દેશ આઝાદ થયો ત્યારથી પોલીસ સરકાર માઈબાપની ચોવીસ કલાક ગુલામ છે. સરકારની તાબેદાર છે. સરકારના એક હુકમથી પોલીસ કડકડતી ઠંડીમાં કે ધોધમાર વરસાદમાં બિનચૂક બંદોબસ્તમાં હાજર થઈ જાય છે. ઉપરી અધિકારીના હુકમ વગર બંદોબસ્તનો પોઈન્ટ છોડતા નથી. ભૂખે તરસે ફરજ બજાવે છે. ત્યારે પોલીસને શા માટે રીબાવો છો? પોલીસ ખાતાના માણસ જેટલુ કામ બીજા કોઈ ખાતાનો માણસ કરતો નથી છતાં તેઓ ડબલ પગાર ભથ્થા મેળવે છે. ચૂંટણીમાં પોલીસ ખડેપગે બોત્તેર કલાક સુધી એકધારી નાહ્યા-ધોયા વગર ભુખેપેટે ફરજ બજાવે છે. જેની કોઈએ નોંધ લીધી છે? ચૂંટણી પત્યા બાદ કોઈ ધારાસભ્યએ પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારીનું જાહેર સન્માન કર્યું છે?અમો જ્યારે પોલીસમાં હતા ત્યારે ગુજરાતના એક આદિવાસી વિસ્તારની ચૂંટણી બંદોબસ્તના કામે ગયેલા ત્યારે તે ગામમાં ખાવાનું તો શું પીવાનું ચોખ્ખુ પાણી પણ ઉપલબ્ધ ન હતુ. અમોએ જાતે કૂવામાંથી પાણી કાઢેલ અને છ જણના સ્ટાફ માટે જાતે ચુલા પર ખીચડી બનાવેલ. ગામના સરપંચની સિ્થિતિ ચિથરેહાલ અને દયનીય હતી. સરકાર પોલીસની આ બીજી બાજુને કેમ નથી જોતી?
રાજકોટ – ગજાનન વાઘ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.