Columns

ઈશ્વરનો પ્રસાદ

સૃષ્ટિની રચના થયા બાદ દરેક જીવોને સૃષ્ટિમાં સંસાર વસાવવા માટે મોકલવામાં આવ્યા. દરેક જીવને બોલાવીને ત્રિદેવોએ જણાવ્યું કે, ‘બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે. હવે બધાએ જન્મ લઈને ત્યાં સંસાર વસાવવાનો છે.’ બધા જીવ ચિંતામાં પડી ગયા કારણ કે કોઈને ઈશ્વરનો સાથ છોડીને દૂર જવું ન હતું. એક જીવે પૂછ્યું, ‘પ્રભુ ,શું અમારે જન્મ લઈને જવું જ પડશે અને અમે તમને ક્યારેય મળી નહિ શકીએ.’

બ્રહ્માજીએ કહ્યું, ‘આ સૃષ્ટિને મૃત્યુલોક પણ કહેવાશે એટલે જે ત્યાં જન્મ લેશે તેનું મૃત્યુ નિશ્ચિત જ હશે એટલે જન્મ લઈને તમે ત્યાં સુખેથી રહેજો અને મૃત્યુની ઘડી આવે એટલે મૃત્યુ પામી તમે ફરી અહીં આવી અમને મળી શકશો.’ બધા જીવની આંખોમાં આંસુ આવી ગયા. બ્રહ્માજીએ તેમને ખુશ કરવા કહ્યું, ‘નીચે મેં એવી સૃષ્ટિ બનાવી છે જેની મોહ માયા અને સુંદરતામાં તમે અમને પણ ભૂલી જશો.’ આ સાંભળી બધા જીવો અટકી ગયા અને ભગવાન વિષ્ણુનાં ચરણોમાં પડીને વિનંતી કરવા લાગ્યા કે, ‘પ્રભુ, અમે તમને ભૂલી જઈએ એવા સંસારમાં અમારે નથી જવું.’

ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘પ્રકૃતિના સમતોલન માટે તમારે સૃષ્ટિ પર જવું જ પડશે પણ હું તમારા પાલનહાર તરીકે હંમેશા સૂક્ષ્મ રૂપે તમારી સાથે જ રહીશ.’ એક જીવે કહ્યું, ‘પ્રભુ, કૈંક એવું કરો કે અમે સૃષ્ટિ પર જઈને તમને ભૂલીએ જ નહિ અને કદાચ ભૂલી જઈએ તો પણ ફરી તમારી પાસે આવી જઈએ.’ ભગવાન વિષ્ણુ હસ્યા અને બોલ્યા, ‘હું તમને બે એવી ભેટ આપું છું જે અત્યારે તમને નહિ ગમે, પણ તેના કારણે તમે ફરી ફરી મારી પાસે આવી જાઓ.’

આટલું કહીને ભગવાન વિષ્ણુએ બધા જીવના મનમાં અસંતોષ અને અતૃપ્તિ ભેળવી દીધી અને કહ્યું, ‘જીવો, જાવ જઈને સંસારને માણો, પણ મેં તમારા મનમાં અસંતોષ અને અતૃપ્તિ ભેળવી દીધી છે એટલે દુનિયામાં કંઈ પણ મળી જશે, છતાં તમે તૃપ્ત થશો જ નહિ. ઈચ્છાઓ વધતી રહેશે તે પૂરી કરવા માટે તમે મારી પાસે માંગવા આવતાં રહેશો. બીજું, જો સાચી મનની તૃપ્તિ જોઈશે તો મારી પાસે જ આવવું પડશે.’ પછી ભગવાને ચિત્રગુપ્તને બોલાવી બધા જીવોના ભાગ્યમાં થોડું થોડું દુઃખ ગોઠવી દીધું. ચિત્રગુપ્તે કહ્યું, ‘પ્રભુ આ કેમ?’

ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, ‘સંસારમાં જઈને આ અત્યારે રડતો જીવ મને ભૂલી જ જવાનો છે, પણ જયારે જયારે દુઃખ આવશે ત્યારે તેને હું યાદ આવીશ અને તે મારી પાસે આવશે.’ એટલે જીવનમાં જે દુઃખ છે તે ઈશ્વરનો આપેલો પ્રસાદ છે. ઈશ્વરની પાસે જવાનો રસ્તો છે તે યાદ રાખજો.પણ આપણે દુઃખ આવે છે તો ઈશ્વર પાસે જવાને બદલે સગાં સંબંધી,મિત્રો, જ્યોતિષ વગેરે પાસે દોડીએ છીએ. દુઃખ ઈશ્વરનો પ્રસાદ છે એટલે દુઃખ આવે ત્યારે શાંત બેસો.હિંમત એકઠી કરી સામનો કરો. ઈશ્વરની સમીપ જાઓ, તે હાથ ઝાલીને પાર ઉતારશે.માર્ગ દેખાડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top