મુંબઈ: સોમવારે ઉઘડતા બજારે સોના (Gold) બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સોનાએ આજે દિવસ દરમિયાન નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાની કિંમતો ઓલટાઈમ હાઈ પહોંચી છે. સોનાએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં 60,000ની સપાટી વડાવી દીધી છે. સોના સાથે ચાંદીની (Silver) કિંમત પણ વધી છે. પ્રતિ કિલો ચાંદીની કિંમત 70,000 રૂપિયા પર પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં પણ સોનાની કિંમતો વધે તેવી શક્યતા જોતા નિષ્ણાતો અત્યારે સોનામાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય હોવાનું માની રહ્યાં છે.
અમેરિકાથી શરૂ થયેલી બેંકિંગ કટોકટી વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઈ ગઈ છે. જેના કારણે શેરબજારોમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. નાણાકીય કટોકટીની સ્થિતિમાં ભારતીયો રોકાણ માટે સોનાને સૌથી વધુ પસંદગીનો વિકલ્પ માનવા લાગ્યા છે. તેના લીધે સોનાની કિંમત પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને આ સાથે જ આજે MCX પર પ્રથમ વખત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે સોનાની કિંમત પહોંચી ગઈ હતી.
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં વધારો થવાના મુખ્ય કારણોમાં અમેરિકા અને અન્ય દેશોમાં બેંકિંગ ક્રાઇસિસ, ડોલરમાં નબળાઈ, સલામત રોકાણની માંગ અને શેરબજારમાં અનિશ્ચિતતા છે. આ સંજોગોમાં સોનામાં રોકાણ ઝડપથી વધ્યું છે. શેરબજારોમાં ઘટાડાને કારણે સોનામાં વધેલા રોકાણના કારણે માર્ચના પ્રારંભમાં 55,000ના સ્તરની આસપાસ કારોબાર કરતું સોનું હવે 60,065 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. અગાઉ, MCX પર તેની સર્વકાલીન ઊંચી સપાટી 58,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
નિષ્ણાતોના મતે સોનું આગામી મહિનામાં 62,000ની સપાટી વટાવી શકે
નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં આ વધારો ચાલુ રહી શકે છે અને આગામી મહિનામાં સોનું રૂ.62,000 પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે. ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરમાં ફરી વધારો થવાની દહેશત અને યુએસ બેન્કિંગ કટોકટીના કારણે મંદીના ભયે સોનાની ચમક વધારવાનું કામ કર્યું છે. કટોકટીના સમયમાં સુરક્ષિત આશ્રયની શોધમાં લોકો હવે સોનામાં રોકાણ પર વિશ્વાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં રૂપિયામાં થયેલા ઘટાડાની અસર પણ સોનાના ભાવમાં વધારો કરવા માટે કામ કરી રહી છે.
1 એપ્રિલથી માત્ર છ-અંકનું હોલમાર્કિંગ સોનું વેચવામાં આવશે
નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી છ અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધાર કાર્ડમાં 12 અંકનો કોડ હોય છે, તેવી જ રીતે સોનામાં 6 અંકનો હોલમાર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે.
આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે એટલે કે આના જેવું કંઈક- AZ4524. આ નંબર દ્વારા એ જાણી શકાશે કે સોનું કેટલા કેરેટનું છે. દેશભરમાં સોના પર ટ્રેડમાર્ક આપવા માટે 940 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. હવે ચાર અંકનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે.