Charchapatra

દુનિયાને ઊંધાં ચશ્મા

દુનિયાને ઊંધાં ચશ્મા એ તારક મહેતાની સુપ્રસિધ્ધ ટી વી સિરિયલનું નામ છે. પણ અહીં તે ટી વી સિરિયલની નહી પણ સરકાર દ્વારા પ્રજાને પહેરાવાતા ઊંધાં ચશ્માની વાત કરવી છે. એક સમાચાર પ્રમાણે બજેટ સત્ર દરમિયાન રાજ્યકક્ષાના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં રજૂ કરેલી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન બેંકો દ્વારા માંડવાળ કરવામાં આવેલી લોનનો આંકડો અધધધ એવો રૂપિયા ૫.૮૫ લાખ કરોડ જેટલો છે. આ આંકડો વાંચીને એક ગુજરાતી કહેવત યાદ આવી ગઈ. ‘

કોના બાપની દિવાળી .આડેધડ નિયમોની વિરુધ્ધ મીલીભગતથી અને ભ્રષ્ટાચાર આચરીને આપવામાંઆવેલી લોન ભરપાઈ ક્યાંથી થાય? જો અનિવાર્ય સંજોગોમાં લોન ભરપાઈ ન થાય તો તેવા કિસ્સામાં લોન ભરપાઈ કરવાના હપ્તામાં વધારો કરીને  અને લોન પર જે વ્યાજ ભરવાનું થાય તે માંડવાળ કરીને સવલત આપી શકાય પણ આખી ને આખી લોનની રકમ જ  માંડવાળ કરવાની આખી પદ્ધતિ જ ખોટી છે.

બીજું લોન મંજૂર કરનાર અને મંજૂર થયા પછી તેની વસૂલાત કરવામાં જે કોઈ કસૂરવાર હોય તેમાંથી કોઈને પણ કંઈ પણ સજા થયાનું ધ્યાનમાં નથી. અને બાકી હતું તે એ બધાને બચાવવા લોન માફીનું શસ્ત્ર હાથમાં આવ્યું. તેનો અર્થ એવો થાય કે બેંકના બેલેન્સસીટમાં તમને લોન માંડી વાળી છે એવું બતાવવાનો અને પ્રજાની નજરમાં બેંકનું બેલેન્સશીટ રૂપાળું બતાવવાના કારસાથી વિશેષ કંઈ નથી. લગભગ બધી જ સરકારો લોન માફીને મતબેંક સાથે જોડે છે તેવો આભાસ થયા વગર રહેતો નથી.

અબજો રૂપિયાની લોન લઈને તે ભરપાઈ ન કરનાર વિદેશ ભાગી જાય છે અથવા એમ કહો કે તેમને વિદેશ ભગાડી મૂકવામાં આવે છે તો એ વાત પણ સાચી લાગી રહી છે એવું નથી લાગતું ? ( દરેક બાબતમાં જૂજ અપવાદોને અવકાશ હોય શકે છે ). આપણા દેશની રાજ્કીય પરિસ્થિતિનું આ એક વરવું ચિત્ર છે તેમાં શંકાને કોઈ સ્થાન હોઈ ન શકે.

સુરત     -સુરેન્દ્ર દલાલ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top