Columns

હરિદ્વારની ધર્મસંસદમાં અપાયેલાં ધિક્કારપૂર્ણ ભાષણોનો વિવાદ જોર પકડી રહ્યો છે

ગયા ડિસેમ્બર મહિનામાં હરિદ્વારમાં જે ધર્મસંસદ મળી ગઈ તેમાં આપવામાં આવેલાં મુસ્લિમવિરોધી ભાષણોનો મુદ્દો રહીરહીને જોર પકડી રહ્યો છે. આ ધર્મસંસદમાં ગાંધીજી વિશે અપશબ્દો બોલનારા સ્વામી કાલિચરણની ધરપકડ કરવામાં આવી છે તો મુસ્લિમોવિરોધી ઉચ્ચારણો કરનારા કેટલાક સંતો સામે એફઆઈઆર કરવામાં આવી છે. તેના વિરોધમાં ધર્મસંસદના આયોજકો દ્વારા તા. ૧૬ જાન્યુઆરીના રોજ પ્રતિકાર દિવસ મનાવવાનું એલાન કરવામાં આવ્યું છે. આ ધર્મસંસદમાં જે વિધાનો કરવામાં આવ્યાં તે બાબતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મૌન પણ ચર્ચાનો મુદ્દો બની ગયું છે.

કેટલાક લોકોને લાગે છે કે ઉત્તર પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક હોવાથી હિન્દુ મતો અંકે કરવા માટે જ ભાજપના નેતાઓ દ્વારા સંતો પાસે આ ધર્મસંસદનું આયોજન કરાવડાવવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મૌન રહીને આ ધર્મસંસદમાં કરવામાં આવેલાં વિધાનોને સમર્થન આપી રહ્યા છે. હરિદ્વારમાં તા. ૧૭, ૧૮ અને ૧૯ દરમિયાન યોજાઈ ગયેલી ધર્મસંસદના મુખ્ય આયોજક જૂના અખાડાના મહામંડલેશ્વર છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ‘‘દુનિયાનો કોઈ સમાજ હાથમાં શસ્ત્રો ઉપાડ્યા વિના પોતાનું રક્ષણ કરી શકતો નથી. આર્થિક બહિષ્કારનો કોઈ મતલબ નથી. તલવારો સ્ટેજ ઉપર ભેટ ધરવામાં જ સારી દેખાય છે. મુસ્લિમો સામેનું યુદ્ધ દુશ્મન કરતાં સારાં હથિયારો વડે જ જીતી શકાશે. આ દેશના બધા હિન્દુ યુવાનો પાસે સારાં હથિયારો હોવાં જોઈએ.’’

નિરંજની અખાડાના મહામંડલેશ્વર અને હિન્દુ મહાસભાના મહામંત્રી અન્નપૂર્ણા માએ તો વધુ ઉશ્કેરણીજનક ભાષણ કરતાં કહ્યું હતું કે ‘‘જો આપણે મુસ્લિમોની વસતિને ખતમ કરવા માગતા હોઈએ તો તમારે તેમને મારીને જેલમાં જવાની તૈયારી રાખવી પડશે. જો ૧૦૦ યુવાનો ભણવાનાં પુસ્તકો બાજુ પર મૂકીને હાથમાં હથિયાર ઉપાડશે તો તેઓ ૨૦ લાખ મુસ્લિમોને મારી શકશે.’’ શંકરાચાર્ય પરિષદના આનંદ સ્વરૂપે કહ્યું હતું કે ‘‘જો સરકાર આ ધર્મપરિષદની માગણી સ્વીકારીને ભારતમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના નહીં કરે તો આપણે ૧૮૫૭ ના વિપ્લવ કરતાં પણ ભયંકર યુદ્ધ લડવાની તૈયારી રાખવી પડશે. ’’ હિન્દુ રક્ષા સેનાના અધ્યક્ષ સ્વામી પ્રબોધાનંદે જણાવ્યું હતું કે ‘‘હવે મરવા કે મારવા સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. મ્યાનમારમાં જે રીતે રોહિંગ્યા મુસ્લિમોની કતલ કરી નાખવામાં આવી તેવું ભારતમાં પણ કરવું પડશે. તે માટે પોલીસે, લશ્કરે, રાજકારણીઓએ અને દરેક હિન્દુએ હાથમાં હથિયાર ઉપાડવાની તૈયારી રાખવી પડશે.’’

સિંધુ સાગર સ્વામી નામના સંતે હરિદ્વારની ધર્મપરિષદમાં મુસ્લિમોની વસતિ ઘટાડવા સૂચન કર્યું હતું કે ‘‘ગામના જે શ્રીમંત હિન્દુઓ હોય તેમનું કર્તવ્ય છે કે તેમણે મુસ્લિમો પાસેની જમીનો ખરીદી લેવી જોઈએ અને ગામને મુસ્લિમમુક્ત બનાવવું જોઈએ. હું મારા દલિત હિન્દુ ભાઈઓને અનુરોધ કરું છું કે તેમણે મુસ્લિમો સામે એટ્રોસિટીના કેસો ફાઇલ કરવા જોઈએ અને તેમને જેલમાં મોકલી આપવા જોઈએ. તેમને હેરાન કરશો તો તેઓ ગામ છોડીને ભાગી જશે.’’

ભાજપના આઇટી સેલ દ્વારા પણ છેલ્લા થોડા સમયથી મુસ્લિમોની વિરુદ્ધમાં વિષનું વમન થઈ રહ્યું છે. તેના એક સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે ‘‘જે શીખોની વસતિ ૨ ટકાથી પણ ઓછી છે, તેમને ખાલિસ્તાન જોઈએ છે. જે મુસ્લિમોની વસતિ ૧૮ ટકા છે, તેમને ગજવા-એ-હિન્દ જોઈએ છે; પણ ૮૦ ટકા હિન્દુઓને મફતમાં વીજળી,પાણી અને સસ્તું પેટ્રોલ જોઈએ છે.’’ આ સંદેશા દ્વારા શીખો અને મુસ્લિમો સામે ઝેર ઓકવા સાથે હિન્દુઓને પણ ઉપાલંભ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં અને ભારતનાં બીજાં રાજ્યોમાં પણ મુસ્લિમોની કથિત લવ જિહાદ સામે આંદોલન ચાલી રહ્યું છે. તેમાં હિન્દુ યુવતીઓને મુસ્લિમ યુવકોની પ્રેમજાળમાં ફસાઈને તેમની સાથે લગ્ન કરવા સામે ચેતવવામાં આવે છે. સુરતમાં અને અમદાવાદના કેટલાક ભાગોમાં જૈનો અને હિન્દુઓની વસતિ ઘટી રહી છે. ત્યાં મુસ્લિમો મકાન ખરીદતા હોવાથી તેમની વસતિ વધી રહી છે. મુસ્લિમોનું અતિક્રમણ રોકવા માટે કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લગાડવામાં આવ્યો છે. આ કાયદા મુજબ જો કોઈ મુસ્લિમ હિન્દુ વિસ્તારમાં ઘર ખરીદવા માગતો હોય તો તેણે કલેક્ટરની પરવાનગી લેવી પડે છે. આ કાયદો પણ મુસ્લિમોની વસતિ વધી જવાના ડરથી લગાડવામાં આવી રહ્યો છે. હવે હિન્દુ યુવતીઓને ચેતવણી આપતા સંદેશા વહેતા કરવામાં આવ્યા છે કે જે જિમમાં મુસ્લિમ યુવાનો ટ્રેનર હોય તેમાં જવું નહીં, કારણ કે તેઓ હિન્દુ યુવતીઓને ફસાવે છે.

ભાજપ સરકાર દ્વારા જનસંખ્યા નિયંત્રણ કાનૂન લાગુ કરવાની જે તૈયારી ચાલી રહી છે, તેની પાછળ પણ મુસ્લિમોની વધી રહેલી વસતિને કારણે પેદા થયેલો ડર જવાબદાર છે. કટ્ટર હિન્દુઓને લાગે છે કે જનસંખ્યા નિયંત્રણ કાનૂનથી હિન્દુઓને તો કાંઈ ફરક પડવાનો નથી, કારણ કે તેઓ સામાન્ય રીતે બે કે ત્રણથી વધુ બાળકો પેદા કરતા નથી; પણ તેનાથી મુસ્લિમોની વસતિ નિયંત્રણમાં આવી જશે. હિન્દુઓને ભડકાવવા માટે ભાજપના આઇટી મીડિયા સેલ દ્વારા જાતજાતના સંદેશાઓ વહેતા મૂકવામાં આવે છે. તેવા એક સંદેશામાં કહેવામાં આવ્યું છે કે ભારતની સરકારી હોસ્પિટલોમાં એક દિવસમાં ૩૩૩૭ હિન્દુ બાળકો જન્મ્યાં હતાં, ૧૨૨૨ ખ્રિસ્તી બાળકો, ૧૧૧૭ શીખ બાળકો જન્મ્યાં હતાં; પણ ૫૮૧૬૭ મુસ્લિમ બાળકો જન્મ્યાં હતાં. આ આંકડાનો કોઈ આધાર આપવામાં આવ્યો નથી. જો આ આંકડાઓ સાચા હોય તો પણ તેનાથી એટલું જ સાબિત થાય છે કે મુસ્લિમો વધુ ગરીબ હોવાને કારણે બહુમતી મુસ્લિમ મહિલાઓની પ્રસૂતિ સરકારી દવાખાનાંમાં થાય છે.

હિન્દુ પ્રજામાં મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા બાબતમાં ભય પેદા કરવો તેને ઇસ્લામોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુઓમાં જેમ જેમ ઇસ્લામનો ભય વધતો જાય છે, તેમ તેમ તેઓ ભાજપના સમર્થક બને છે. આ ભય વધારવાનું કામ અસદુદ્દીન ઓવૈસી જેવા મુસ્લિમ આગેવાનોનાં આગઝરતાં ભાષણો કરે છે. આ ભાષણોનો સૌથી વધુ પ્રચાર ભાજપનું આઈટી મીડિયા સેલ જ કરે છે. તેમનાં કેટલાંક ભાષણો તો ભાજપના જ નેતાઓ લખી આપતા હોય છે. ભાજપના આઇટી સેલ દ્વારા એક સંદેશો વહેતો કરવામાં આવ્યો છે કે ‘‘કોઈ એક ગામમાં ૧૦૦ ગાય અને બે ડુક્કર છોડી દેવામાં આવશે તો ૧૦ વર્ષ પછી ગાય કરતાં ડુક્કરની સંખ્યા વધુ હશે.’’

ધર્મસંસદના ઇતિહાસની વાત કરીએ તો પ્રાચીન કાળથી હિન્દુ ધર્મગુરુઓ ભેગા થઇને સનાતન ધર્મ પાળતા સમાજને માર્ગદર્શન આપતા હતા, જેને ધર્મસંસદના નામે ઓળખવામાં આવતું હતું. આ ધર્મસંસદને રાજકીય રંગ આપવાનો પ્રારંભ ૧૯૮૪ માં વિશ્વ હિન્દુ પરિષદે કર્યો. તેણે નવી દિલ્હીમાં યોજેલી પહેલી ધર્મસંસદમાં રામ જન્મભૂમિની મુક્તિ માટે દેશવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસંસદ તેના માર્ગદર્શક મંડળ દ્વારા યોજવામાં આવે છે, જેમાં ભારતભરના ૬૫ મુખ્ય સંતોનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અત્યાર સુધીમાં ૧૭ ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની છેલ્લી ધર્મસંસદ ૨૦૧૯ માં હરિદ્વારમાં મળી હતી, જેમાં મંદિરોને સરકારના નિયંત્રણથી મુક્ત કરવાનો ઠરાવ થયો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top