Dakshin Gujarat

શહેરી જીવનની ધમાલથી દૂર રમણીય વાતાવરણમાં આવેલું ગોકુળિયું ગામ એટલે ગણદેવીનું પાથરી

ભારત એટલે ગામડાંનો દેશ. તમારે સાચા ભારત દેશના દર્શન કરવા હોય તો ગામડાંમાં જવું જોઈએ. દેશની એક અબજ ચાળીશ કરોડ વસતીમાંથી 74 ટકા વસતી આજે પણ ગામડાંમાં વસે છે. ગામડાં કાચા માલનું ઉત્પાદન કરે છે. જ્યારે શહેરો કાચા માલને પાકા માલમાં રૂપાંતર કરવાની કાર્યવાહી કરે છે. ભારતનાં ગામડાંનો સર્વાંગી વિકાસ સધાશે તો જ દેશ સમૃદ્ધ બનશે અને એ જ સાચું ગ્રામ સ્વરાજ. એ વ્યાખ્યામાં બેસે એવું એક ગામ એટલે પાથરી.

પાથરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા અંબિકા નદીની બાજુમાં નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાનું ગામ છે. પાથરી ગામ એ શહેરી જીવનની ધમાલથી દૂર એક ગ્રામીણ સ્થળ છે. આ એક એવી જગ્યા છે, જ્યાં ગામની હરિયાળી અને માટીની સુગંધ મનને શાંતિ આપે છે. અહીં પાક-ફૂલો-લીલાં વૃક્ષો વગેરેનાં ખેતરો છે. ત્યાં કોઈ પ્રદૂષણ નથી અને હવામાન ખુશનુમા અને પવનયુક્ત છે. ગામમાં તાજી હવા અને તાજો ખોરાક મળે છે. ગામના લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ છે અને એકબીજા સાથે પ્રેમથી રહે છે. એમ જોવા જઇએ તો 10 મિનિટના અંતરે વસેલા ગણદેવી ગામ સાથે સારો નાતો છે. એ જ કારણે પાથરી ગામના લોકોને સ્વાસ્થ્ય અને ગુજરાતી તથા અંગ્રેજી મીડીયમની શિક્ષણની વ્યવસ્થા સરળતાથી ઉપલબ્ધ છે. ગામમાં પીવા માટે સ્વચ્છ પાણી, પાકી સડક અને વીજળીની સુવિધા જેવી જીવનજરૂરી આવશ્યક સુવિધાઓથી ઉપલબ્ધ છે.

પાથરી ગામ પહેલા ગ્રુપ પંચાયતમાં હતું. અજરાઇ ગામ તથા પાથરી ગામની ઓછી વસતી હોવાને કારણે બંને ગામની એક જ ગ્રામ પંચાયત હતી. પરંતુ 1968ની સાલમાં અંબિકા નદીમાં પૂરના લીધે ખખવાડા ગામના તારાજ થયેલા કોળી પટેલનાં 50 ઘર તથા હળપતિ સમાજનાં 52 ઘરને તે સમયના ગ્રુપ પંચાયતના સરપંચ મોરારભાઈ ઉકાભાઈ પટેલે પાથરી ગામમાં રહેઠાણની વ્યવસ્થા કરી આપી હતી, તેને કારણે પાથરી ગામની વસતી વધવાથી ગ્રામ પંચાયતનું વિભાજન કરી સ્વતંત્ર પાથરી ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી હતી. પાથરી ગ્રામ પંચાયતના અસ્તિત્વ સાથે જ મોરારભાઈ યુ. પટેલ ગામના પહેલા સરપંચ બન્યા હતા.

વસતીની દૃષ્ટિએ પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે
સરકાર દ્વારા બેટી બચાવો સહિતના મહિલાલક્ષી અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. જેનાં સારાં પરિણામો મળી રહ્યા છે. આજના સમયમાં જાતીય સંતુલન ખૂબ જ જરૂરી છે. ત્યારે પાથરી ગામ નવસારી જિલ્લાના અન્ય ગામોની તુલનામાં અનેક રીતે આગળ છે. આ ગામમાં કુલ કુટુંબની સંખ્યા 365 છે. પુરુષ 780 અને સ્ત્રીઓ 785 તથા નાનાં બાળકો મળી કુલ વસતી લગભગ 2000 જેવી થવા જાય છે.

ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય
ભારતના અર્થતંત્રનો આધાર આજે પણ ખેતી છે. હાલમાં યાંત્રીકરણનો યુગ છે. પણ યાંત્રિક યુગમાં નવાં નવાં સાધનોને કારણે કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. જેનો લાભ પાથરી ગામને પણ મળ્યો છે. આ ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 571 હેક્ટર છે. ગામમાં ખેતી હેઠળનો વિસ્તાર 440 હેક્ટર છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આ બંને વ્યવસાયને કારણે અનેક પરિવારો પગભર બન્યા છે. ખેતીના પાકોમાં ચીકુ-કેરી-શેરડી મુખ્ય પાકો છે. શાકભાજી, અળવીનાં પાન, કેળ, દાડમ, ડ્રેગન ફ્રૂટ તથા કંદમૂળમાં રતાળુ, સૂરણ, શક્કરિયા, પીડી વગેરે પાકોનું ઉત્પાદન થાય છે. ડાંગર પકવનારા ખેડૂતો પણ છે. હવે નવી પેઢી નોકરી કરતી પણ થઇ છે. ખેડૂતોની સંખ્યા સીમાંત ખેડૂતો-નાના ખેડૂતો-મધ્યમ ખેડૂતો તથા મોટા ખેડૂતો મળીને 250 હેક્ટરમાં ખેતી થાય છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ફાર્મર ફર્સ્ટના પ્રોગ્રામ થકી ગામના તમામ ખેડૂતોને લાભો આપવામાં આવે છે. ચીકુ-કેરીના પાકો માટે અનેક સેમિનારનું આયોજન પણ અવારનવાર કરવામાં આવે છે. ગામમાં કેટલાક ખેડૂતો ઓર્ગેનિક ખેતી પણ કરી રહ્યા છે, જેમાં મનોજભાઈ આર. પટેલ તથા જિગ્નેશભાઈ એચ.પટેલ મુખ્ય છે.

પાથરી જાહેરમાં શૌચમુક્ત ગામ બની ગયું
પાથરી ગામની ઉત્તરોત્તર પ્રગતિ કરનારા પૂર્વ સરપંચોનો ફાળો પણ એટલો જ મહત્ત્વનો છે. રમેશચંદ્ર એમ.પટેલ, સુમનભાઈ હળપતિ, ચીમનભાઈ પટેલ, બાલુભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ભારતીબેન હળપતિ, આહીર નરેશભાઈ તથા હાલના સરપંચ નરેશભાઈ હળપતિએ ગામને ગંદકીમુક્ત બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. સરકારી શૌચાલય અભિયાન અંતર્ગત આદિવાસી ઘરોમાં શૌચાલયો બની ગયાં હોવાને કારણે પાથરી ગામ જાહેરમાં શૌચમુક્ત ગામ બની ગયું છે. ગામમાં દીનદયાળ સસ્તા અનાજની દુકાન પણ આવેલી છે. જે ગણદેવી ખેડૂત સહકારીમંડળી દ્વારા સંચાલિત છે. જેથી આદિવાસીઓને અનાજ તથા અન્ય ચીજવસ્તુઓ મળી રહે છે.

કળિયુગના ગાંધી એટલે મોરારકાકા
ગામના પહેલા સરપંચ મોરારભાઇ પટેલ ‘મોરારકાકા’ના હુલામણા નામે ઓળખાતા હતા. તેમણે ગ્રામ પંચાયતના સરપંચ પદે લાગલગાટ પાંત્રીસ વર્ષ સુધી બિનહરીફ ચુંટાઈને જે સેવા કરી છે તેનો જોટો મળી શકે તેમ નથી. ગામને આર્થિક રીતે સ્વાશ્રયી અને સમૃદ્ધ કરવા માટે 1951માં જાપાનીઝ પદ્ધતિથી ડાંગરની ખેતી કરવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. તેમાં તેઓ સફળ થયા હતા અને વધુ ઉત્પાદન માટે રાજ્ય કક્ષાનું પ્રથમ ઇનામ તેમણે પ્રાપ્ત કર્યું હતું. ગડત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને તેમણે 106 માઈલનો પગપાળા પ્રવાસ કરાવ્યો હતો. આથી તેમને ઊગતા મુસાફરનું બિરુદ કોંગ્રેસ સેવાદળે અર્પણ કર્યું હતું. વર્ષ-1942ની હિન્દ છોડો ચળવળ વખતે સ્વતંત્રતાસેનાનીઓની લડત અને ભૂગર્ભ પ્રવૃત્તિઓનું ભોજા ભગતના બંગલોથી સંચાલન થતું હતું. જાણીતા પત્રકાર સ્વ.ચંદ્રકાંત પંડ્યાએ તેમને કળિયુગના ગાંધી તરીકે બિરદાવ્યા હતા.

ભજન, ગરબા અને રમતગમતમાં પણ અવ્વલ
ગામ હોય એટલે ભજનની પરંપરા હોય જ. મંદિરે તેમજ ગામમાં પણ ભજનકિર્તનનું વાતાવરણ હોય છે. ગામમાં જગુભાઈ યુ. પટેલ ભજનિક તરીકે જાણીતા હતા. ભજનમંડળીઓ દ્વારા નરસિંહ-મીરાના ભક્તિ બીતરતા પદ તબલાની તાલે, મંજીરાની રમઝટમાં ઊંચી સૂરાવલીમાં ગગન ગૂંજી ઊઠતું. ગામનું ગરબામંડળ વલસાડથી સુરત સુધી ખ્યાતિ પામેલું હતું. તદુપરાંત રમતગમત ક્ષેત્રે કબડ્ડીની રમતમાં પણ તાલુકામાં અગ્રેસર ફાળો હતો. નિવૃત્ત શિક્ષક રવિન્દ્રભાઈ કે. પટેલ રાજ્ય કક્ષાના કબડ્ડી રમતના ખેલાડી રહી ચૂક્યા છે.

પાથરી દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે ગામનું આર્થિક કેન્દ્ર
ગામમાં પાથરી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. આવેલી છે. વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.માં કુલ 1114 મંડળી આવેલી છે, જેમાં પાથરી દૂધમંડળી અગ્રેસર છે. આ મંડળીની સ્થાપના 1988ની સાલમાં થઇ હતી. પાથરી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રથમ પ્રમુખ વિનોદરાય એમ. પટેલનો ઉત્થાનમાં મહત્ત્વનો ફાળો રહેલો છે. દૂધમંડળીના સભાસદોની સંખ્યા ૩૯૨ છે. છેલ્લાં પાત્રીસ વર્ષથી ગામના પશુપાલન કરતા ખેડૂતો લાભ લઈ રહ્યા છે. આજે પણ વાર્ષિક ગાયનું દૂધ બે કરોડ છેતાલીસ હજાર પાંચ સો રૂપિયાનું એકત્રિત કરે છે. જ્યારે ભેંસનું દૂધ સાત લાખ ઓગણીસ હજાર પાંચસો રૂપિયાનું એકત્રિત કરે છે. દૂધમંડળીનો પારદર્શક વહીવટ માટે ગામના આગેવાનો ભેગા મળી દૂધમંડળીના 9 કમિટી સભ્યોની રચના કરે છે. કમિટીના સભ્યોને વિવિધ કાર્યભાર આપવામાં આવે છે. જે ખંતથી નિભાવે છે. દૂધમંડળીના હાલના પ્રમુખ મિતેશભાઈ આર.પટેલ તથા મંત્રી કમલેશભાઈ એન.પટેલ ખૂબ જ ઉત્સાહપૂર્વક કામગીરી સાંભળી રહ્યા છે. પશુપાલન માટે નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી ડોક્ટરની ટીમ થકી નિયમિત પશુની સારસંભાળ અપાવે છે. કર્મચારીઓ તથા ટેક્નિકલ સાધનો આધુનિક વાપરવામાં આવે છે. એટલે જ હંમેશાં દૂધડેરીનો ઓડિટ વર્ગ અ આવે છે. ગામ તથા વાછરડી હરીફાઈનું પણ આયોજન થાય છે. પશુપાલનના ખેડૂતોને ઘાસચારા લોન, ગાય ખરીદવા માટે લોન, ગાય-ભેંસ માટે કોઠારીની લોન, પશુઓ માટે પીવાના પાણીના હવાડા તથા પશુ માટે ખાણ-દાણના ખોરાકની પણ ઉત્તમ સુવિધાઓ મળે છે. ગામમાં ગાયની સંખ્યા 704, ભેંસ 96, બકરાં 74 તથા મરઘાં 334 છે.

પીવાના પાણી માટે મિનરલ વોટર પ્લાન્ટ
જળ સેવા એ જ પ્રભુ સેવા કહેવતનો સાર્થક કરતો એક સહકારનો મણકો પાથરી ગામમાં આવેલો છે. પાથરી ગ્રામ પંચાયત મિનરલ વોટર પ્લાન્ટ પણ છે. તે છેલ્લાં આઠ વર્ષથી અવિરત ચાલતો આવ્યો છે. ગામના લોકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો. સંપૂર્ણપણે ગામના લોક ફાળામાંથી તૈયાર થયેલો છે. પ્લાન્ટના મુખ્ય ચાર આધાર સ્થંભો છે. મકાન મોરારભાઈ તથા જગુભાઈના પરિવારના સહયોગથી આર.ઓ. પ્લાન્ટ સંજયભાઈ ભગત, કૂલર પ્લાન્ટ નરેન્દ્રભાઈ કે. પટેલ અને સોલાર પ્લાન્ટ ડો. ઠાકોરભાઈ એમ. પટેલના પરિવારના સહયોગનો મુખ્ય ફાળો રહ્યો છે. તદુપરાંત ગામના દરેક જ્ઞાતિના આગેવાનો તરફથી પણ દાન મળેલા મિનરલ પ્લાન્ટના પ્રથમ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ જે. પટેલ અને ગામના આગેવાન મનુભાઈ કે. પટેલનો મુખ્ય ધ્યેય નહીં નુકસાન, નહીં નફોના ઢોરને ચલાવવામાં આવે છે. તેથી ગામમાં ફક્ત આઠ રૂપિયામાં 20 લીટર પાણી મળે છે. ગામના ૧૫ કમિટી સભ્યો તથા એક કર્મચારી દ્વારા અહી 24×7 કલાક પાણી મળી રહે છે. દર માસે આવક-જાવકનો હિસાબ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે. જે ચર્ચા વિચારણા કરી મંજૂર રાખવામાં આવે છે.

બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન આપતું ગજરાબેન શિક્ષણ ફંડ
ગામને સંપૂર્ણપણે સુખમય અને સમૃદ્ધ બનાવવા માટે શિક્ષક એક અતિ મહત્ત્વનું પરિબળ છે. યોગ્ય શિક્ષણ અને જ્ઞાન સંચય થકી રચાયેલા સુંદર ભાવી વ્યક્તિની સાથે ઘર-ગામ તથા સમાજની પ્રગતિમાં નિખાર લાવે છે. એ ધ્યેયથી ગજરાબેન શિક્ષણ ફંડ-ચાંગા પાથરી દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે રસ રુચિ વધે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે. ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને મોટિવેશનલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. બોર્ડમાં પાસ થનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પ્રોત્સાહક સ્મૃતિ ભેટ, નોટબુક તથા ઉપયોગી કિટનું વિતરણ કરવામાં આવે છે. 88 ટકા ગામમાં શિક્ષિત લોકો રહે છે.

ભક્તિમય વાતાવરણ સર્જતાં આસ્થાનાં કેન્દ્રો 
ગામમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. જે આહીર સમાજ દ્વારા સંચાલન કરવામાં આવે છે. સવાર-સાંજ પૂજા-પાઠ તથા ભક્તિમય વાતાવરણમાં આરતી થાય છે. વડીલો-બહેનો-બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આઈ શ્રી ખોડિયાર માતાની કૃપા ગામ ઉપર સદા રહે એવી ભાવનાથી દર વર્ષે પૂજા તથા સાંજે સંગીત ડાયરાનું આયોજન સુંદર રીતે કરવામાં આવે છે. આજ પ્રમાણે અંબિકા કોલોનીમાં આવેલું અંબે માનું મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર છે. અંબેના માતાના મંદિરે પણ વાર્ષિક ઉત્સવનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરવામાં આવે છે. અંબિકા કોલોનીનાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો રાસ-ગરબા-નાટકોની કૃતિ રજૂ કરે છે. મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. જાગૃતિ મહોલ્લામાં આવેલી જળદેવી માતાનું મંદિર પણ આસ્થાનું સ્થાન છે. તદુપરાંત ગામમાં સ્વામીનારાયણ ભગવાનમાં આસ્થા રાખનારો એક વર્ગ પણ છે. જે પ્રસંગો પાત એમના ઉત્સવો ઉજવતા હોય છે. ગાયત્રી માતાની આરાધન પણ ગામમાં થાય છે. આમ, ગામમાં ધાર્મિક વાતાવરણ મોહક રહે છે.

વીસ વીઘાંનું તળાવ એટલે દેશ-વિદેશનાં પક્ષીઓ માટેનું વિહારધામ
ગામમાં તળાવની સંખ્યા 3 છે. લીલોઈ તળાવ, ડાભડિયું તળાવ અને ગામની વચ્ચે વીસ વીઘાંનું તળાવ આવેલું છે. જે ગામની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. તળાવમાં વર્ષો પહેલાં વિદેશથી પક્ષીઓ શિયાળામાં લાખોની સંખ્યામાં આવતાં ગામના લોકોની જરાય કનડગત ન હોવાને કારણે પક્ષીઓ નિર્ભય રીતે અહીં આરામ ફરમાવતાં. ગુજરાત રાજ્યમાં વિદેશી પક્ષી આટલા નજીકથી પાથરી ગામમાં જ જોવા મળતાં હોવાથી ગુજરાતના રાજ્યપાલ-આંધ્રપ્રદેશના રાજ્યપાલ કુમુદબેન જોષી અનેક રાજકીય નેતાઓ-અધિકારીઓ અવારનવાર પાથરી ગામની મુલાકાત લેતાં. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા (આર.કે.વી.વાય.) અંતર્ગત ગામ તળાવમાં વૈજ્ઞાનિક ઢબે મત્સ્યપાલન કરવામાં આવતું. પશુપાલન માટે પાણી પીવા માટે ત્રણ ઓવારા બાંધવામાં આવેલા છે. ત્યાં ખેડૂતો ચીકુની સફાઈ, બહેનો માટે કપડાં ધોવાની સુવિધા છે.

મહિલામંડળો: મહિલા સશક્તિકરણનાં કેન્દ્રો
ગામના ઉત્થાનમાં મહિલાઓનો ફાળો પણ વિશેષ રહ્યો છે. ખેતી અને પશુપાલનમાં મહિલાઓ અગ્રેસર રહી છે. ઉપરાંત પણ કિચન ગાર્ડન જેવાં ગ્રુપોથી મહિલાઓ વિવિધ પ્રવૃત્તિઓ કરતી રહે છે. સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ગામની મહિલાઓના વિવિધ ગ્રુપો બનાવી પ્રોત્સાહિત કરવામાં આવે છે. મરી-મસાલા ગ્રુપ, પશુપાલક ગ્રુપ અને કિચન ગાર્ડન ગ્રુપ પણ સુંદર રીતે કાર્યરત છે. ગામની મહિલાઓ એકતાથી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે.

શિક્ષણની જ્યોત પ્રગટાવતી પ્રાથમિક શાળા
ગામમાં એક પ્રાથમિક શાળા છે. જેમાં ધોરણ-1થી 8 સુધી બાળકો અભ્યાસ કરી શકે એવી સુંદર વ્યવસ્થા છે. શાળાનું આધુનિક મકાન બાળકોને શિક્ષક માટે પ્રેરણાદાયી બને છે. શાળાનાં આચાર્યા રેણુકાબેન પટેલ અને એમનો સ્ટાફ ગામનાં બાળકોને પાયાનું શિક્ષણ આપી ઊગતા નાગરિકમાં ભણતર અને ગણતરના પાઠો ભણાવે છે. શાળા આધુનિક ટેક્નોલોજીની સગવડ ધરાવે છે. ગામમાં આંગણવાડી માટેનું પણ મકાન છે. ત્યાં નાનાં બાળકોને રમત-ગમતનાં સાધનો તથા પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે.

વિવિધ પ્રવૃત્તિઓ થકી મહેકતું ઓમ સાંઈ પટેલ યુવકમંડળ
પાથરી ગામના પટેલ ફળિયામાં ઓમ સાંઈ પટેલ યુવકમંડળ ચાલે છે. યુવાનો સારી રીતે આ મંડળ ચલાવે છે. ક્રિકેટનું નયનરમ્ય મેદાન આવેલું છે. જ્યાં ગણદેવી તાલુકાનાં જુદાં જુદાં ગામોની ક્રિકેટ ટીમો દિવસની અને રાત્રિ ક્રિકેટ રમતનું આયોજન આ જ મેદાન પર કરે છે. ગામની ક્રિકેટ ટીમ તાલુકામાં અગ્રેસર છે, જેમાં મિતેશભાઈ, નયનભાઈ, મયૂરભાઈ તથા પ્રોત્સાહક સંદીપભાઈનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. આ મંડળ ભજનમંડળ પણ ચલાવે છે. ગણપતિ ઉત્સવ, જન્માષ્ટમી, હોળી, દિવાળી, મકરસંક્રાંતિ જેવા તહેવારો ઉત્સાહથી ઉજવે છે.

ગામમાં એક જવાન અને એક સ્વાતંત્ર્યસેનાની
દેશની આઝાદીની લડતમાં પાથરી ગામનું પણ યોગદાન રહ્યું છે. પાથરીની અંબિકા કોલોનીમાં રહેતા લલ્લુભાઇ ભગવાનજી પટેલે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. જ્યારે પહેલા સરપંચ મોરારકાકાના દીકરા રણજીત પટેલ સૈન્યમાં સેવા આપી થઇ નિવૃત્ત થયા છે.

શિક્ષણની જ્યોતે અનેક તેજસ્વી તારલા આપ્યા
શિક્ષણની જ્યોત વિકાસના પંથે મૂકતી હોય છે. અનેક પડકારોને ઝીલવા માટે સક્ષમ કરતી હોય છે. પાથરીમાં એ વાત પૂરવાર થતી જોવા મળે છે. માંડ બે હજારની વસતી ધરાવતા પાથરી ગામના ત્રણ ડોક્ટર છે. ડો.નિસર્ગ બી. પટેલ તો પાટણમાં તબીબી સેવા આપી રહ્યા છે. એમ.ડી. સુધી અભ્યાસ કરીને પાટણમાં એક હોસ્પિટલ ચલાવી રહ્યા છે, તો બીનીતા પટેલ મુંબઇમાં ડેન્ટિસ્ટ છે અને ઇશા પટેલ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી રહ્યા છે. ઉપરાંત શારવિલ પટેલ અને મીત પટેલ ઇજનેર છે. જ્યારે અભિ પટેલ અને એની પટેલ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.

ગામમાં અનેક શિક્ષકો પણ છે. રવિન્દ્રભાઇ પટેલ, ઠાકોરભાઇ પટેલ અને ગણપતભાઇ રાઠોડ ગણદેવી હાઇસ્કૂલમાં સેવા આપતા હતા. જ્યારે ડો.ઠાકોરભાઇ પટેલ મુંબઇમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. ડો.ઠાકોરભાઇ પટેલ નિવૃત્તિ થઇને પાથરી રહેવા માટે આવ્યા ત્યારથી ગણદેવી કોળી સમાજની વાડી માટે જીવ્યા ત્યાં સુધી દર વર્ષે 10 હજાર રૂપિયાનું દાન કર્યું હતું. જ્યારે પહેલા સરપંચ મોરારકાકાએ કોળી સમાજ વાડી માટે 2.51 લાખ રૂપિયાનું દાન કર્યું છે. નીતિન પટેલ પણ મુંબઇમાં શિક્ષક છે. જ્યારે દીશા પટેલ બી.એસ.સી. નર્સિંગનો અભ્યાસ કરે છે. નવી પેઢીના અનેક યુવાનો પણ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. ગામના અનેક રાઠોડ સમાજના લોકો મુંબઇ એરપોર્ટ પર નોકરી કરતા હતા, કેટલાક કરે છે, તો એક યુવતી એરહોસ્ટેસ તરીકે પણ રહી છે.

ગામમાં વિવિધતા વચ્ચે એકતા
ગામમાં બે હજાર લોકોની વસતીમાં મુખ્યત્વ કોળી પટેલો વસે છે. ઉપરાંત હળપતિ, હરિજનો અને આહીરોની પણ વસતી છે. જુદા જુદા સમાજ-જ્ઞાતિના લોકો વસતા હોવા છતાં બધા એકબીજા સાથે હળીમળીને રહે છે. એ કારણે જ ગામનો વિકાસ થયો છે.

ગ્રામ પંચાયત થકી ‘સહકારી’ મત્સ્યોદ્યોગ
પાથરી ગામમાં વિશાળ તળાવ આવેલું છે. આ તળાવને મત્સ્યોદ્યોગ માટે વિકસીત કરાયું હતું. ગામના સરપંચ તરીકે મોરારભાઇ પટેલ હતા, એ સમયે ગ્રામ પંચાયતે આવકના સાધન તરીકે મોટા તળાવમાં મત્સ્યોદ્યોગનો પાયો નાંખ્યો હતો. રૂહ, કટલા, મૃગળ અને જિંગા જેવી માછલીઓની ‘ખેતી’ પાથરીના તળાવમાં થતી હતી. એ સમયે ગ્રામ પંચાયતના આ નવતર પ્રયોગને નવસારી કૃષિ યુનિવર્સિટીના મત્સ્યોદ્યોગ વિભાગે પણ મદદ કરી હતી. પાથરીના આ પ્રોજેક્ટને જોવા માટે દિલ્હીથી ખાસ એક ટીમ પાથરી આવી હતી. મત્સ્યોદ્યોગથી આર્થિક ઉપાર્જન કઇ રીતે થાય અને એ ગામના વિકાસમાં કઇ રીતે ઉપયોગી થાય એ બાબતનો ટીમે અભ્યાસ કર્યો હતો. વિશાળ તળાવમાં વિવિધ પ્રકારની માછલીનો જથ્થો ઉછરતો હોય, ત્યારે સ્વાભાવિક છે કે ભોજન તથા પાણી સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ પાથરીમાં શિયાળાનું નિવાસ બનાવતા જોવા મળતાં હતાં.

Most Popular

To Top