એક શેઠનો, વર્ષો જુના ઈમાનદાર મુનીમજી તીર્થયાત્રાએ જવા નીકળ્યા. શેઠે મુનીમજીને કહ્યું, ‘આ લો હજાર રૂપિયા મારા તરફથી પ્રભુના ચરણોમાં ભેટ ધરાવી દેજો. ’શેઠે હજાર રૂપિયા આપ્યા અને મુનીમજી હજાર રૂપિયા લઈને તીર્થયાત્રાએ ગયા. તીર્થ સ્થળે પહોંચ્યા ત્યાં મંદિરની બહાર એક ચોગાનમાં સંતજનો, તેમના શિષ્યો, ભાવિક ભક્તો બધા ભેગા મળીને ભાવથી હરી ભજન કરી રહ્યા હતા. કિર્તન કરતા કરતા તેમના હોઠ સુકાયા હતા. મુનીમ્જીએ તેમના માટે પાણી, ભોજન અને દૂધની વ્યવસ્થા કરી. આ બધામાં શેઠે આપેલા હજાર રૂપિયામાંથી ૯૯૦ રૂપિયા વપરાઈ ગયા. મુનીમજીઅે બધા ભક્તોને ભોજન કરાવ્યું અને પછી તેમની સાથે થોડો સત્સંગ કરી મંદીરમાં દર્શન કરવા ગયા.
મુનીમજીએ મંદીરમાં દર્શન કર્યા, ભાવથી શેઠને પણ યાદ કરી વંદન કરી, હાજર રૂપિયામાંથી બચેલા ૧૦ રૂપિયા શેઠ વતી ભગવાનને ભેટ ધરી દીધા. અને દર્શન કર્યા બાદ મુનીમજી પોતાને નગર જવા નીકળ્યા. આ બાજુ મુનીમજી તીર્થયાત્રા પરથી બીજે દિવસે પાછા પોતાને નગર પહોંચવાના હતા તે રાત્રે શેઠને સપનું આવ્યું અને સપનામાં તેમને ભગવાનના દર્શન થયા અને સ્વપ્નમાં પ્રભુએ શેઠને એમ જણાવ્યું કે તે ભેટ માટે મોકલેલા ૯૯૦ રૂપિયા મળી ગયા છે.
આ સપનું જોયા બાદ પહેલાં તો શેઠની ઊંઘ ઊડી ગઈ જે મુનીમજીએ આવું શું કામ કર્યું હશે શું કામ ભગવાનને ભેટમાં દસ રૂપિયા ઓછા ચઢાવ્યા હશે?? આમ તો તેઓ એકદમ ઈમાનદાર છે આવું કરે તો નહિ. શેઠ મુનીમજીની રાહ જોવા લાગ્યા અને જેવા બીજે દિવસે મુનીમજી આવ્યા ત્યારે શેઠજીએ પૂછ્યું, ‘મારા તરફથી ભેટ ધરાવી દીધી હતી ને?’મુનીમજીએ આખો બનાવ સમજાવતા કહ્યું, ‘શેઠજી મને માફ કરજો મેં ભગવાનને ૧૦ રૂપિયા જ ધરાવ્યા છે અને ૯૯૦ રૂપિયામાં ભગવાનના ભક્તો માટે પાણી, ભોજન અને દુધની વ્યવસ્થા કરી હતી.’
આ સાંભળી શેઠ અવાચક થઈ ગયા કે પ્રભુએ તેમના ભક્તો પાછળ વપરાયેલા પૈસા જ સ્વીકાર્યા છે. તેમનિ ઉભા થઈને મુનીમજી ના પગ પકડી લીધા અને પોતાના સપના વિષે વાત કરી અને આગળ કહ્યું, ‘તમે ધન્ય છો તમે હરિ ભક્તોની સેવાનું સારું કામ કર્યું અને તેનું ફળ મને અહીં બેઠા બેઠાં મળ્યું. તમારે લીધે મને અહીં રહીને હરિ દર્શનનો મોકો મળ્યો. ભગવાનને તમારા પૈસાની કોઈ આવશ્યકતા નથી પણ તેમના ભક્તો ,સંતો ,ગુરુજનોની સેવામાં આપણે જે પૈસા વાપરીએ છીએ તેને ભગવાન ચોક્કસ સ્વીકારે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
