એક સંસ્કારી કુટુંબ, દાન ,ધર્મ, પૂજા-પાઠના સંસ્કારથી ભરેલું વાતાવરણ… નાનપણથી જ ઘરમાં બધાને જ આ સંસ્કાર આપવામાં આવતા હતા.ઘરનો સૌથી નાનકડો સભ્ય છ વર્ષનો શ્યામ…તેના દાદા-દાદી અને માતા-પિતાએ તેને નાનપણથી સારા સંસ્કાર આપ્યા હતા.પૂજા પાઠ શ્લોક અને પ્રસાદનું મહત્ત્વ સમજાવ્યું હતું અને સાથે સાથે લોકોની સેવા અને દાનનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું અને બધાને શ્યામના સંસ્કાર પર ખૂબ જ વિશ્વાસ અને ગર્વ હતો.
એક દિવસ શ્યામના પિતાએ શ્યામને બોલાવ્યો અને તેના એક હાથમાં એક રૂપિયાનો સિક્કો અને બીજા હાથમાં દસ રૂપિયાનો સિક્કો આપ્યો અને તેને કહ્યું, ‘આપણે આજે સાંજે મંદિરમાં જઈએ ત્યારે તને જે સિક્કો દાનમાં આપવો હોય તો આપજે અને બીજો સિક્કો તું તારા માટે રાખી લેજે.’ પિતાના મનમાં વિશ્વાસ હતો અને પૂરેપૂરી આશા હતી કે શ્યામ દસ રૂપિયાનો જ સિક્કો દાનમાં આપશે કારણ કે તેમણે નાનપણથી જ તેનો ઉછેર સારા સંસ્કાર રોપીને કર્યો હતો.
સાંજે શ્યામ અને તેના પિતા મંદિરમાં ગયા,દર્શન કર્યા, આરતી કરી અને પછી પિતાજીએ શ્યામને કહ્યું, દાનપેટીમાં જઈને તારે જે સિક્કો દાનમાં આપવો હોય તે આપી દે.હું બહાર તારી રાહ જોઉં છું.શ્યામ દાનપેટી પાસે જઈને એક સિક્કો નાખીને બહાર પિતાજી પાસે આવ્યો.
પિતાજી જાણવા આતુર હતા કે શ્યામે કયો સિક્કો દાનપેટીમાં નાખ્યો હશે.તેમણે તરત જ શ્યામને પૂછ્યું, ‘દીકરા તેં શું કર્યું? કયો સિક્કો દાનમાં આપ્યો?’ શ્યામે ભોળા ભાવે દસનો સિક્કો બતાવતા કબૂલ કર્યું, ‘પિતાજી, મેં એક રૂપિયાનો સિક્કો દાનપેટીમાં નાખ્યો અને દસનો સિક્કો મારી પાસે રાખ્યો છે.’
પિતાજીને આ ન ગમ્યું. તેઓ પૂછી બેઠા, ‘દીકરા અમે તને દાન ધર્મના સંસ્કાર આપ્યા છે છતાં તેં આમ કેમ કર્યું?’ શ્યામે કહ્યું, ‘હા પિતાજી, મને તમારા સંસ્કાર અને બધી શીખ યાદ છે.ગઈ કાલે જ દાદી જોડે સત્સંગમાં ગયો હતો ત્યાં પંડિતજી સમજાવતા હતા કે ભગવાનને ‘આનંદ આપનાર’ ગમે છે.
તમે દાનમાં જે આપો થોડું કે વધારે પણ પૂરા મનથી અને આનંદથી આપો..પ્રેમથી આપો અને એટલે પિતાજી મેં એક રૂપિયાનો સિક્કો પૂરા મન અને ખુશીપૂર્વક દાનપેટીમાં આપ્યો છે અને દસ રૂપિયા મારા પોતાના માટે રાખ્યા છે.’ પિતાજી મનમાં સમજ્યા કે નાનકડા શ્યામની વાત સાચી હતી કે જે કંઈ દાનમાં આપો તે પરાણે કે દુઃખી કે કચવાતા મનથી નહિ, પણ પ્રેમથી અને આનંદથી આપવું જરૂરી છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.