National

ગોવામાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ, રશિયન ઓલિમ્પિક મેડલિસ્ટ સહિત ત્રણની ધરપકડ

પણજી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) (NCB) એ એક મોટા ઓપરેશનમાં ગોવામાં (Goa) આંતરરાષ્ટ્રીય ડ્રગ (Drug) રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા રશિયન સ્વિમર, રશિયન પૂર્વ પોલીસમેન અને એક ભારતીયની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલાની માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વિવિધ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓમાંની મહિલા સ્વિમરે 1980 ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પોલીસે કોકેઇન અને ચરસ સહિત વિવિધ ડ્રગ્સ કબજે કર્યા છે. અધિકારીએ કહ્યું કે છેલ્લા બે સપ્તાહમાં એનસીબીના ગોવા યુનિટ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

એનસીબી અધિકારીએ જણાવ્યું હતું કે, એક સૂચનાના આધારે એવું જાણવા મળ્યું હતું કે રશિયન ડ્રગ રેકેટ અરમ્બોલ અને તેની નજીકના વિસ્તારોમાં ગોવામાં સક્રિયપણે કાર્યરત છે અને આ સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી હતી. વધુ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે આકાશ નામનો શખસ એક મોટા નેટવર્કનો ભાગ હતો અને તે રશિયન વ્યક્તિની સૂચનાઓ પર કામ કરતો હતો, જેણે રેકેટના કિંગપિન તરીકે કામ કર્યું હતું.

આકાશને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. ગુપ્ત માહિતી આધારિત કામગીરી બાદ આન્દ્રે નામના રશિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી 20 એલએસડી બ્લાસ્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. ડ્રગવિરોધી એજન્સીએ જણાવ્યું હતું કે આન્દ્રેએ ખુલાસો કર્યો હતો કે તે ‘હાઈડ્રોફોનિક’ (જલીય) પદ્ધતિ દ્વારા તેના સ્થાનિક નિવાસસ્થાનમાં ગાંજો ઉગાડતો હતો. ત્યાર બાદ તેના ઘરેથી હાઇડ્રોપોનિક તમાકુના છોડના પોટ્સ મળી આવ્યા હતા, અધિકારીએ જણાવ્યું હતું. સમગ્ર ઓપરેશન દરમિયાન એનસીબીએ એલએસડીના 88 બ્લોટ્સ, 8.8 ગ્રામ કોકેઇન, 242.5 ગ્રામ ચરસ, 1.440 કિલો હાઇડ્રોફોનિક ગાંજા, 16.49 ગ્રામ હેશ ઓઇલ, 410 ગ્રામ હેશ કેક અને રૂ. 4.88 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે એનસીબીએ તેમની પાસેથી ભારતીય અને વિદેશી ચલણ, બનાવટી દસ્તાવેજો, ઓળખ કાર્ડ અને હાઇડ્રોફોનિક પદ્ધતિથી તમાકુ ઉગાડવા સંબંધિત દસ્તાવેજો રિકવર કર્યા છે. એનસીબીએ કહ્યું કે ધરપકડ કરાયેલ મહિલાની ઓળખ 1980 ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં સિલ્વર મેડલ વિજેતા એસ.કે. વર્ગાનોવા અને એક વ્યક્તિની ઓળખ આન્ડ્રે તરીકે થઈ છે જે ભૂતપૂર્વ રશિયન પોલીસમેન છે. આન્દ્રે લાંબા સમયથી ગોવામાં ડ્રગ્સનો વેપાર ચલાવી રહ્યો છે. પોતાનું નેટવર્ક ફેલાવવા માટે તે ઘણાં શહેરોમાં પણ ગયો હતો અને ડ્રગ પેડલરોનું નેટવર્ક ચલાવતો હતો. અધિકારીએ જણાવ્યું કે રશિયન નાગરિકોની સાથે સ્થાનિક આકાશની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

Most Popular

To Top