Dakshin Gujarat

ગણદેવીમાં પડોશી સાથે વાત કરવાની ના પાડતા લીવ ઇનમાં રહેતી પ્રેમિકાએ આપઘાત કરી લીધો

બીલીમોરા : ગણદેવી સુગર ફેક્ટરીની હમાલ ચાલમાં લીવ ઇનમાં રહેતી પ્રેમિકાને પડોશી સાથે વાત કરવાની ના પાડતા મનદુઃખને પગલે પ્રેમિકાએ જીવન ટૂંકાવી લીધુ હતુ. જેમાં તેના એક વર્ષના પુત્રએ મા ની છાત્રછાયા ગુમાવી હતી.

ગણદેવી સુગર ફેક્ટરીમાં મજૂરી કામ કરીને સુગરની હમાલ ચાલમાં લીવ ઇન રિલેશનશિપમાં મધ્યપ્રદેશનાં બૈતુલ જિલ્લાનાં ગુલ્લર ઢાણા ગામનાં વતની અજય ગનાજી ભુસુમકર (૨૭) અને પ્રેમિકા ગાયત્રી જોલાંગ ચૌહાણ (૧૯) રહેતા હતા. તેમને એક વર્ષનો પુત્ર છે. ગાયત્રી તેમની પડોશમાં રહેતા રમેશ નામના યુવાન સાથે વાત કરતી જોતા અજયે તેને ઠપકો આપ્યો હતો. અને વાત ન કરવાનું કહ્યું હતું. જેનું ગાયત્રીને મનમાં માઠું લાગી આવ્યું હતું. અને ઘરમાં એકલી હતી ત્યારે સવારે હમાલ ચાલની રૂમના પતરાની સાથે લોખંડના સળીયા સાથે દુપટ્ટો બાંધી તેનો ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. અજય બપોરે ઘરે આવ્યો ત્યારે ગાયત્રીની લાશ લટકતી જોઈ હતી અને અડોશીપડોશીને જણાવતા તેઓ દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી.

ગણદેવીના કાછીયાવાડીમાં ઝાડ પરથી લપસેલા શ્રમજીવીને ફાંસો લાગી ગયો
નવસારી, બીલીમોરા: નવસારીના ગણદેવી ગામે ચીકુની વાડીમાં ઝાડ ઉપર કામ કરી રહેલા શ્રમજીવીનો પગ લપસી જતાં તેનું ગળું પ્લાસ્ટિકની દોરીમાં ભેરવાઈ જતાં તેનું ભેદી સંજોગોમાં મોત નીપજ્યું હતું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલા પીઠાદરા ગામના ઘોડિયા ફળિયામાં રહેતો શ્રમજીવી યુવાન પ્રકાશ બાબલુભાઈ ભીલ (ઉં.વ.27) ગણદેવીના કાછીયાવાડી ખાતે દિનેશ બાનુભાઈ સગરની ચીકુવાડીમાં રહીને મજૂરી કામ કરતો હતો. ગુરુવારે સવારે પ્રકાશ ભીલ વાડીમાં ચીકુના ઝાડ ઉપર ચડીને કામ કરતો હતો, તે દરમિયાન તેનો પગ લપસી જતાં તેનું સંતુલન ખોરવાતા ઝાડ ઉપરથી નીચે પડતા ચીકુ ઉતારવા માટે બાંધેલી પ્લાસ્ટિકની દોરીમાં તેનું ગળું ફસાઈ જતાં તેને ફાસો લાગી ગયો હતો. જેને અન્ય શ્રમજીવીઓએ જોતા તેને તુરંત નીચે ઉતારી બેભાન હાલતમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રકાશ ભીલનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતી નોંધ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશ્વર્યજનક મોત થતાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.

Most Popular

To Top