તા. 3.1.22 ‘ભગવાન નથી તો નથી’ એન.વી. ચાવડા, કડોદના ચર્ચરુપત્રના અનુસંધાને જણાવવાનું કે ભગવાન છે જ છે. નરેન્દ્ર દત્તે રામકૃષ્ણ પરમહંસને પૂછેલું કે ‘તમે િશ્વરને જોયો છે?’ પ્રત્યુત્તરમાં પરમહંસે કહેલું કે ‘અત્યારે પણ જોઇ શકું છું અને તને પણ દર્શન કરાવી શકું છું.’ કાલિમાતા સાથે તેઓ સીધો સંવાદ કરી શકતા હતા. સુવર્ણનો નેકલેસ જોઇએ છીએ તો તેના બનાવનારનો ખ્યાલ આવે છે. તેમ જગત છે તો તેનો રચયિતા જગદીશ પણ હોવો જ જોઇએ. પરંતુ વિમોહક માયાને કારણે સંસાર મિથ્યા હોવા છતાં આપણને સત્ય ભાસે છે. જે અતિનિકટ હોય તેનું મહત્વ ઓછું અંકાય તેમ ઇશ્વર પણ આપણી ભીતર જ છે. તેથી આપણે તેને ઓળખી શકતા નથી. ઇશ્વર જ છે, સિવાય કંઇ જ નથી. તેજ સર્વત્ર અને સર્વદા છે.
ભાગવતનો સાર એજ છે કે સૌની સંભાળ સાથે જીવો અને જીવવા દો. આપણે તો નદીઓને પ્રદૂષિત કરી, વાતાવરણ અને હવા પ્રદૂષિત કર્યા. વૃક્ષોનો ધ્વંસ કર્યો અને આમ પ્રકૃતિનો વિનાશ કરી ભગવાન નથીની વાત કરવી શું યોગ્ય છે? આપણે માનવજાતનું કર્તવ્ય ચૂકી જઇ ઇશ્વરના જ હોવાપણા પર સવાલ કરીએ એ કેટલા અંશે વ્યાજબી છે? જો આપણું કર્તવ્ય બજાવી પ્રકૃતિની રક્ષા કરીશું તો ભગવાન અવશ્ય પ્રસન્ન થશે અને તેની અનુભૂતિનો પ્રસાદ મેળવી શકીશું.
સચીન – નીલાક્ષી પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.