SURAT

રિક્ષામાં બેસેલા અજાણ્યા મુસાફરો ધક્કામુક્કી કરે તો ચેતી જજો, કતારગામના વૃદ્ધ દંપતી સાથે ચોંકાવનારી ઘટના બની

સુરત : મુંબઇમાં (Mumbai) રહેતા જમાઇ સિંગાપોર (Singapore) જતા હતા, ત્યારે તેઓને વળાવવા માટે સુરતથી ગયેલા સાસુ-સસરાને (In-laws) આ ધક્કો રૂા. 90 હજારમાં પડ્યો હતો. વહેલી સવારે રિક્ષાચાલક ટોળકી (Rickshaw puller gang) સસરાને ધક્કામુક્કી કરીને 90 હજારના દાગીના લઇ રફ્ફુચક્કર થઇ ગયા હતા. બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સ્ટેશન જઇ રહેલા દંપતિને રિક્ષાચાલક ટોળકીએ ધક્કામુક્કી કરીને દાગીના ચોરી લીધા બાદ નીચે ઉતારી મુક્યા

પ્રાપ્ત વિગતો મુજબ, મુળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામના વતની અને સુરતમાં કતારગામ આશ્રમ પાસે દાનગીગેવ સોસાયટીમાં રહેતા કાંતિભાઇ નાનજીભાઇ વરીયા પ્લાસ્ટીકના સામાનનો વેપાર કરે છે. તેઓની પુત્રીની સગાઇ મુંબઇમાં રહેતા મેહુલ વલ્લભભાઇ દેવગણીયાની સાથે થયા હતા. મેહુલે સગાઇ દરમિયાન તેની ફિયાન્સીને રૂા. 90 હજારની કિંમતની ચેઇન, બુટ્ટી અને સોનાનું પેંડલ આપ્યું હતું.

બીજી તરફ તા. 5 જાન્યુઆરીના રોજ મેહુલ સીંગાપોર નોકરી માટે જવાનો હતો. તેની ફિયાન્સી તા. 1 જાન્યુઆરીએ જ મુંબઇ પહોંચી ગઇ હતી. આ ઉપરાંત તા. 2 જાન્યુઆરીના રોજ કાંતિભાઇ અને તેમના પત્નીની મુંબઇ જવા કર્ણાવતી એક્સપ્રેસની ટીકીટ હતી. તેઓ વહેલી સવારે રેલવે સ્ટેશન જવા માટે રિક્ષામાં બેસીને જતા હતા.

આ દરમિયાન રિક્ષાના ચાલકે તેની બાજુમાં બેઠેલા યુવકને રિક્ષા બરાબર ચાલતી ન હોવાનું કહીને પાછળ બેસવા કહ્યું હતું. આ અજાણ્યો કાંતીભાઇની બાજુમાં બેસવા આવ્યો હતો અને ધક્કામુક્કી કરીને 90 હજારના દાગીના કાઢી લીધા હતા. રિક્ષાચાલકે કાંતિભાઇ અને તેમની પત્નીને એસ.આર.કે. સર્કલ પાસે ઉતારીને સ્ટેશન તરફ ફરાર થઇ ગયા હતા. કાંતિભાઇએ પેન્ટના ખિસ્સામાં જોતા દાગીના મળી આવ્યા ન હતા. બનાવ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top