પારડી : પારડીની (Pardi) દુકાનમાં (Shop) વિધવા મહિલાના સોનાના 3 તોલાના દાગીના તફડાવી ગઠિયો બાઈક (Bike) પર ભાગી ગયો હતો. પારડી ચાર રસ્તા પાસે આવેલી HDFC બેંક પાસે નીલા સ્ટોરની દુકાનમાં ગ્રાહકાના સ્વાંગમાં એક ગઠિયો આવ્યો હતો. જ્યાં દુકાનદાર મહિલા રમાબેન ભંડારી પાસે ગઠીયાએ 10 રૂપિયાની અગરબત્તી ખરીદી હતી. ગઠિયાએ મહિલા સાથે ધાર્મિક વાતો કરી અહીં મંદિર ક્યાં આવ્યું છે તેવું પુછ્યું હતું. જે બાદ તેણે સોના ચાંદીના દાગીનાની દુકાન ખોલી છે. જેથી મારે મંદિરમાં 500 રૂપિયાનું દાન કરવું છે તેવું જણાવ્યું હતું.
વૃદ્ધાએ બજારમાં મંદિર છે કહેતા ઠગે મને આજે ઉતાવળ છે જેથી મારા 500 રૂપિયા મંદિરમાં મારા વતી તમે દાન કરી આવજો અને દાન કરવા પહેલા તમારા સોનાના દાગીના દાનના 500 રૂપિયામાં ટચ કરી આપો કહી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. જેથી મહિલાએ પહેરેલી 2 તોલા સોનાની બંગડી અને 1 તોલાની ચેન મળી અંદાજે 3 તોલા સોનુ ઉતારી આ દાનના રૂપિયા સાથે ઘરેણાં થેલીમાં મૂકી આપું છું જે દાન કરવા જાવ ત્યારે તમારા દાગીના લઈ લેજો અને દાનના રૂપિયા મંદિરમાં મૂકી દેજો. તેવું કહી ઠગ ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જે બાદ વૃધ્ધાને શંકા જતાં આપેલી થેલી ચેક કરતાં થેલીમાં રૂ 500 મળ્યા હતા અને ઘરેણાં ગાયબ જણાતા વૃધ્ધા ગભરાઈ ગયા હતા અને આજુબાજુના દુકાનદારોને જાણ કરી હતી. જેથી ત્યાં આવેલી આરવ ટેલિકોમ શોપના સીસીટીવી ચેક કરતા બે ગઠિયા બાઈક પર ભાગતા નજરે પડ્યા હતા. ઘટના અંગે રમાબેન ભંડારીએ પારડી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કચ્છ એક્સપ્રેસમાંથી રૂ. 33 હજારના સામાન સાથે બેગની ઊઠાંતરી
વલસાડ : કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરની ઊંઘનો લાભ લઇ ચોર સીટ નીચે મુકેલી ટ્રોલી બેગ ચોરી ગયા હતા. જેમાં રોકડ અને કપડા મળીને કુલ્લે રૂ. 33500 ની મત્તાનો સામાન હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈમાં રહેતો નવીન કરમસી ચલા પરીવાર સાથે કચ્છ ગયા હતા. તેઓ ગત તારીખ 10 માર્ચે રોજ સામખીયાલી રેલવે સ્ટેશન પરથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં કોચ એસ – ૪ સીટ નંબર ૪૬ ઉપર બેસીને મુંબઈ જવા માટે રવાના થયા હતા. ટ્રેન ચાલુ થતા નવીનભાઈ પોતાની ટ્રોલી બેગમાં રોકડ કપડા મોબાઈલ મળીને કુલ્લે રૂ. 33500નો સામાન સીટ નીચે ટોલી બેંગ મૂકીને સૂઈ ગયા હતા. ત્યારે કોઈ તેમની ઊંઘનો લાભ લઈને ટોલી બેગની ચોરી કરી ગયો હતો. વલસાડ રેલવે સ્ટેશન આવતાં નવીનભાઈ ઉંઘમાંથી ઉઠી ગયા હતા અને માથા નીચે મુકેલી ટ્રોલી બેગ નહીં દેખાતા ટ્રેનના ડબ્બામાં શોધખોળ કરી હતી. આ બેગ નહીં મળતા ટ્રોલી બેગ ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ મથકે નોંધાઈ છે.