Editorial

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી બજાર ૧ ટ્રિલિયન ડૉલરનું થયું: સામાન્ય માણસે આમાં હરખાવા જેવું કંઇ નથી

છેલ્લા કેટલાક વર્ષથી વિશ્વના અર્થતંત્રમાં ક્રિપ્ટોકરન્સી  એ નવો ઉદભવેલો શબ્દ અને નવો ખયાલ છે. વિશ્વના મોટા ભાગના લોકો આ ક્રિપ્ટોકરન્સી વિશે અજાણ છે છતાં ડીજીટલ ચલણ કહેવાતા આ ચલણે વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની નોંધપાત્ર હાજરી તો પુરાવી જ છે. વિશ્વભરના આ ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કુલ મૂલ્ય પ્રથમ વખત શુક્રવારે વધીને ૧ ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે. બિટકોઇનના ભાવમાં આવેલા મોટા ઉછાળાને કારણે આ શક્ય બન્યું છે.

ગત માર્ચ મહિનામાં બિટકોઇનની કિંમત ૩૮પ૦ ડોલર હતી તેમાં ૯૦૦ ટકાનો ઉછાળો નોંધાયો છે અને વિશ્વની આ અગ્રણી ક્રિપ્ટોકરન્સીનો ભાવ વધીને અત્યાર સુધીમાં પ્રથમ વખત ૪૦૦૦૦ ડૉલરને પાર ગયો છે.

બિટકોઇનનો ભાવ આટલો વધવાનું કારણ એ માનવામાં આવે છે કે કોરોનાવાયરસના રોગચાળાને પગલે વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન જેવા સખત નિયંત્રણોના પગલાઓ પછી કથળેલા અર્થતંત્રોને ટેકા માટે વિવિધ દેશોએ જાહેર કરેલા પ્રોત્સાહક પગલાંઓને કારણે ફુગાવો સર્જાવાના ભય વચ્ચે રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ કર્યુ઼ છે.

બિટકોઇન વિક્રમી ઉંચાઇએ પહોંચ્યા બાદ વિશ્વના કુલ ક્રિપ્ટોકરન્સી બજારનું મૂલ્ય પ્રથમ વખત વધીને એક ખર્વ ડોલરની પાર ગયું છે. જેપી મોર્ગને એક નોંધમાં જણાવ્યું હતું કે બિટકોઇનનું મૂલ્ય ૧૪૬૦૦૦ ડોલરને પણ વટાવી શકે છે. અમેરિકી ડોલર નબળો પડવાને કારણે વધતા ફુગાવા વચ્ચે રોકાણકારો ક્રિપ્ટોકરન્સી તરફ વળ્યા હોવાનું મનાય છે.

ક્રિપ્ટોકરન્સી બજારમાં ઉછાળાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે રોકાણકારો વધતા જતા પ્રમાણમાં માને છે કે બિટકોઇન એક લાંબા ગાળા સુધી ટકી રહી શકે તેવી મિલ્કત છે તેથી તેઓ વધુ પ્રમાણમાં બિટકોઇનમાં રોકાણ કરી રહ્યા છે. કેટલાક વિશ્લેષકોએ કહ્યું હતું કે બિટકોઇન પરપોટો પુરવાર થશે તે વાત હવે રોકાણકારો માનતા હોય તેવું લાગતું નથી અને તેથી તેમાં રોકાણનું પ્રમાણ વધ્યું છે.

આપણે અગાઉ જોયું તેમ વિશ્વના મોટા ભાગના લોકોને આ ક્રિપ્ટોકરન્સી સાથે કોઇ નિસ્બત નથી તથા અનેક દેશોની સરકારોએ આ ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર માન્યતા પણ આપી નથી, પરંતુ આમ છતાં તેના સોદાઓ અનેક દેશોમાં થઇ રહ્યા છે.

ક્રિપ્ટોકરન્સીમાં જુદા જુદા અનેક પ્રકારના ચલણો છે પરંતુ તેમાં બિટકોઇન અગ્રેસર છે અને કદાચ સૌથી વધુ જાણતું નામ છે. આ બિટકોઇનનો ભાવ ૪૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયા પછી ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોએ પોતાને ત્યાંના શંકાસ્પદ એકાઉન્ટો થિજાવી દીધા છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સી વેપાર માટે કોઇ કેવાયસીના નિયમો નથી અથવા એક્સચેન્જ નિયંત્રણો પણ નથી આથી એક્સચેન્જોએ પોત પોતાની રીતે નિયમો ઘડી કાઢ્યા છે. આવા સંજોગોમાં એક્સચેન્જો પોતાની રીતે પગલાં લે છે. બિટકોઇનનો ભાવ ૪૦૦૦૦ ડોલરની સપાટી વટાવી ગયા બાદ સ્મોલ કેપ, લો ટ્રેડિંગ વોલ્યુમ્સ ક્રિપ્ટો કોઇન્સમાં પમ્પ એન્ડ ડમ્પની પ્રવૃત્તિ દેખાયા બાદ એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જે ચાર એકાઉન્ટો સસ્પેન્ડ કરી દીધાં હતાં.

ભારતમાં મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ગણાતા કોઇનડીસીએક્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેણે ચાર ખાતાઓ થિજાવી દીધા હતા જે ખાતાઓનો ઉપયોગ નાની ક્રિપ્ટોઝની કિંમતો કૃત્રિમ રીતે વધારવામાં માટે કરવામાં આવતો હતો.

નાના રોકાણકારોને વધતી કિંમતો બતાવીને રોકાણ માટે લલચાવવાના પ્રયાસમાં આવું કરવામાં આવતું હતું. ભારતમાં ક્રિપ્ટોકરન્સીને હજી સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી છતાં તેના સોદાઓ થઇ જ રહ્યા છે. એક્સચેન્જોએ શંકાસ્પદ ખાતાઓ થિજાવી દીધા તે તો સારી જ વાત છે પરંતુ ક્રિપ્ટોકરન્સીના ખેલાડીઓ દેશના અર્થતંત્રને કોઇ હાનિ ન પહોંચાડે તે બાબતે સરકારે સતત સાવધ રહેવું જોઇએ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top