હાલમાં દ.ગુજરાત વીજ કંપની દ્વારા ખેતીવાડીને 8(આઠ) કલાક વીજળી આપવાનું સ્વીકાર્યું હોવા છતાં પૂરા આઠ કલાક વીજળી આપતી નથી. કોઈ દિવસ 6 (છ કલાક) કોઈ દિવસ ફક્ત પાંચ કલાક જ વીજળી મળે છે અને સમય પણ મળસ્કે 4 થી બપોરે 12 કલાક સુધી અને બીજા સેશનમાં બપોરે 12 થી રાત્રે 8 (આઠ) વાગ્યા સુધી વીજળી આપવાનું સ્વીકાર્યું હતું. પરંતુ પૂરા આઠ કલાક વીજળી ખેડૂતોને મળતી નથી. ખરી વાત તો એ છે કે આ સમય ખેડૂતો માટે અટપટો રહ્યો છે. આ સમયે ખેડૂતો વાડી-ખેતરે જઈને સિંચાઈ કરી શકે નહીં. સિંચાઈ કરવા માટે આ કસમયે માણસ પણ મળવા મુશ્કેલ છે. તેમાં પણ વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા અને કયા દિવસે કેટલા કલાક વીજળી મળશે તે પણ કાંઈ નક્કી હોતું નથી.
તો વીજ કંપનીને વિનંતી છે કે અગાઉ જે વીજળી ખેતીવાડીને આપવાનો સમય હતો તે જ સમય સવારે જ થ્રી-ફેસ વીજળી આપવી જોઈએ. સવારે 9:00 (નવ કલાક)થી પાંચ કલાક સુધી પૂરા આઠ કલાક વીજળી પૂરી પાડવી જોઈએ. ઉનાળુ પાક, શાકભાજી, ઘાસચારા, ડાંગર માટે પણ થ્રી ફેસ વીજળીની જરૂર હોય દ.ગુ. વીજ કંપનીએ દિવસ દરમ્યાન જ પૂરા આઠ કલાક વીજળી ખેડૂતોને એકધારી પૂરી પાડવી જોઈએ એ સૌ કોઈના લાભમાં રહેશે. આશા છે કે ગુજરાત સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય કરી ખેડૂતોને સવારથી જ દિવસ દરમ્યાન જ થ્રી-ફેસથી વીજળી આપશે.
તલિયારા,જિ.નવસારી – હિતેશ દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.