હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. પાણીના અભાવે અનેક મૂંગા જીવો તરફડીને ડી-હાઇડ્રેશનનો શિકાર બને છે. જેમાં વન્ય જીવોનું પ્રમાણ વધુ હોય છે. કેન્યાના નેશનલ પાર્કમાં જૂનથી ડિસેમ્બર સુધી દુકાળ જેવી સ્થિતિ હોય છે. લાખોની સંખ્યામાં પ્રાણીઓ પાણીની શોધમાં હજારો કિલોમીટરની સફર ખેડે છે. પેટ્રીક નામની એક કેન્યન વ્યકિત આ નેશનલ પાર્કની મુલાકાત લે છે. ત્યારે એક અલમસ્ત હાથી એની સામે જ તરફડીને મૃત્યુ પામે છે. પેટ્રીક આ દ્રશ્ય જોઇને દ્રવી ઊઠે છે. એને વિચાર આવે છે કે હું તો મારી કીડનીની બિમારીને લીધે મરીશ. પણ અહીં તો હટ્ટા કટ્ટા પ્રાણીઓ પાણીના અભાવે મરી રહ્યાં છે. એ તરત શહેરમાં પાછો ફરી ભંડોળ એકત્ર કરવાનું કાર્ય કરે છે.
જે ફાળામાંથી એક ભાડાનું ટેન્કર લાવી જેમાં પાણી ભરીને સાડા ત્રણ કલાકની સફર ખેડી આ જંગલમાં આવે છે અને એક વિશાળ ખાડામાં ત્રણસો ગેલન પાણી ઠાલવી નાંખે છે. પાણી જોઇને પ્રાણીઓ ગેલમાં આવી જાય છે. પાણીથી તૃપ્ત થયા પછી એક જંગલી ભેંસ ધીમી ગતિએ પેટ્રીકની પાસે આવતી નજર આવે છે. મોટા શીંગડા જોઇ પેટ્રીક ડરી જાય છે પણ તે તો આવીને પેટ્રીકને ચાટવા લાગે છે. અલબત્ત પેટ્રીકનો આભાર વ્યકત કરે છે. હાલ પેટ્રીક પાસે ત્રણ ટેંકર છે. ટેંકરનો અવાજ આ જંગલનો ધબકાર છે. વાડા, સિમાડાનું વેર ભૂલી પ્રાણીઓ પાણી પીને પોતપોતાને રસ્તે પડે છે. કેન્યન પ્રજા માંસાહારી હોવા છતાં આટલો દયાભાવ રાખતી હોય તો આપણે તો જીવદયાવાળા છીએ. આપણી આસપાસ આવા અનેક અબોલ પશુપક્ષી આપણી પાસે અપેક્ષાની નજરે જોતા હોય છે. તો આપણું કર્તવ્ય બને છે કે આપણે કમસેકમ પાણીની તો વ્યવસ્થા કરી શકીએ. પાણીના કૂંડા અથવા બીજાં પાત્રોમાં પાણી ભરીને મૂકીશું તો અનેક જીવોના આશીર્વાદ મળશે.
સુરત – રેખા એમ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.