અમદાવાદ: કોરોના કાળ પછી આજે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સ્વચ્છ કરીને ત્રણેય રથને ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રથયાત્રા દરમિયાન મેઘરાજા વરસતા ભક્તો ભાવવિભોર બની ગયા છે. રથયાત્રામાં દર્શન કરવા આવેલા લોકો જય રણછોડ માખણ ચોરના નારા લગાવી રહ્યા છે. ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે રૂટ પર આગળ વધી રહી છે.
રથયાત્રામાં હાથી, ભજન મંડળીઓ, અખાડાઓ, શણગારેલી ટ્રક વગેરે આકર્ષણનું કેન્દ્ર હોય છે. શણગારેલી ટ્રકોમાં મનોરંજનકર્તા ટેબ્લો કરવામાં આવે છે. આ ટ્રકોમાંથી જ રથયાત્રાના રુટ પર દર્શન કરવા આવતાં ભાવિક ભક્તોને પ્રસાદમાં મગ, ખીચડો અને જાંબુ આપવાની પરંપરા છે.
મુખ્યમંત્રીએ રથયાત્રાની પ્રારંભ કરાવ્યો
રથયાત્રાના પાવન પર્વ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થતાં 145મી રથયાત્રા માટે પહિંદવિધિ કોણ કરશે તેને લઈને સવાલો ઉઠ્યા હતા. જોકે, ગુરુવારની મોડી રાત્રે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, 145મી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરીને ભગવાનના રથોને પ્રસ્થાન કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છે અને તેઓ જ પહિંદ વિધિ કરશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. જેથી આજે સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથયાત્રાની રસ્તો સાફ કરી ત્રણેય રથને દોરડા વડે ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.
રથયાત્રાને લઈને સરસપુર ખાતે ઉત્સવનો માહોલ
ભગવાનનું મોસાળ સરસપુર છે. ત્યાં પણ રથયાત્રાને લઈને ઉત્સવનો માહોલ જામ્યો છે. મોસાળમાં ભગવાનને આવકાર માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રથયાત્રા ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચે છે ત્યારે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. સરસપપુરમાં કુલ ૧૫ રસોડા તૈયાર કરાયા છે. બે લાખથી વધુ ભક્તો પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડીનું ભોજન લે તેવો અંદાજ છે. સરસપુરની જે પોળમાં જમણવાર થશે તેમાં મોટી સાળવી વાડ, લીમડા પોળ, કડીયા વાડ, ગાંધીની પોળ, વડવાળો વાસ, આંબલી વાડ, ઠાકોર વાસ, તળિયાની પોળ, પીપળા પોળ, લુહાર શેરીનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આખો રૂમ ભરાઇ જાય તેટલો બૂંદી-ફૂલવડીનો પ્રસાદ તૈયાર કરાયો છે.