Sports

કોચે ઈશારો કરતાં જ અફઘાનિસ્તાનનો ખેલાડી મેદાનમાં ઊંધો પડ્યો, ક્રિકેટમાં પહેલીવાર જોવા મળ્યો આવો ડ્રામા

નવી દિલ્હી: અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની સુપર 8 મેચમાં કોઈ ખેલાડીએ ક્રિકેટના મેદાન પર ઈજાગ્રસ્ત હોવાનો ડોળ કર્યો હતો. જેન્ટલમેન ગેમ ક્રિકેટમાં કોઈ ખેલાડીએ ખોટો ડ્રામા કર્યો હોવાનો સંભવત: પહેલો કિસ્સો બન્યો હતો. અફઘાનિસ્તાનના ખેલાડી ગુલબદ્દીન નાયબે કોચ જોનાથન ટ્રોટની સૂચના બાદ કંઈક એવું કર્યું કે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ મેદાન પર આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. હવે લોકો કહી રહ્યાં છે કે આ ખેલાડીને તો ઓસ્કાર એવોર્ડ મળવો જોઈએ.

અફઘાનિસ્તાનનો ખેલાડી ગુલબદ્દીન નાયબ સોશિયલ મીડિયા પર હાલમાં ટ્રેન્ડ થઈ રહ્યો છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે પોતાના ખેલાડીઓને ધીમેથી રમવાનો સંકેત આપ્યો હતો, જેથી વરસાદ પડે તો ડીએલએસના નિયમોનો તેમની ટીમને ફાયદો મળે.

ટ્રોટની સૂચના મળતા જ ગુલબદ્દીન નાયબે એવો ડ્રામા કર્યો કે ક્રિકેટના મોટા ખેલાડીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પૂર્વ ક્રિકેટરોએ ખૂબ જ નાટકીય રીતે પીઠ પર પડી ગયેલા ગુલબદીન વિશે સવાલો ઉઠાવ્યા છે કે શું તે ખરેખર પીડામાં હતો.

25 જૂને બાંગ્લાદેશ સામેની મેચમાં સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા નાયબે 12મી ઓવરમાં પગના સ્નાયુ ખેંચાયા હોવાની ફરિયાદ કરી હતી. ગુલબદ્દીને અગાઉ ટ્રોટ કેમેરા પર તેના ખેલાડીઓને રમતની ગતિ ધીમી કરવા સૂચના આપતા જોવા મળ્યા હતા. કારણ કે જ્યારે વરસાદે રમતમાં વિક્ષેપ પાડ્યો ત્યારે તેની ટીમ ડકવર્થ-લુઈસ સિસ્ટમ હેઠળ 2 રનથી આગળ હતી.

જો વરસાદના કારણે મેચ રદ્દ થઈ હોત તો અફઘાનિસ્તાનની ટીમ 2 રને જીતી ગઈ હોત. આ જોઈને વિકેટ પર હાજર બાંગ્લાદેશી બેટ્સમેન લિટન દાસ પણ હસવા લાગ્યો અને ગુલબદિનની નકલ કરવા લાગ્યો. બાદમાં નાયબ અફઘાન ખેલાડી નવીન ઉલ હક અને અન્ય સાથે મેદાનની બહાર ગયો હતો. જો કે અફઘાનિસ્તાનની ટીમ જીતી ત્યારે ગુલબદ્દીન નાયબ ભાગતો જોવા મળ્યો હતો.

આ સુપર 8 મેચ વરસાદને કારણે ઘણી વખત વિક્ષેપિત થઈ હતી. તે સમયે બાંગ્લાદેશનો સ્કોર સાત વિકેટે 81 રન હતો અને તે 19 ઓવરમાં 114 રનના સુધારેલા લક્ષ્યાંકથી બે રન પાછળ હતી. અફઘાનિસ્તાને 8 રનથી જીત મેળવીને પ્રથમ વખત વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

સિમોન ડોલે કોમેન્ટ્રી કરતા કહ્યું કે, કોચ ધીમું રમવાનો સંદેશ આપી રહ્યા છે અને અચાનક પ્રથમ સ્લિપમાં ઊભેલો ખેલાડી કોઈ કારણ વગર પડી જાય, આ અસ્વીકાર્ય છે. જ્યારે ઝિમ્બાબ્વેના કોમેન્ટેટર પોમી મ્બાન્ગ્વાએ કહ્યું, ઓસ્કાર એવોર્ડ કે એમી એવોર્ડ.

Most Popular

To Top