Columns

અત્યાર સુધી ઉંઘતા રહેલા ગુલામ નબી આઝાદને હવે કાશ્મીરી પંડિતો યાદ આવ્યા

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આજે એક રેલીને સંબોધન કરીને કહ્યું હતું કે, મારી પાર્ટીનુ નામ હિન્દુસ્તાની હશે. એવુ નામ જે હિન્દુ, મુસ્લિમ, શિખ અને ઈસાઈ એમ તમામ લોકો સમજી શકે. તેમણે કહ્યુ હતુ કે, હું દિલ્હીમાં બેસીને તમારા માટે ફરમાન નહીં જાહેર કરુ.મારી પાસે પાર્ટીના નામને લઈને ઘણા પ્રસ્તાવો આવ્યા હતા પણ મારી પાર્ટીનુ નામ હિન્દુસ્તાની રહેશે અને તે બધા સમજી શકશે. આઝાદે કહ્યુ હતું કે, મારી વિધાનસભામાં ઉપરાજ્યપાલ નહીં પણ રાજ્યપાલ હશે. જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનુ મારુ પહેલુ કામ હશે.

જમ્મુ કાશ્મીરના યુવાઓને રાજ્યમાં રોજગાર મળે તે હું જોઈશ.કાશ્મીરી પંડિતોને ફરી ખીણમાં વસાવવાનો પણ મારો એજન્ડા છે. આઝાદે કહ્યુ હતુ કે, કાશ્મીરમાં પંડિતોનુ ટાર્ગેટ કિલિંગ બંધ થવુ જોઈએ.રોજગારીની તકો ઉભી કરવા માટે મારી પાસે ઘણી યોજનાઓ છે.જમ્મુ કાશ્મીરમાં પર્યટનની અઢળક તકો છે.જેટલા પણ નેતાઓ અને કાર્યકરો મારી સાથે જોડાયા છે તે સ્વેચ્છાએ જોડાયા છે.અમે રાજ્યમાં મહત્તમ રોજગારીની તકો ઉભી કરીશું અને આ જ અમારો એજન્ડા હશે. ગુલામ નબી આઝાદ કોંગ્રેસના એવા દિગ્ગજ નેતા હતા જે નામ પૂરતા જ દિગ્ગજ હતાં.

કારણ કે, વર્ષોથી તેઓ પોતે એક પણ ઇલેકશન જીતી શક્યા નથી કે, નથી કોંગ્રેસને જમ્મુ અને કાશ્મીરમાં બેઠી કરી શક્યાં. સમગ્ર દેશ જાણે છે કે, તેઓ કોંગ્રેસમાં હતાં ત્યાં સુધી કંઇ જ ઉકાળી શક્યા ન હતાં. તો હવે નવી પાર્ટી બનાવીને તેઓ શું કરી શકવાનાએ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ લોકોના મનમાં છે. વાત તેઓ પાર્ટી બનાવે કે નહીં બનાવે તેની નથી. વાત છે પોતાના જ વતનમાંથી હાંકી કઢાયેલા કાશ્મીરી પંડિતોની છે.

હવે આ ઉંમરે તેમણે કાશ્મીરી પંડિતોના નામે રાજકારણ રમવું જોઇએ નહીં. તો બીજી તરફ તેઓ જે પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યા છે તે કોંગ્રેસે આજે દિલ્હીના રામલીલા મેદાન ખાતે કોંગ્રેસ મોંઘવારી મામલે ‘હલ્લા બોલ’ રેલી યોજી હતી. મોંઘવારી વિરૂદ્ધની રેલીમાં સામેલ થવા માટે દેશભરના હજારો કોંગ્રેસી કાર્યકરો, કોંગ્રેસશાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચ્યા હતાં. રેલી પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટમાં તેઓ મોંઘવારી સામેના અવાજને જોડતા જશે અને રાજાએ સાંભળવું જ પડશે તેમ લખ્યું હતું.

આ રેલીમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરૂપયોગનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે ઈડી દ્વારા કરવામાં આવેલી 55 કલાકની પુછપરછનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેઓ ઈડીથી ડરતા નથી. 55 કલાક કે 5 વર્ષ સુધી પણ પુછપરછ કરવામાં આવશે તો પણ તેમને કોઈ ફરક નહીં પડે. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે UPA સરકાર દરમિયાન તેઓ 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા હતા. તેમણે ભોજનના અધિકાર, મનરેગા, દેવામાફીની યોજનાઓ દ્વારા તે સિદ્ધિ મેળવી હતી. સાથે જ મોદી સરકારે ફરી 23 કરોડ લોકોને ગરીબીમાં ધકેલ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે તેમણે 10 વર્ષમાં જે કામ કર્યું તેને ભાજપે 8 વર્ષમાં ખતમ કરી નાખ્યું. આ રેલીમાં રાહુલના આજે આકરા તેવર જોવા મળ્યાં હતાં જો કે, હવે 2024માં ભાજપનું મોદી મેજિક ચાલે છે કે, કોંગ્રેસનો મોંઘવારીનો મુદ્દો તે જોવું રહ્યું. તો બીજી તરફ ગુલામનબી આઝાદ, જ્યોતિર્રાદિત્ય સિંધિયા, કેપ્ટન અમરિંદનરસિંગ અને કપીલ સિબ્બલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને જવાબ આપવાનો હોય તે રીતે કોંગ્રેસના મોટા ગજાના તમામ નેતાઓ આ રેલીમાં જોવા મળ્યાં હતાં.

કોંગ્રેસ જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ સતત વધી રહેલી મોંઘવારીની વિરુદ્ધ આંદોલન કરી રહી છે અને તેની જ આગળની કડીમાં તે આજે વિશાળ રેલીનું આયોજન કરી રહી છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની સાથે દિલ્હી તથા આસપાસના રાજ્યોના લોકો મોટી સંખ્યામાં જોડાશે. તેમણે સામાન્ય લોકોને રાહત આપવા માટે મોંઘવારી રોકવા માટે તત્કાલિક પગલા લેવાની માંગ કરી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ જે ભારત જોડો આંદોલનની શરૂઆત કરી રહી છે તેની સામે ભાજપ પણ વળતા પ્રહાર કરે છે. ભાજપ પરિવાર તોડો આંદોલનની વાત કરી રહ્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે, જે રીતે બિહારમાં ભાજપને ધોબીપછાડ મળી છે તે જોતા અને જે રીતે વિપક્ષના સભ્યોને તોડવાની ભાજપની નિતી રહી છે તે જોતા આગામી દિવસોમાં વિપક્ષ પણ આક્રમક નહીં બને તો જ નવાઇ.

Most Popular

To Top