Charchapatra

ભારતમાતાને માથે સુવર્ણ તિલક

આખરે ઓલમ્પિકમાં સુવર્ણચંદ્રક મળ્યો અને આપણે સૌ આનંદવિભોર થઈ ગયા. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં હવે આત્મસંતોષની વધુ એક લહેર આવી. હકીકતમાં મુંબઈ, અમદાવાદ કે કલકત્તા જેટલી વસ્તી ધરાવતા એ ટચુકડા રાષ્ટ્રોના ખેલાડીઓ થેલા ભરીભરીને સુવર્ણ ચંદ્રક લઈ જાય છે તે આવી ક્ષમતા ક્યાંથી પ્રાપ્ત કરે છે!? એ આપણે કદી વિચાર્યું નથી. ત્યાં સ્ટેડિયમનું નામ સાર્થક કરે તેવા ખેલાડીઓ પાકે છે કારણ કે, તેના નેતાઓ જાણે છે કે રમતગમતમાં કૌશલ પ્રાપ્ત કરવું હશે તો તે યુવાન પેઢી કરી શકશે તેથી તેમને પ્રોત્સાહન આપવામાં કસર કરવી જોઈએ નહીં.

આપણે ત્યાં જનતાના ખર્ચે નેતાઓ માટે વૈભવશાળી આવાસ બનાવવા માટે કરોડોનો ખર્ચો થાય તેને બદલે નેતાઓ પોતે સાદા આવાસનો આગ્રહ રાખે અને એ રકમ યુવાનોના વિકાસ માટે વાપરવા ફાજલ પાડે એવું સ્વપ્ન જોવાનું પણ મોંઘું છે. આપણે સભા, સમારંભો, ધાર્મિક ઉત્સવો વગેરે પાછળ લોકોના પૈસાનો ધૂમાડો કરતાં ખચકાતા નથી. એવા ઘણા પ્રસંગો આવે છે કે જેની પાછળ થતો ખર્ચ અડધો કરી નાખવામાં આવે તો બીજાં ઘણાં રચનાત્મક કામ થઈ શકે. રૂપિયા 192 કરોડના વિમાનમાં ઊડનારા કે, સાર્વજનિક ઉત્સવો પાછળ બેફામ ખર્ચો થાય તેને પ્રોત્સાહન આપનારા નેતાઓ સમજશે ત્યારે પરિસ્થિતિમાં ઘણો ફરક પડશે. યુવાનોમાં પણ સોશ્યલ મીડિયામાંથી બહાર આવવાની ધગશ પેદા થવી જોઈએ.
સુરત     -સુનીલ રા.બર્મન -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top