અલાહાબાદ: અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીની જ્ઞાનવાપી (Gyanvapi) મોટો ચુકાદો આપ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવીને કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને (ASI Survey) લીલી ઝંડી આપી દીધી છે. અને કહ્યું કે ન્યાય માટે આ સર્વે જરૂરી છે. ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં બૌદ્ધ ગુરુએ સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરીને કહ્યું કે જ્ઞાનવાપી એ મંદિર કે મસ્જિદ નથી પરંતુ બૌદ્ધ મઠ છે. બૌદ્ધ ધર્મના ગુરુ સુમિત રતન ભંતેના જણાવ્યા અનુસાર દેશમાં એવા ઘણા મંદિરો છે, જે બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યા હતા. જ્ઞાનવાપીમાં જોવા મળતા ત્રિશુલ અને સ્વસ્તિક પ્રતીકો બૌદ્ધ ધર્મના છે. કેદારનાથ અથવા જ્ઞાનવાપીમાં જે જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે તે બૌદ્ધ ધર્મનો સ્તૂપ છે. જ્ઞાનવાપી એ મસ્જિદ કે મંદિર નથી પણ બૌદ્ધ મઠ છે.
21 જુલાઈએ વારાણસી જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપીના ASI સર્વેનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષે એએસઆઈ સર્વેના નિર્ણયને પહેલા સુપ્રીમ કોર્ટમાં અને પછી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું, ન્યાયના હિતમાં ASI સર્વે જરૂરી છે. તેને અમુક શરતો હેઠળ અમલમાં મૂકવાની જરૂર છે. શુક્રવારથી સર્વે શરૂ કરવામાં આવશે. આ માટે ASIની સર્વે ટીમ વારાણાસી આજે પહોંચી જશે.
જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે શુક્રવારે મસ્જિદ પરિસરનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ASIએ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટ સુધીમાં વારાણસીની જિલ્લા અદાલતમાં આપવાનો હતો. આ આદેશ બાદ સોમવારે ASIની ટીમ તેનો સર્વે કરવા જ્ઞાનવાપી પહોંચી હતી. પરંતુ મુસ્લિમ પક્ષ આ સર્વે પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સર્વે પર બે દિવસનો સ્ટે આપતા કોર્ટે મસ્જિદ કમિટીને હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ પછી મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે આજે સુનાવણી બાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. અને સર્વેને લીલી ઝંડી આપી દીધી હતી. જે શુક્રવારથી શરૂ થશે.
જ્ઞાનવાપીનો વિવાદ શું છે?
ઓગસ્ટ 2021માં પાંચ મહિલાઓએ વારાણસીના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) સમક્ષ દાવો દાખલ કર્યો હતો. જેમાં તેમણે જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં બનેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ પૂજા-અર્ચના કરવા અને દર્શન કરવાની પરવાનગી માંગી હતી. મહિલાઓની અરજી પર જજ રવિ કુમાર દિવાકરે એડવોકેટને મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર ગયા વર્ષે ત્રણ દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે અહીં શિવલિંગ મળી આવ્યું છે. આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદના બાથરૂમમાં શિવલિંગ છે. હિંદુ પક્ષના આ દાવા અંગે મુસ્લિમ પક્ષે કહ્યું કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે જે દરેક મસ્જિદમાં છે. આ પછી હિન્દુ પક્ષે વિવાદિત સ્થળને સીલ કરવાની માંગ કરી. સેશન્સ કોર્ટે તેને સીલ કરવાનો આદેશ કર્યો હતો. જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
SCએ કેસને ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કર્યો હતો અને તેમને નિયમિત સુનાવણી હાથ ધર્યા પછી દાવાઓને ધ્યાનમાં લઈ ચુકાદો આપવાનો નિર્દેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ જોગવાઈ અનુસાર અને પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, 1991ના પરિપ્રેક્ષ્યમાં આ દાવો જાળવવા યોગ્ય નથી, તેથી તેની સુનાવણી થઈ શકે નહીં. જોકે, કોર્ટે તેને સાંભળવા યોગ્ય ગણી હતી.
આ પછી, પાંચમાંથી ચાર ફરિયાદી મહિલાઓએ આ વર્ષે મે મહિનામાં અરજી દાખલ કરી હતી. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ભાગ સિવાય સમગ્ર સંકુલનો ASI દ્વારા સર્વે કરવામાં આવે. તેના પર જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે પોતાનો ચુકાદો આપતાં ASIને સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો.