જે શહેરમાં તાપી નદી વહે છે એ સુરત એક ઐતિહાસિક શહેર છે. સમગ્ર એશિયામાં સૌથી વધુ ઝડપથી સુરત શહેરનો વિકાસ થયો છે અને થઇ રહ્યો છે. આજે તો સુરત ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે. સુરતનું જમણ અને કાશીનું મરણ ખૂબ જ પ્રસિધ્ધ પામેલ હકીકત છે. છેલ્લાં 25-30 વર્ષોમાં વિસ્તારની દ્રષ્ટિએ પણ સુરત ઘણું જ મોટું થયું છે. આજે સુરતની નોંધ વિશ્વ કક્ષાએ લેવાય છે. એક સમયનું ગંદુ ગોબરું સુરત હવે રહ્યું નથી. પરંતુ આજે સુરત સ્વચ્છ સુરત, સુંદર સુરતની પ્રતીતિ થાય છે.
સુરતમાં કવિ નર્મદ જેવી મહાન વ્યકિતએ પણ જન્મ લીધો હતો અને મહાન વ્યકિત નર્મદના નામ પર સુરતમાં કવિ નર્મદ લાયબ્રેરી તેમજ નર્મદ યુનિવર્સિટી અસ્તિત્વમાં છે. તેમ જ નંદશંકર મહેતા, ધનસુખલાલ મહેતા, ચં.ચી. મહેતા, જયોતીન્દ્ર દવે, ગની દહીંવાલા, ભગવતીકુમાર શર્મા, હાસ્ય કલાકાર દાસબહાદુર વાઇવાલા, રતિલાલ ‘અનિલ’ જેવા કવિ, લેખક, પત્રકાર જેવા રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા છે તેમજ સ્વ. કાશીરામ રાણા જેવા રાજકારણી સાંસદ બની કેન્દ્રમાં પ્રધાનપદ સુધી પહોંચી સુરતનું ગૌરવ વધાર્યું છે. એક સમયનું શાંત અને લહેરીલાલા સુરતીઓ તરીકે જાણીતું હતું. પરંતુ સુરતમાં અન્ય રાજયોમાંથી આવતા અવિરત લોકોના પ્રવાહના કારણે અનેક સમસ્યા સર્જાવાને કારણે સુરતમાં તોફાનો પણ ઘણાં થયાં છે. પછી એ અનિચ્છનીય બનાવો માનવસર્જીત હોય કે કુદરતી હોય, પરંતુ એ બધી સમસ્યાઓમાંથી પણ સુરત ખૂબ જ મક્કમતાથી અને દૃઢતાથી પુન: બેઠું થયું છે.
સુરત મ્યુ. દેશની સૌથી વધુ સમૃધ્ધ મ્યુનિ. છે. સુરત મહાનગરપાલિકાએ આ કોરોના મહામારી સમાપ્ત થયા પછી પ્રજાને સુરતનાં દર્શન થાય તે માટે રાહત દરે સુરત દર્શન બસની વ્યવસ્થા કરવી જોઇએ. તેમજ રેલવે સ્ટેશન સામે જ એક અદ્યતન બ્લડ બેંકની સ્થાપના કરવી જોઇએ. સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને અપડેટ કરવાની તાતી જરૂર છે. સુરતમાં અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર છે તો સુરતને પણ આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ મેચની ભેટ આપવી જોઇએ. સુરતમાં શાંતિ જળવાઈ રહે તે માટે મર્યાદામાં રહીને દરેકે પોતાનો ફાળો આપવો જોઇએ. તલિયારા – હિરેશ એસ. દેસાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.