઆરી મહિનામાં જ ધરતી ઉપર પ્રવેશ કરેલો. મારા માટે આ મહિનો ‘શુકનિયાળ’ છે કે પછી. ’અપશુકનિયાળ’ છે, એ બાબતે વિદ્વાનો હજી પાકા નિર્ણય ઉપર આવ્યા નથી. બાકી મને ઠેકાણે પાડવામાં આઈ મીન, ‘પૈણાવી’ દેવામાં પણ ફેબ્રુઆરીનો જ હાથ હતો. જુઠું શું કામ બોલું, ત્યારે પૈણી ગયો તે પૈણી ગયો, બાકી મારા સમયકાળનાં હજી ઘણાં બધાં હાડકે પીઠી લગાવવા માટે, અમેરિકાના વિઝાની માફક રાહ જોઇને, બુશકોટના બટન ચાવે છે..! કેટલાંક વાંઢેરા તો કંટાળીને સ્વર્ગમાં જઈને મામલો પતાવીશું કહીને દુનિયા છોડી ચાલી ગયાં. બિચારા કરે પણ શું..? ગંજીફા રમવા બેસે તો પણ ‘ક્વીન’ ને બદલે જોકર જ નીકળે..! અમે બંધ બાજી રમેલા, પણ એટલું તો કહેવું પડે કે, પહેલી જ બાજીમાં ‘ત્રણ એક્કા’ નીકળેલા..! બાકી, ત્યારે તો અમને એટલું ય જ્ઞાન નહિ કે, પૈણતી વખતે, કન્યાની ડાબી બાજુ બેસાય કે જમણી બાજુ..!

ગોર મહારાજ સમજાવતા કે, જ્યાં બેસવું હોય ત્યાં છાનોમાનો બેસી જા, કોઈ ફરક પડવાનો નથી. લગન પછી તો એ માથે જ બેસવાની છે..! સોરી, દુખતી નસ દબાવવાની વાત નથી કરતો, પણ જેમ ફાધર્સ ડે આવે, મધર્સ ડે આવે એમ, એકાદ વાઈફ ડે પણ હોવો જોઈએ..! દુનિયાની વાઇફોને રાજીપો તો થાય કે, મુઆ…રોઝ ડે ના દિવસે, ગુલાબનું ફૂલ પકડાવીને છટકી ગયા નથી. આપણું પણ આ લોકોએ રાખ્યું છે…! બહેનને સાચવવા બળેવ હોય, ભાઈને સાચવવા ભાઈ-બીજ હોય, એમ, સાસુને સાચવવા, એકાદ સાસુ ડે, ને વાઈફનો મોભો રાખવા એકાદ વાઈફ ડે રાખીએ તો ‘વેસ્ટર્ન એક્સપ્રેસ’ જેવી કન્ટ્રીને પણ એમ થાય કે, “ વાહ, શું સાલ્લી ભારતની સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી સીસ્ટમ છે..?” આ તો એક વાત..! એટલા માટે કે, પ્રોબ્લેમ-ડે બધાં લગન પછી જ શરૂ થાય. અમુકનાં મોંઢાં તો એવાં ફાટેલા દૂધપાક જેવાં થઇ જાય કે, બગડેલું બુલેટ ખરબચડા રસ્તા ઉપરથી ઘસડતો હોય એમ સંસારને ખેંચે..! છેક લગનની એનીવરસરી આવે ત્યારે જ મલકે, તે પણ માપમાં ..! અમારો શ્રીશ્રી ભગો એટલે, સાવ નવરો નથ્થુ..! મને કહે, ‘ રમેશીયા, આ ‘વેલેન્ટાઇન ડે’ ની જગ્યાએ ‘વાઈફ-જયંતી’ ઉજવતા હોય તો એનો સરસ પડઘો પતિદેવ ઉપર પડે.

જે વાઈફને સાચવે તે લાઈફને સાચવે..! બાકી, સંસારનાં ઘડિયાં એટલાં પાવરપેક હોય કે, ચોઘડિયાં પણ ચત્તાપાટ કરી નાંખે. લગન પહેલાં ભલે, ‘ડીયર-ડાર્લિંગ-હની-જાનુ-સ્વીટીની લાલ જાજમ પાથરી હોય, પણ વાઈફ બગડી તો એ જાજમ પગલૂછણિયામાં પણ પલટાઈ જાય. પ્રેમનો ક્વોટા પૂરો થાય એટલે, બધું જ આડું ફાટવા માંડે. એટલું ખાસ યાદ રાખવું કે, બાઝવું-સમઝવું ને સમાધાન કરવું, એ પતિ- પત્નીનો અબાધિત અધિકાર છે. પરણ્યા ત્યારથી એમની તલવારબાજી ચાલતી જ હોય..! અમુક તો વેફરના બંધ પાઉચ જેવાં હોય..! માલ ઓછો ને હવા વધારે..! એમણે તો પત્ની-ચાલીસાના પાઠ કરેલા જ સારા..!

સુખી થવું હોય તો, ટાયર-ટ્યુબની માફક રહેવું પડે. ટાયર એટલે પતિ ને અંદર બેઠેલી ટ્યુબ એટલે વાઈફ..! એ અંદર બેસીને આરામ જ કરતી હોય, ને હવા ભરે એટલે ફૂલાતી હોય.એક વાર ટાયરને એવું અભિમાન આવ્યું કે, સઘળો ભાર હું જ સહન કરું છું. ત્યારે ટ્યુબ બોલી કે, હું જો ‘ફૂઉઉઉઉસ’ થઇ જાઉં ને, તો તમારો તો બરડો જ છોલાવા માંડે. ..! છેલ્લે…વાલ્વ-ટ્યુબે કહેવું પડે કે, ‘ હવે ઝઘડવાનું બંધ કરો, નહિ તો ટ્યુબમાંથી હું છૂટો પડું..? ‘ આ વાલ્વ-ટ્યુબ એટલે દીકરો…! જે બંનેની હવાને અટકાવીને બેઠો હોય..! શાકમાં મીઠું હોય ત્યાં સુધી ખબર નથી પડતી કે, મીઠાની શું કિંમત છે..? મીઠું નાખવા વગર ખાવ તો જ મીઠાની કિંમત સમજાય એના જેવું દાદૂ..!

લાસ્ટ ધ બોલ
ઘણાં લોકો ધણી માટે ‘સાહેબ’ નો શબ્દ પ્રયોગ કરે, ને વાઈફ માટે ‘મેડમ-મેડમ’ કરે. આને સંસ્કાર કહેવાય. પણ અમુકને આવું સાંભળીને ટેન્શન એ વાતનું આવે કે, આ લોકોએ લગન કર્યા છે કે પછી, ‘સ્કુલમાં એડમિશન લીધું છે..!’

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top