ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક આવેલા કુડાસણમાં હવેલી કાફેમાં (Haveli Cafe) ચાલતાં ગેરકાયદે હુક્કાબાર (Hookah Bar) ઉપર ગાંધીનગર એસઓજીની ટીમે દરોડો પાડી ત્રણ આરોપીની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા પાડવામાં આવ્યો ત્યારે બે મહિલા સહિત ચાર લોકો હુક્કાની લિજ્જત માણી રહ્યાં હતાં.ગાંધીનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શિવાલય સરગાસન રોડ, શિવાલય ક્રોસ રોડ ખાતે આવેલા હવેલી કાફેમાં દરોડો પાડતાં ત્યાં ગેરકાયદે હુક્કાબાર ચાલતું હોવાનું મળી આવ્યું હતું, જેમાં બે યુવતી અને બે યુવક મળી કુલ ચાર વ્યક્તિ હુક્કાની લિજ્જત માણી રહ્યાં હતાં.
- એસઓજીની ટીમે દરોડો પાડી ત્રણ આરોપીની ધરપકડ કરી
- ગાંધીનગર નજીક આવેલા કુડાસણમાં હવેલી કાફેમાં દરોડા
- બે યુવક મળી કુલ ચાર વ્યક્તિ હુક્કાની લિજ્જત માણી રહ્યાં હતાં
હવેલી કાફેમાં દરોડો પાડતાં ત્યાં ગેરકાયદે હુક્કાબાર ચાલતું હોવાનું મળી આવ્યું
પોલીસે ગેરકાયદે હુક્કાબારમાં હાજર ક્રિપાલસિંહ સુરુભા વાઘેલા (રહે., સાણંદ), અસદહુસેન શાહઆલમ (રહે., હવેલીકાફેની ઓરડી) તથા આફતાબહુસેન અબ્દુલ કાદિર બડવૈયા (રહે., હવેલી કાફેની ઓરડીમાં)ની ધરપકડ કરી હતી. જ્યારે હવેલી કાફેના માલિક ભાર્ગવ પટેલ (રહે., કુડાસણ) તથા મુકુંદસિંહ વાઘેલા (રહે., લીંબોદરા) ગામની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
દરોડા દરમિયાન પોલીસે ત્રણ મોબાઈલ ફોન રૂ.20,000 રોકડા, અલગ અલગ ફ્લેવરનાં પેકેટ તથા ડબ્બા, છ નંગ હુક્કા, ત્રણ ચિનાઈ માટીની ચલમ, સાદી માટીની સાત ચલમો, 10 હુક્કાની પાઇપ, બે હુક્કાના ફિલ્ટર, કોલસાના ટુકડા તથા ચીપિયો સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.