સુનિલ બર્મને તેમના ચર્ચાપત્રમાં બહુ સચોટ વાતો કરી છે. દારૂબંધી અમલમાં છે એ ગુજરાતમાં પોલીસો અને નેતાઓ પણ દારૂ પીને છાકટા બની ઉત્પાત મચાવતા પકડાયા છે પણ કોઇને કંઇ થતું નથી. બુટલેગરો પોલીસ પર હુમલા કરે તો ય કોઇ બુટલેગરને સજા થતી હોવાનું જાણ્યું નથી. કયાંથી થાય? બંને વચ્ચેની સાંઠગાંઠ જાણીતી છે. રાજયમાં પરમિટ હોલ્ડરો દારૂ ખરીદવાને હકદાર છે પણ દારૂની કિંમત એટલી ભયંકર હોય છે કે પરમિટ હોલ્ડર બુટલેગર પાસેથી દારૂ બિયર ખરીદી લે છે. દારૂની પરમિટ લેવા માટે ભ્રષ્ટાચારના શિખર ચડવા પડે એવી હાલત છે અને આપણે કહીએ છીએ ગુજરાતમાં કલ્યાણરાજ હોવાથી દારૂબંધી છે અને દારૂબંધી હોવાથી લોકોનું કલ્યાણ થયું છે જે લોકો દારૂ નથી પીવાના તે નથી પીવાના પણ દારૂના નામે દારૂબંધીના રાજમાં ઝેર વેચાય છે એનાથી મોટી કરુણતા શું હોઇ શકે? અને ગુજરાતમાં દારૂબંધી છે છતાં એક મોજણી કરો તો ખબર પડે કે ગુજરાતમાં કોણ દારૂ પીતું નથી. ખેત મજૂરોથી માંડીને નેતાઓ સુધી બધા જ દારૂ પીએ છે. અલબત્ત પોતાને પરવડે છે તેવો. ગુજરાત રાજયની સ્થાપના થયાને બાસઠ વર્ષ થયાં. હવે તો દારૂબંધીનો દંભ છોડો! દારૂબંધીના આગ્રહી ગાંધીજીને સત્ય, અહિંસા અને કોમી એકતાનો નશો હતો.
વરાછા, સુરત- અજય એન. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દારૂબંધીનો દંભ હવે તો છોડો!
By
Posted on