National

બેંગલુરુના PG માં બનેલી ઘટના: ગર્લફ્રેન્ડે વાત ન કરી તો તેની મિત્રની હત્યા કરી નાંખી

બેંગલુરુના કોરમંગલામાં પીજી હોસ્ટેલમાં બિહારની એક યુવતીની ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાની પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસે હત્યાના આરોપમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા અભિષેક નામના યુવકની ધરપકડ કરી છે. 23મી જુલાઈના રોજ થયેલી આ ઘૃણાસ્પદ હત્યાનો સીસીટીવી વીડિયો પોલીસે જાહેર કર્યો હતો. આ વાયરલ થયા બાદ બેંગ્લોર પોલીસે મોડી રાત્રે અભિષેકની ભોપાલથી ધરપકડ કરી હતી. આરોપી અભિષેક અને મૃતક કીર્તિ પહેલા સારા મિત્રો હતા. અભિષેક કીર્તિની મિત્ર રાજપાલી સાથે રિલેશનશિપમાં હતો. પરંતુ બાદમાં રાજપાલીએ અભિષેકથી અલગ થવાનો નિર્ણય કર્યો જેમાં કીર્તિએ તેને મદદ કરી. આ વાતને લઈને આરોપી અભિષેક કીર્તિ પર ગુસ્સે થઈ ગયો અને તેણે આ ઘૃણાસ્પદ હત્યાને અંજામ આપ્યો.

ભોપાલ પોલીસના જણાવ્યા અનુસાર બેંગલુરુના કોરમંગલામાં પીજી હોસ્ટેલમાં રહેતી 24 વર્ષની કીર્તિ કુમારી મૂળ બિહારની હતી. તેણીએ એમબીએ કર્યું હતું અને બેંગ્લોરમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. આરોપી અભિષેકે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે બેંગ્લોરમાં કામ કરતી વખતે તે મહારાષ્ટ્રની રહેવાસી કીર્તિની મિત્ર રાજપાલીના સંપર્કમાં આવ્યો હતો. આ પછી બંને મિત્રો બન્યા અને પછી તેઓ રિલેશનશિપમાં બંધાઈ ગયા. થોડો સમય રિલેશનશિપમાં રહ્યા બાદ બંને વચ્ચે અણબનાવ થયો અને રાજપાલીએ અભિષેકથી અલગ થવાનો નિર્ણય કર્યો.

ભોપાલ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કાર્તિની મિત્ર રાજપાલી અભિષેકથી અલગ થવા માંગતી હતી. તેણે તેની મિત્ર કીર્તિ પાસે આ અંગે મદદ માંગી હતી. કીર્તિએ રાજપાલીને નવી પીજી હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં મદદ કરી હતી. આ પછી બંનેએ અભિષેકના કોલ રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. રાજપાલીનું અલગ થવું અને કીર્તિ તેની મદદ કરે તે અભિષેકને પસંદ નહોતું અને તે આ વાતને લઈને કીર્તિ પર ગુસ્સે થઈ ગયો.

23મી જુલાઈના રોજ હોસ્ટેલમાં શું બન્યું હતું
23 જુલાઈના રોજ આરોપી અભિષેક કીર્તિની પીજી હોસ્ટેલમાં પહોંચ્યો અને તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી. આરોપની આ હરકત હોસ્ટેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં આરોપી બેગ લઈને હોસ્ટેલમાં જતો જોવા મળે છે. તે હોસ્ટેલના ત્રીજા માળે સ્થિત પીડિતાના રૂમની બહાર પહોંચે છે અને દરવાજો ખખડાવે છે. થોડી વાર પછી રૂમનો દરવાજો ખુલે છે અને તે કીર્તિને બહાર કોરિડોરમાં ખેંચે છે. આ પછી બંને વચ્ચે ઝપાઝપી થાય છે. કીર્તિને પકડી લીધા પછી તે તેની ગરદન પર છરી વડે હુમલો કરે છે અને પછી વારંવાર તેના પર હુમલો કરે છે. કીર્તિ મદદ માટે બૂમો પાડતી રહે છે, પરંતુ હોસ્ટેલમાં રહેતી અન્ય છોકરીઓ પોતપોતાના દરવાજે ઊભી રહીને આ બધું જોતી રહે પણ તેની મદદ કરવા કોઈ આગળ આવતું નથી. આ પછી આરોપી યુવક અભિષેક ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે.

બેંગ્લોર પોલીસે આ કેસની તપાસ કરવા અને આરોપીઓની ધરપકડ કરવા માટે ત્રણ વિશેષ ટીમો બનાવી હતી. શુક્રવારે મોડી રાત્રે એક ટીમ ભોપાલ પહોંચી અને આરોપી અભિષેકની ધરપકડ કરી. અભિષેક મૂળ કયા જિલ્લાનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. એવું કહેવાય છે કે તેણે ભોપાલમાં અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તે કામ કરવા બેંગ્લોર ગયો હતો.

Most Popular

To Top