ગીર-સોમનાથ: ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદની (Heavy Rain) આગાહી અનુસાર ગીર-સોમનાથ (Gir Somnath) જિલ્લામાં મેઘરાજા મૂશળધાર વરસ્યા હતા. ગત રાત્રિથી લઈને સવાર સુધીમાં 2થી 5 ઈંચ વરસાદ વરસી જતા કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તો કેટલીક નદીમાં (River) ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગો ઉપર ઠેર-ઠેર પાણી ફરી વળ્યાં હતાં. તેમજ હિરણ-2 ડેમ 90 ટકા ભરાઈ જતા ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે વરસાદે દિવસે વિરામ લીધા બાદ મોડી રાત્રે ફરીથી શરૂ થયો હતો. જિલ્લામાં વેરાવળ-સોમનાથમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તેમજ સુત્રાપાડામાં 4, તાલાલામાં 3 અને કોડીનાર, ઉના અને ગીર-ગઢડામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. દેવકા, સરસ્વતી અને હિરણ નદીમાં ઉપરવાસ વરસાદના પાણીની આવક થતા નદીમાં પૂર આવ્યું હતું.
વેરાવળ-સોમનાથમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં શહેરના ડભોર રોડ, તપેશ્વર મંદિર રોડ, સુભાષ રોડ, ગાંધીચોક રોડ, અમરદીપ ક્લિનિક રોડ, એસટીના રસ્તાઓમાં પાણી ભરાઈ જતાં નદીઓ વહેતી હોયે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ ઘણી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વેરાવળના આંબલિયાળા ગામમાંથી પસાર થતી દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીનું પાણી રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયું હતું. તેમજ ભેરાળા ગામમાં પણ પાણી ભરાઈ જતા ગ્રામજનોની પરિસ્થિતિ કફોડી બની હતી. નદીઓનું પાણી ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓ ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થયો હતો.ભારે વરસાદને પગલે શહેરના માર્ગે ઉપર ગટરો ઊભરાઈ જતાં દુર્ગંધ ફેલાઈ હતી.
ભારે વરસાદના કારણે વેરાવળ-સોમનાથ, તાલાલા અને સુત્રાપાડા ત્રણ તાલુકાના જીવાદોરી સમાન હિરણ-2 ઉમરેઠી ડેમમાં છેલ્લા 24 કલાકમાં 50 ટકાથી વધુ પાણીની આવક થતાં 90 ટકા ડેમ ભરાઈ ગયો હતો. તેથી તંત્રએ ડેમનું સ્ટોરેજ લેવલ જાળવવા 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. આ સાથે જ ડેમમાંથી પાણી છોડાયા બાદ ડેમની હેઠળ આવતા વેરાવળ અને તાલાલા તાલુકાના કુલ 13 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ત્યારે મેરીટાઇમ બોર્ડ દ્વારા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. દરિયામાં મોજા અને ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.