એક નાનકડા ગામમાં માત્ર બ્રાહ્મણોની વસ્તી હતી.માત્ર ૩૦ ઘર હતાં.બધાં શાંતિથી હળીમળીને રહેતાં હતાં. અક્ષય તૃતીયા નજીકમાં હતી.બધાંએ ભેગાં મળીને નક્કી કર્યું કે આપણે હંમેશા દાન સ્વીકારીએ છીએ.દાન આપીએ છીએ. આ વખતે અક્ષય તૃતિયાના દિવસે આપણે બધા શક્ય એટલું સારું દાન આપીને અક્ષય પુણ્ય મેળવીશું. બધાં મનમાં નક્કી કરવા લાગ્યા કે શું દાન આપીશું.એક બ્રાહ્મણ પાસે માત્ર એક જ ગાય હતી, છતાં તેણે ગૌ દાન કરવાનું નક્કી કર્યું અને પોતાના મિત્ર બ્રાહ્મણ પાસે જઈને તેણે કહ્યું, ‘મિત્ર, બે દિવસ પછી અક્ષય તૃતિયા છે. તું સવારે મારા ઘરે આવજે અને સંકલ્પ કરાવી દાન લઇ જજે.’
મિત્રે કહ્યું, ‘ઠીક છે.’ મિત્ર અક્ષય તૃતિયાના દિને બ્રાહ્મણના ઘરે ગયો. તેના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણે તેને ગૌ દાનનો સંકલ્પ કરાવવા કહ્યું અને પોતાની પાસેની એક માત્ર ગાય દાનમાં આપી દીધી.મિત્ર બ્રાહ્મણ ગાયનું દાન મેળવીને ખુશ થઈ ગયો અને રાજી થઈને ઘરે જતો હતો ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે, ‘જો આ મારો મિત્ર તેની પાસે એક ગાય હોવા છતાં તેને દાનમાં આપી શકે છે તો હું પણ આપી શકું.’ મિત્રે ગાય સાથે ભોજનનું દાન આપ્યું.
તે ગાય અને ભોજનનું દાન સ્વીકારનાર બ્રાહ્મણે પણ આવું જ વિચાર્યું અને ગાય ..ભોજન …સાથે વસ્ત્રનું પણ દાન કર્યું…આમ દાનનો મહિમા જાણનારાં બ્રાહ્મણોએ જે દાન મળ્યું તેમાં ભોજન ..વસ્ત્ર … પાત્ર…ચાંદી .. સુવર્ણ વગેરે શક્તિ પ્રમાણે ઉમેરો કરીને બીજા બ્રાહ્મણને આપ્યું.આખા ગામના ત્રીસે ઘરમાં દાન સ્વીકાર્યું અને તેમાં ઉમેરો કરીને અન્યને આપ્યું.ત્રીસે ઘરમાં ફરીને છેલ્લે તે દાન પેલા પહેલું ગૌ દાન કરનાર પાસે જ આવ્યું.તેણે જે દાન કર્યું હતું તેનાથી અનેકગણું મળ્યું અને આખા ગામને વધુ ને વધુ દાન કરવાની પ્રેરણા અને પુણ્ય મળ્યું.
આ છે દાનનો મહિમા.દાન કરવું જરૂરી છે.જે હોય તેમાંથી આપો.આપવાથી કોઈ દિવસ ઓછું થતું નથી.દાન આપવાથી કોઈ દિવસ ખૂટતું નથી. ઉલટું તે વધીને તમને મળે છે.જરૂર છે દાનનો મહિમા સમજી સાચી ભાવના સાથે દાન કરવાની.ઉદાર ભાવના સાથે …સમાજમાં દરેકને સમાન ગણી મદદરૂપ થવાની ભાવના સાથે દાન કરવું જરૂરી છે. પોતાની મોટપ બતાવવા,અન્યને નીચા દેખાડવા અભિમાનથી રૂઆબ સાથે દાન કરવાનો કે થોડું આપી વધુ મેળવી લેવાની લાલચ સાથે કરેલા દાનનો કોઈ અર્થ નથી. એવા દાનનું શુભ ફળ મળતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.