Comments

ભગવાન ભક્તને ભૂખ્યો રાખતો જ નથી

એક બહુ હઠી ભક્ત હતો. તેણે મનમાં નક્કી કર્યું કે હું આજે આખો દિવસ ઉપવાસ કરીશ અને વનમાં આવેલા મંદિરમાં બેસીને ભજન કરીશ. રાત્રે જાગરણ કરીશ અને જ્યાં સુધી ભગવાન મને કોળિયો નહિ ભરાવે ત્યાં સુધી હું પારણાં નહિ કરું. આવો સંકલ્પ મનમાં કરીને ભક્ત વનમાં આવેલા મંદિરમાં જઈને ભજન કરવા લાગ્યો.આખા દિવસમાં તેણે ન કંઈ ખાધું અને ન કંઈ પીધું. સાવ નિર્જળ ઉપવાસ કર્યો.

આખી રાત પણ તે હરિનામ લેતો રહ્યો.  બીજે દિવસે સવારે જંગલના આદિવાસીઓનો કોઈ ઉત્સવ હોવાથી તેઓ મંદિરમાં આવ્યા અને ફળ,દૂધ ,મધ ,મીઠાઈઓ વગેરે અનેક વસ્તુઓ ભગવાનને ધરાવી અને ભગવાનની પૂજા કરી, નાચગાન કરી ઉત્સવ ઉજવ્યો.  ઉત્સવ પૂરો થતાં પ્રસાદની વહેંચણી કરવામાં આવી. પેલા ભક્તને પ્રસાદ આપ્યો પણ તેણે સ્વીકાર્યો નહિ કારણ કે તેનો સંકલ્પ હતો ભગવાન કોળિયો ભરાવે તો જ ખાવું.આદિવાસીઓ ઉત્સવ ઉજવી ચાલ્યા ગયા પણ હજી તેમણે ધરાવેલો ઘણો પ્રસાદ ત્યાં હતો.આખો દિવસ પસાર થઇ ગયો પણ પેલા ભક્તે કંઈ ખાધું નહિ.તે એમ જ બેસી રહ્યો. મોડી રાતે વનનું મંદિર નિર્જન જાણીને બે ચોર આવ્યા. ત્યાં અને પોતે કરેલી ચોરીના માલના ભાગ પાડવા લાગ્યા.તેમને બહુ ભૂખ લાગી અને જોયું તો મંદિરમાં ફળો, દૂધ, મધ, લાડુ, પેંડાં જેવી અનેક મિઠાઈઓ હતી.ચોરોને ભૂખ લાગી હતી અને સામે જ પ્રસાદ રૂપી ભોજન હતું.બંને જણ ત્યાં ગયા.

જોયું તો એક ખૂણામાં પેલો ભક્ત આંખ મીંચી બેઠો હતો.ચોર હજી પ્રસાદ ખાવા જ જતા હતા ત્યાં એક ચોરના મનમાં વિચાર આવ્યો કે ‘આ મંદિર વનમાં છે, સાવ નિર્જન છે, ખબર નહિ આ પ્રસાદ કોણે અને કયારે મૂક્યો હશે? અને પ્રસાદ સારો ખાવાલાયક હશે કે નહિ અને કદાચ કોઈ ઝેરી પ્રાણીએ મોઢું માર્યું હોય તો?’ તેણે તરત પોતાના સાથીને પણ પ્રસાદ ખાતાં અટકાવ્યો અને પોતાના મનની શંકાની વાત કરી.બીજા સાથી ચોરે કહ્યું, ‘જો દોસ્ત, ભૂખ તો બહુ લાગી છે. એક કામ કરીએ. પહેલાં પેલો માણસ બેઠો છે તેને ખવડાવીને જોઈએ.

જો તેને કંઈ નહિ થાય તો આપણે ખાઈશું.’ આમ નક્કી કરી તેઓ લાડુ હાથમાં લઈને પેલા જીદ્દી ભક્ત પાસે ગયા અને તેને લાડુ આપ્યો.ભક્તે ખાવાની ના પાડી એટલે બંને જણે એકમેકની સામે જોયું અને એક જણે તેને પકડીને તેનું મોં ખોલ્યું અને બીજાએ અંદર લાડુ ખોસી દીધા. ભક્ત ભગવાનના પગે પડીને રડવા લાગ્યો.પ્રભુ,તમે કેટલા દયાળુ છો.હું મૂર્ખ મારી જીદ્દને કારણે સામે તમારો પ્રસાદ હોવા છતાં ભૂખ્યો બેઠો હતો પણ તમે મને ન ભૂલ્યા. અહીં અડધી રાતે પણ વનમાં તમારા દૂત મોકલી મારી ભૂખ ભાંગી. ચોરોને આ કંઈ સમજાયું નહિ. તેઓ તો પ્રસાદ આરોગવા લાગ્યા. ભગવાન એટલો દયાળુ છે કે આપણી જીદ, ભૂલ, ખામી બધું ભૂલીને સતત કૃપા વરસાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top