ધારો કે એક સાંજ આપણે મળ્યાંને આપણે હળ્યાં પણ આખા ય આખાનું શું….ધારો કે..’ સ્ટેજ પરથી સૂર વહી રહ્યા હતાં, શ્રોતાઓ રસભેર સંગીતને માણી રહ્યાં હતાં. એક પછી એક ગુજરાતી ગીતો ગાયકો ગાતા હતાં અને શ્રોતાઓ માણતાં હતા. એમાં ક્યારે રાતના બાર થઇ ગયા એની શ્રોતા કે ગાયક બેમાંથી કોઇ જાણ ન હતી. પરંતુ એન્કરે તો બધું ધ્યાન રાખવુ પડે. એમાં ય એન્કર સુરેખ બેન્કર હોય એટલે બીજે દિવસે સવારે ઓફિસે પણ જવાનું યાદ રાખવું પડે. એમાં તો કાલે બેન્કમાં સમયસર જવું બહુ જ જરૂરી છે. એક જાણીતાં ઉદ્યોગપતિની લોન પાસ થઈ ગઈ છે અને તે માટેના કાલે એગ્રીમેન્ટ પર સાઈન થવાની છે.
‘શ્રોતા મિત્રો’ તમારો અને ગાયક મિત્રોનો તાલમેલ જોઇ મીઠી ઈર્ષા થાય છે. પણ સુજ્ઞજનો ઈર્ષાથી પ્રેરાઇને નહીં પણ રાતના બાર વાગી ગયા છે, અને આપણે હોલ ખાલી કરીને રાતે સાડાબારે સોંપી દેવાનો છે. એટલે મેં તમારા તપમાં ભંગ પાડ્યો છે, તો માફી ચાહુ છું. છેલ્લે આ ગીત સાથે આપણે આજનો પ્રોગ્રામ સમાપ્ત કરીએ છીએ. ફરી જલદી મળીશું. શુભરાત્રિ!‘ સુરેખે એનાઉન્સ કર્યું તે સાથે જ તાલીઓના ગડગડાટ વચ્ચે આખરી ગીત રજુ થયું. ‘રાખના રમકડાંને મારા રામે રમતાં રાખ્યાં રે…ડોલે ડોલે રોજ રમકડું નીત નીત રમતું…’
ગીત સ્ટેજ પરથી ગવાતું હતું તે દરમિયાન સુરેખે પોતનું કામ પતાવવા માંડ્યું. સુરખે ગાયકના ચેક તથા એમને મુકવા જવાની બધી સગવડ થઇ છે તે આયોજકે સાથે કન્ફમ કરી લીધું. એટલે પછી જેવું ગીત પત્યુ, કર્ટન બંધ થયો કે એ બધાંને બાય બાય કરીને સીધો લિફ્ટમાં પાર્કિંગમાં પહોંચી ગયો. અગર પાર્કિગમાં મોડા પડ્યા તો પછી આગળની ગાડીઓ જાય તેની રાહ જોવી પડે. ‘હાશ…પાર્કિંગમાંથી બહાર નીકળીને સુરેખે રાહતનો શ્વાસ લીધો.’ ‘હવે સમયસર ઘરે પહોંચી જવાશે. સરખી ઊંઘ થઈ જાય તો કાલની ડીલમાં બરાબર સજાગ રહેવાય.મન તનથી ફ્રેશ હોઇએ તો કામની મજા આવે અને સો ટકા પરફેક્ટ થાય.’ સમયસર ઘરે પહોંચવાની ખુશીમાં એના મોંઢામાંથી વ્હીસલ વાગવા લાગી. ‘આગે ભી જાને ના તું ’પીછે ભી જાને ના તું…જો ભી હેં બસ યહી એક પલ હેં…’
ત્યાં અચાનક સામે કૂતરુ આવી ગયું. ગાડી એંસીની સ્પીડે દોડતી હતી એટલે સુરેખે બ્રેક મારી, ગાડીના ટાયરે આ ઓચિંતી બ્રેકથી ચિચયારી પાડી, કૂતરું તો બચી ગયું પણ સુરેખની ગાડી પલટી મારી ગઈ. ક્ષણભર તો સુરેખને ખ્યાલ ન આવ્યો કે થયું શું. અહેસાસ થયો કે કૂતરાને બચાવવા જતાં પોતે ભેરવાઇ ગયો છે. ત્યારે થોડીવાર માટે હાથપગ પાણી પાણી થઇ ગયા. એણે ડરના માર્યા બૂમ પાડી,‘હેલ્પ અરે મદદ કરો…કોઇ છે.’ જવાબમાં કૂતરાનો ભસવાનો અવાજ માત્ર સંભળાયો. થોડીવાર રાહ જોયા પછી સુરેખ પોતાનું નિરીક્ષણ કર્યું. પોતે ઊંધો હતો, પણ કશી ગંભીર ઇજા દેખાતી ન હતી. ઇવન કશે વાગ્યું હોય ને લોહી નીકળ્યું હોય તેવુ પણ ન હતું. હા, થોડો ઘણો મૂઢમાર ચોક્કસ વાગ્યો હશે, પણ અત્યારે એ બધું છોડીને ગાડીની બહાર નીકળવું જરુરી હતું. ઊંઘે માથે આ રીતે તો કંઇ રીતે પડી રહેવાય ?
સુરેખની હાઈટ છ ફૂટમાં બે ઇંચ ઓછી હતી. એટલે એ સીટમાં બરાબર ફસાયો હતો. એણે પહેલાં તો ગાડીનો કાચ ખોલવા માટે ગાડી સ્ટાર્ટ કરવા પ્રયત્ન કર્યો. પણ બે ત્રણ વાર ઇગ્નિશ્ન આપવા છતાં ગાડી ચાલુ ન થઇ. એટલે હવે બીજો ઉપાય વિચારવાનું ચાલુ કર્યું. અગર સીટમાંથી છૂટી શકાય તો ચત્તા થઇ શકાય અને બહાર નીકળવાના બીજા ઉપાય વિચારી શકાય. એણે સીટની બાજુની કળ દબાવી જેથી સીટ થોડી પહોળી થાય તો એ પગ કાઢીને સીધો થઇ શકે. કળ દબાવતા સીટ પાછળ ખસી એથી સુરેખની હિંમત વધી. એણે ફરી કળ દબાવીને સીટને એકદમ લાંબી કરી દીધી. એ ધીરેથી પડખું ફરીને સીધો થઇ ગયો’
‘હાશ હવે વાંધો નહીં. બીજી કોઇ મદદ ન મળે ત્યાં સુધી શાંતિથી સુઇ શકાય છે.’ થોડીવાર સુરેખ એમ જ પોતાને તપાસતો પડી રહ્યોં. ત્યાં એને યાદ આવ્યું કે એણે કોઇને ફોન કરવાનો પ્રયત્ન તો કર્યો નથી. એણે ખિસ્સાં હાથ નાંખ્યો તો ફોન ન હતો. ગાડી ઊંધી થઇ ગઈ હશે ત્યારે ફોન પડી ગયો હશે! એણે ફોન શોધવા માંડ્યો. તો આગળની ડ્રાઈવરની બાજુની સીટ નીચે ફોન હતો. ફોન હાથમાં લીધો તો એ બંધ થઈ ગયો હતો. એણે એ ચાલુ કરવાની ટ્રાય કરી પણ ચાલુ થયો જ નહીં. ‘શીટ…’ સુરેખે ગુસ્સામાં ફોન ફેંક્યો. ભલું થજો આ ઘડિયાળનું તો એ ચાલતી હતી. રાતનો એક થવા આવ્યો હતો. મતલબ કે હજુ બીજા ચાર કલાક એણે આવી રીતે કાઢવાના છે. સિવાય કે વહેલી સવારે કોઇ નીકળે અને ગાડી સાથે એને પડેલો જોવે તો બહાર નીકળી શકાય. ખોટો દોડાદોડ કરીને નીકળ્યોં. અને આમ ફસાયો.
‘જાના થા જાપાન, પહોંચ ગયે ચીન…’ સુરેખ હસી પડ્યો. થોડીવાર એમ જ આંખ મીંચીને પડ્યો રહ્યોં. થોડીવારે ફરી ઘડિયાળમાં જોયું તો હજુ દોઢ જ થયો હતો. આમ તો ઊંઘ પણ નહીં આવે અને ઉપરથી કામનું ટેનશન રહેશે. એના કરતાં બહાર નીકળવાની કોશિશ કેમ ન કરવી ? એણે સુતા સુતા નજર દોડાવી તો ગાડીના પાછલાં કાચ પર પડી. એતો અડધો તૂટી ગયો હતો. ‘લે…અત્યાર સુધી આમ હેરાન થતો હતો અને આ તૂટેલી બારી જ ન દેખાય?’
એણે કાચને તપાસ્યો. એમને એમ બહાર નીકવાનો પ્રયત્ન કરવામાં ક્યાંક કશે કાચ વાગી જવાની પૂરી શક્યતા છે. એટલે એણે વિચાર્યું, કાં તો કાચને પૂરેપૂરો તોડી નાંખવો જોઇએ. અને કાં આમાંથી સલામત રીતે બહાર નીકળવાનો ઉપાય વિચારવો જોઇએ. કાચને તોડવો શી રીતે ? ગાડીના ટાયર બદલવાની કીટ તો ડિકિમાં પડી છે. ત્યાં એને યાદ આવ્યું કે એણે ફંકશનમાં કૂર્તા–પાયજામો પહેર્યો હતો એમાં ખભે શાલ રાખી હતી એ કયાં ગઇ? ઓહ એ તો બાજુની સીટ પર જ છે. એણે શાલને તૂટેલાં કાચ પર બેવડ કરીને ગોઠવી દીધી. પછી ધીરેથી પહેલાં માથું બહાર કાઢયું. રાતનો ઠંડો પવન એને ધ્રુજાવી ગયો. પછી ધીરે ધીરે હાથનો સપોર્ટ લઈને ધડ બહાર કાઢયું. છેલ્લે પગ પણ બહાર આવી ગયા અને એણે હર્ષથી ચીસ પાડી, ‘હુરે…..રે….’ ત્યાં સાઇરન વગાડતી પોલીસની જીપ આવી. અને સુરેખ હસી પડ્યો, ‘ટોટલી હિન્દી ફિલ્મ સ્ટાઇલ એન્ટ્રી !’