વારાણસી: જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વશેષની કોર્ટમાં (Court) બે સીલબંધ કવરમાં જમા કરાવેલ જ્ઞાનવાપીનો (Gyanvapi) સર્વે રિપોર્ટ સાર્વજનિક થશે કે કેમ? આ વિષયે આજે નિર્ણય (Decision) લેવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ 18 ડિસેમ્બરે રિપોર્ટ દાખલ કર્યો હતો. તેમજ આ રિપોર્ટ સાર્વજનિક ન કરવાની મસ્જીદની (Masjid) માંગ ઉપર પણ આજે સુનવણી થશે.
જ્ઞાનવાપી કેસના એડવોકેટ સોહન લાલ આર્યની અધ્યક્ષતામાં ગઇકાલે બુધવારે રાજમાતા અહિલ્યાબાઈ સેવા સંસ્થાનની બેઠક મળી હતી. જેમાં જ્ઞાનવાપી સંકુલના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ના સર્વેના અહેવાલની કોપી અને ફોટોગ્રાફ સાર્વજનિક કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સાથે જ વાદી મહિલાઓ અને તેમના વકીલોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સભામાં વક્તાઓએ કહ્યું કે જ્ઞાનવાપી હોય કે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર સનાતન મંદિરોના પુરાવા દરેક જગ્યાએ હાજર છે.
સમગ્ર મામલે હિન્દુ પક્ષે સર્વેના રિપોર્ટની નકલ તાત્કાલિક તેમને આપવા વિનંતી કરી હતી, ત્યારે મુસ્લિમ પક્ષે તેનો વાંધો વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે રિપોર્ટની કોપી એફિડેવિટ સાથે આપવી જોઈએ કે તેને લીક કરવામાં આવશે નહીં. આ સાથૈ જ મુસ્લિમ પક્ષએ રિપોર્ટના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.
24 જુલાઈએ સર્વે શરૂ થયો હતો
જિલ્લા ન્યાયાધીશની કોર્ટના આદેશથી એએસઆઈએ 24 જુલાઈના રોજ જ્ઞાનવાપીમાં સર્વે શરૂ કર્યો હતો. સર્વે કરવામાં, રિપોર્ટ તૈયાર કરવામાં અને કોર્ટમાં ફાઇલ કરવામાં 153 દિવસનો સમય લાગ્યો હતો. સમગ્ર મામલે ASI દ્વારા સર્વે રિપોર્ટની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવેલ પુરાવાઓની યાદી પણ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટમાં એક અરજી પણ આપવામાં આવી છે. જેમાં એએસઆઈએ સર્વેની કામગીરી કેવી રીતે કરી તેનો ખુલાસો કરવાની માંગ કરી છે.
હાઈકોર્ટે શું કહ્યું?
અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો હતો. વારાણસીના જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે માલિકીના વિવાદના મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો હતો. જેમાં કોર્ટે મુસ્લિમ પક્ષની પાંચેય અરજીઓ ફગાવી દીધી હતી. આ ચુકાદો 1991માં હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ પર આપવામાં આવ્યો છે. 1991માં વારાણસી કોર્ટમાં નોંધાયેલા કેસની જાળવણીને પડકારવામાં આવી હતી.