Editorial

રાજકારણમાંથી અપરાધ અને ભ્રષ્ટાચારની બોલબાલાનો અંત આવે તો ભારતમાં સોનાનો સૂરજ ઉગે

ભારતના રાજકારણમાં અપરાધી તત્વોની બોલબાલા એ હવે કોઇ નવી વાત રહી નથી. આઝાદી પછી થોડા વર્ષો સુધી ભારતનું રાજકારણ કંઇક સ્વચ્છ રહ્યું, પછી તેમાં ભ્રષ્ટાચારનો પ્રવેશ થયો અને પછી તો અપરાધી તત્વો પણ તેમાં પ્રવેશવા માંડ્યા. છેલ્લા થોડા વર્ષોમાં તો આપણા દેશમાં રાજકારણ અને અપરાધ જગતની ભયંકર ભેળસેળ થઇ ગઇ છે અને ઘણા અપરાધી તત્વોએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. બલ્કે કેટલાક અપરાધી તત્વો તો સજામાંથી બચવા જ રાજકારણનું શરણુ લેતા હોય છે.

હાલમાં એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની એક સંસ્થા દ્વારા હાલના ફેરફાર પછીના કેન્દ્રીય મંત્રીમંડળમાં કેટલા અપરાધી તત્વો છે તેની યાદી બહાર પાડી છે અને તે ચોંકી જવાય તેવી છે. રાજકારણમાં સ્વચ્છતાની વાતો કર્યા કરતા આપણા વડાપ્રધાનના મંત્રીમંડળમાં પણ કેટલા ગુનેગાર તત્વો છે તે આ યાદી પરથી સમજી શકાય છે. મંત્રીઓએ સાંસદ તરીકે ચૂંટણી તો લડવી પડે અને ચૂંટણી લડતી વખતે સોગંદનામામાં પોતાની સામે નોંધાયેલા ગુનાઓ પણ તેમણે દર્શાવવાના હોય છે.

ઉમેદવારી પત્રક સાથેના આ સોગંદનામામાં આ મંત્રીઓએ દર્શાવેલી માહિતીના આધારે આ વિગતો એડીઆર દ્વારા જાહેર કરવામાં આવી છે જે મુજબ કેન્દ્રીય કેબિનેટના ૭૮ મંત્રીઓમાંથી ૪૨ ટકાએ પોતાની સામે ક્રિમિનલ કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યું છે જેમાંથી ચારની સામે તો હત્યાના પ્રયાસને લગતા કેસો નોંધાયેલા છે. હાલ જે નવા ૧પ નવા કેબિનેટ મંત્રીઓએ અને ૨૮ રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા , તે સાથે કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રધાનોની કુલ સંખ્યા ૭૮ પર પહોંચી છે. તમામ મંત્રીઓનું વિશ્લેષણ કરતા જણાયું છે કે આમાંથી ૩૩ (૪૨ ટકા) મંત્રીઓએ પોતાના ઉમેદવારીપત્રકો ભરતી વખતે જાહેર કર્યું છે કે તેમની સામે ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે એમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) દ્વારા આ મંત્રીઓના ચૂંટણી સોગંદનામાઓને ટાંકીને જણાવવામાં આવ્યું હતું.

આમાંથી ૨૪ મંત્રીઓ એટલે કે ૩૧ ટકા મંત્રીઓએ પોતાની સામે ગંભીર ક્રિમિનલ કેસો હોવાનું જાહેર કર્યું  છે જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ વગેરેના કેસોનો સમાવેશ થાય છે. જેઓ ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમાયા છે તે બિહારના કૂચબિહાર મતવિસ્તારમાંથી ચૂંટાયેલા નીશિથ પ્રમાણિકે પોતાની સામે હત્યા(આઇપીસીની કલમ ૩૦૨)ને લગતો કેસ નોંધાયો હોવાનું જાહેર કર્યું છે. ૩૫ વર્ષના નીશિથ આ કેબિનેટના સૌથી યુવા મંત્રી છે. આ ઉપરાંત ત્રણ પ્રધાનોએ પોતાની સામે હત્યાનો પ્રયાસ(કલમ ૩૦૭)નો ગુનો નોંધાયેલ હોવાનું જાહેર કર્યું છે.  આ વિગતો પરથી સમજી શકાય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં અપરાધી મંત્રીઓ કેટલા છે.

આ તો હાલના કેન્દ્રીય મંત્રીમંડળની વાત છે અને અગાઉની સરકારોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં અપરાધી ગુનાઓ જેમની સામે નોંધાયેલા હોય તેવા મંત્રીઓ હતા જ, અને વળી આ તો પ્રધાનોની વાત થઇ. પણ સાંસદોમાં પણ ફોજદારી ગુનાઓ જેમની સામે નોંધાયેલા હોય તેવા સાંસદોનું પ્રમાણ છેલ્લા કેટલાય દાયકાઓથી મોટું રહેતું આવ્યું છે. રાજ્યોમાં પણ મંત્રીઓ અને ધારાસભ્યો સામે આવા અપરાધો નોંધાયેલા હોય તેનું પ્રમાણ નોંધપાત્ર ઉંચુ રહેતું આવ્યું છે અને આ કોઇ એક ચોક્કસ પક્ષનો ઇજારો નથી.

લગભગ તમામ રાજકીય પક્ષો વધતા ઓછા પ્રમાણમાં અપરાધી પૂર્વભૂમિકા ધરાવતા લોકો ધરાવે જ છે. જો કે અહીં એ પણ નોંધવું જોઇએ કે જેમની સામે ફોજદારી ગુનાઓ નોંધાયેલા હોય તેવા બધા જ પ્રધાનો, સાંસદો કે ધારાસભ્યો હાર્ડકોર ક્રિમિનલ હોય જ તે જરૂરી નથી. કેટલાકની સામે કોઇ ચોક્કસ બનાવ કે ઘટનાને કારણે આવો ગુનો નોંધાયો હોય તો કેટલાકને રાજકીય કારણોસર ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવ્યા હોય તેવું પણ બને છે. છતા આપણે જોઇ શકીએ છીએ કે મોટા પ્રમાણમાં અપરાધી તત્વો રાજકારણમાં પ્રવેશતા થયા છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કેટલાક રાજકારણીઓએ છેલ્લા કેટલાક સમયમાં આચરેલા ગુનાઓની વિગતો આપણે જોઇ જ છે. અને ફક્ત અપરાધી બેકગ્રાઉન્ડ જ નહીં પણ રાજકારણીઓ પાસેની અઢળક ધનસંપત્તિ પણ લોકોને વિચારતા કરી મૂકે તેવી છે.

મોદી સરકારના વિશ્લેષણ કરાયેલા પ્રધાનોમાંથી ૭૦ પ્રધાનો(૯૦ ટકા) કરોડપતિ છે અને તેમની સરેરાશ મિલ્કત રૂ. ૧૬.૨૪ કરોડ છે. ચાર મંત્રીઓએ રૂ. ૫૦ લાખ કરતા વધુ સંપતિ જાહેર ક છે જેઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, પિયુષ ગોયલ, નારાયણ રાણે અને રાજીવ ચંદ્રશેખર છે. બધા રાજકારણીઓ પાસે કાળુ ધન હોય કે ભ્રષ્ટાચારના જ નાણા હોય તેવું નથી તે છતાં મોટા ભાગના ધનવાન રાજકારણીઓ ભ્રષ્ટાચારો આચરીને જ ધનિક થયા હોય છે તે હકીકત બધા જાણે છે. ભારતીય રાજકારણમાં અપરાધ અને ભ્રષ્ટાચારની બોલબાલાનો અંત આવે તો દેશમાં સોનાનો સૂરજ ઉગે, પણ વ્યાપક પ્રજાકીય જાગૃતિ વિના આ શક્ય બને તેમ નથી.

Most Popular

To Top