ત્રિપુરાતાપિની ઉપનિષદ્, ત્રિપુરોપનિષદ્, લલિતાસહસ્રનામ, તન્ત્રરાજ, કામકલાવિલાસ વગેરેમાં શ્રીયંત્રનું માહાત્મ્ય વર્ણવેલું છે.
સમ્યક્ શતક્રતુન કૃત્વા યત્ફલં સમવાજુયાત્!
તત્ફલં લભતે જકત્યા કૃત્વા શ્રીચક્રપૂજનમ્!!
સો યજ્ઞો કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ શ્રીયંત્રના પૂજનથી મળે છે.
મહાષોડશદાનાનિ કૃત્વા યલ્લજતે ફલમ્!
તત્ફલં સમવાજોતિ કૃત્વા શ્રીચક્રદર્શનમ!!
જે ફળ મહાન સોળ પ્રકારના દાન કરવાથી મળે છે, તે ફળ શ્રીયંત્રના દર્શનથી મળે છે.
સાર્ધકોટિતીર્થેષુ સ્નાત્વા યત્ફલમશ્રુતે!
લભતે તત્ફલં ભકત્યા કૃત્વા શ્રીચક્રદર્શનમ્!!
સાડા ત્રણ કરોડ તીર્થોમાં જઇને સ્નાન કરવાથી જે ફળ મળે તે ફળ ભકિતથી શ્રીયંત્રનું દર્શન કરવાથી મળે છે.
શ્રીયંત્રને બાહ્ય અને આભ્યન્તરપૂજા
શ્રીયંત્રનાં આવરણોની ગુરુની પાસે સમજ મેળવીને દેવતાનું આવરણ પૂજન કરવું તે બાહ્યપૂજન છે.
શ્રીયંત્ર પૂજા અને ઉપાસના
આવરણપૂજા ગુરુગમ્ય છે. જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય તથા હોતા, અર્ધ્ય, હવિ આ ત્રણેયની અભેદ ભાવના તે આભ્યન્તરપૂજા છે.
અભેદભાવના- (1) સકલભાવના, (2) નિષ્કલભાવના, (3) સકલ નિષ્કલભાવના એમ ત્રણ પ્રકારે છે.
નિષ્કલભાવના ઉત્તમ સાધકો માટે છે. આ સાધનામાં મહાબિંદુમાં જ નવ ચક્રોનું ધ્યાન કરીને શ્રીયંત્રનો સાક્ષાત્કાર થાય છે.
મધ્યમ શ્રેણીના સાધકને સકલ-નિષ્કલ ભાવનાથી બિંદુથી આરંભીને નવેય ચક્રોમાં તેમના ઐકયની ભાવના કરવાની રહે છે.
સકલ ભાવનાનો સાધક શ્રીયંત્રનાં ચક્રો તથા શરીરનાં ચક્રોની ઐકય ભાવનાની અનુભૂતિ કરે છે.
દેશ અને કાળમાં શ્રીયંત્રનો સાક્ષાત્કાર
ભૂગોળની રીતે મેરુ પર્વત કેન્દ્રમાં છે. તેની નીચે જંબુ, પ્લક્ષ, શાલ્મલિ, કુશ, કૌંચ, શાક અને પુષ્કર એ સાત દ્વીપો છે. લવણ, ઇક્ષુ, સુરા, મધુ, ક્ષીર, ઘી, દધિ એમ સાત સાગરો છે. આ રીતે મેરુ સાત દ્વીપ, સાત સમુદ્ર અને આકાશ એમ સોળ દેવતાઓ છે. તેઓ લલિતામ્બાની સોળ નિત્ય દેવતાઓ છે. આ શકિતઓ એક એક વર્ષ એક સ્થાનમાં રહે છે. એ રીતે સોળ વર્ષે એક આવૃત્તિ થાય છે.
પંદર તિથિઓવાળું કાળનું પરિમાણ છે. ચંદ્રની વધતી જતી કળા એ કામેશ્વરી વગેરે પંદર નિત્યા યોગિનીઓ જ છે. સોળમી કળા તે ત્રિપુરામ્બા છે. શ્રીચક્રમાં કાળચક્ર તથા દેશચક્રનો સમાવેશ થઇ જાય છે જ. સૂર્ય અને તેના ગ્રહો તથા નક્ષત્ર-કક્ષ સુધીનું કાળચક્ર એ જ શ્રીચક્ર છે એમ ‘ભાવનોપનિષદ’ જણાવે છે.
શરીરમાં પણ શ્રીચક્રની સ્થાપના
બે કાન, બે આંખ, બે નાસિકા, મુખ, ઉપસ્ય, ગુદા અને નવ દ્વારવાળો દેહ નવચક્રોવાળું શ્રીયંત્ર જ છે.
શ્રીયંત્ર પૂજા અને ઉપાસના
પુરુષાર્થો ચતુરસ છે.
મન એ કલ્પવૃક્ષોદ્યાન છે. જીભ વડે આસ્વાદાતા પદાર્થો છ ઋતુઓ છે. જ્ઞાન અર્ધ્ય છે, જ્ઞેય હવિ છે, જ્ઞાતા હોતા છે. શૃંગાર વગેરે રસો અને નિયતિ શ્રીચક્રના ભૂપુરની પ્રથમ રેખામાં પૂરતી દશ સિદ્ધિઓ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, પુણ્ય અને પાપ- એ અષ્ટ માતૃકાઓ છે.
મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા એ છ ચક્રો, ઉપર અને નીચેના એમ બે સહસ્રદલ કમલ, ગળાની ઘંટડીના સ્થાનમાં રહેલું વિશેષ ચક્ર એમ આ બધાનો સમૂહ તે દશ મુદ્રાઓ છે.
પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, પાંચ મહાભૂતો એ સોળ ષોડશદલ કમળની યોગિનીઓ છે.
કર્મેન્દ્રિયોના વિષયો, ત્યાગ, ગ્રહણ અને ઉપેક્ષા એ આઠ અષ્ટદલ કમલની શકિતઓ છે.
ચૌદ નાડીઓ ચતુર્દશાર બનાવે છે.
દસ વાયુઓ ‘બહિર્દશાર’ છે.
દસ વાયુઓના દસ અગ્નિઓ અને તેમની વદ્વિકળાઓ અંતર્દશારની દેવતાઓ છે. શીત, ઉષ્ણ, સુખ-દુ:ખ, ઇચ્છા, સત્ત્વ, રજસ, તમસ એ અષ્ટારચક્રરૂપે છે.
પ્રકૃતિ, અહંકાર એ અંદરના ત્રિકોણરૂપે છે.
નિરુપાધિ, શુદ્ધ ચૈતન્ય એ જ મહાબિંદુ છે.
આ દેહ જ જાણે કે શ્રીયંત્ર છે એવું ભાવનોપનિષદ્ નિરૂપે છે.
પણ એ સમજવું જરૂરી છે કે શ્રીયંત્રનાં આવરણોની સમજ તેમાં પ્રયોજાતા ન્યાસ, પૂજાદ્રવ્યો, દસ મુદ્રાઓ વગેરેની સમજ સદ્ગુરુ પાસેથી જ મળી શકે.