SURAT

સુરતની ફાઈવસ્ટાર હોટલનો શૈફ પ્રેમિકા સાથે ‘ઈલુ ઈલુ’ કરી ભાગી ગયો

સુરત(Surat): ભોળી યુવતીઓને (Young Girl) લગ્નનું વચન આપી પ્રેમજાળમાં ફસાવી તેઓના ભોળપણનો ગેરલાભ ઉઠાવવામાં આવતા હોવાના અનેક બનાવો આસપાસ બની રહ્યાં છે, ત્યારે આવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. અહીં કારકિર્દી બનાવવા માટે ઘરની બહાર નીકળેલી શિક્ષીત યુવતીને લગ્નનું વચન આપી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ દગાબાજ પ્રેમી તેને છોડીને ભાગી છૂટ્યો છે. જોકે, પ્રેમીકાએ રડતા બેસી રહેવાના બદલે દગાબાજ પ્રેમીને સબક શીખવાડવાનો રસ્તો અપનાવ્યો છે. લગ્નનું વચન આપી શારીરિક અડપલાં કરનાર પ્રેમી વિરુદ્ધ યુવતીએ સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • લગ્નનું વચન આપી શારીરિક અડપલાં કર્યા બાદ પ્રેમીકાને તરછોડી દેનાર દગાબાજ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
  • સુરતની મેરીયટ હોટલના કિચનના શૈફ વિરુદ્ધ પ્રેમીકાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના સમસ્તીપુરની અને સુરતના છાપરાભાઠામાં રહેતી આર્ટ્સ ગ્રેજ્યુએટ 30 વર્ષીય યુવતી 2020માં દિલ્લી ગેટ ખાતે આવેલી લોર્ડઝ પ્લાઝા હોટલમાં (Lords Plaza Hotel) હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવા જોડાઈ હતી. હોટલ મેનેજમેન્ટ તરફથી યુવતીને પીપલોદની ધી મેરીયટ ઈન્ટરનેશનલ હોટલ (The Marriott International Hotel) ખાતે ટ્રેનિંગ માટે 14-8-2021ના રોજ મોકલવામાં આવી હતી. અહીં કિચન ડિપાર્ટમેન્ટમાં તેની મુલાકાત શૈફ અંજુમ શર્મા (રહે. રાધેનગર સોસા., પારલે પોઈન્ટ, સુરત મૂળ જયપુર રાજસ્થાન) સાથે થઈ હતી. રસોઈની ટ્રેનિંગ દરમિયાન અંજુમ શર્માએ મીઠી મીઠી વાતો કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ લગ્નનું વચન આપી રૂમ પર જઈ શારીરિક અડપલાં કરી શારીરિક સંબંધની માંગણી કરી હતી. જોકે, લગ્ન પહેલાં શારીરિક સંબંધનો યુવતીએ ઈનકાર કર્યો હતો. તે વારંવાર સંબંધ બાંધવા માગ કરતો પણ યુવતીએ ચોખ્ખી ના પાડી દીધી હતી.

દરમિયાન એપ્રિલ 2022માં અંજુમ શર્માએ અચાનક વર્તન બદલી તારા લીધે મારું કરિયર ખરાબ થાય છે હું રાજીનામું આપીને રાજસ્થાન જતો રહીશ, હું તારી સાથે લગ્ન નહીં કરું તેવું કહ્યું હતું અને ત્યાર બાદ યુવતીનો મોબાઈલ બ્લોક કરી વતન જતો રહ્યો હતો. લગ્નનું વચન આપીને છાતીના ભાગે શારીરિક અડપલાં કરનાર દગાબાજ પ્રેમી વિરુદ્ધ યુવતીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top