ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત (Gujarat) વિધાનસભા ચૂંટણીના (Assembly Elections) બીજા તબક્કાનો મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગાંધીનગર નજીકના અડાલજ (Adalaj) ખાતે આવેલા એક વૈભવી બંગલામાંથી પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂનો (Alcohol) જથ્થો મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. આ દારૂનો જથ્થો કોના ઈશારે મંગાવવામાં આવ્યો છે, તેની પોલીસે તપાસ શરૂ કરી છે.ગાંધીનગર નજીક આવેલા અડાલજ ખાતેના બાલાપીર દરગાહની સામે આવેલા એક વૈભવી બંગલામાં પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં અંદાજે 500 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ વૈભવી બંગલો પ્રમોદ પટેલનું હોવાનું જાણવા મળ્યું છે
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે આ બંગલામાં દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આ વૈભવી બંગલો પ્રમોદ પટેલનું હોવાનું જાણવા મળ્યું છે, તેમજ સિદ્ધાર્થ નામના યુવકની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. હાલમાં આ બંને વ્યક્તિ ફરાર થઈ ગયા છે. પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
ભરૂચ રેલવે સ્ટેશન પાસે મહિલા બુટલેગર ઝડપાઈ
ભરૂચ: ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ પ્લેટ ફોર્મ નંબર-૩ ઉપર પેટ્રોલિંગમાં હતો. દરમિયાન કચ્છ એક્સપ્રેસ ટ્રેનથી ઊતરી એક મહિલા ઉતાવળે પ્લેટફોર્મ નં.૧ તરફ જતાં પોલીસે તેને અટકાવી હતી. અને તેની પાસે રહેલ થેલીમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૨૪ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૧ હજારથી વધુના દારૂના જથ્થા સાથે મૂળ દાહોદના અને હાલ ઝાડેશ્વર ચોકડી પાસે રહેતી સુનીતા દિલીપ ભુરિયાને ઝડપી પાડી હતી.
ચૂંટણીમાં ફરજ બજાવવા થાલાના શિક્ષક દંપતિના ઘરે તસ્કરો ત્રાડક્યા
ઘેજ : વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં ફરજ બજાવવા ગયેલા થાલાના શિક્ષક દંપતિના ઘરે રાત્રિ દરમ્યાન તસ્કરોએ ધાપ મારી 3.40 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા.પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ શિક્ષક તરીકે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા ફરિયાદી સતીષ મોહનભાઈ પટેલ (રહે. થાલા સ્પંદન હોસ્પિટલ નજીક યોગીકૃપા સોસાયટી, તા. ચીખલી)ને વિધાનસભાની ચૂંટણીમાં કપરાડાના આસલુણા પ્રાથમિક શાળા સ્થિત બુથ ઉપર પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે અને પત્ની મિતલબેનેને વલસાડમાં ચૂંટણીની ફરજ હોય તેમના બાળકોને મજીગામ મામાના ઘરે મૂકીને ઘર બંધ કરી સવારે નીકળી ગયા હતા.
આ દરમ્યાન રાત્રિના સમયે તેમના ઘરનો મુખ્ય દરવાજો તોડી તસ્કરો ઘરમાં પ્રવેશી બેડરૂમમાં પ્લાયના કબાટનું લોકો તોડી તેમાં મૂકેલું સોનાનું મંગળસૂત્ર, 80,000, સોનાનું પેડંલ 25,000, સોનાની બુટ્ટી અને સેટ 1,10,000 બેંગલ 1,25,000 રૂપિયા મળી 3,40,000 રૂપિયાની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. ચૂંટણીમાં ફરજ બજાવી રાત્રે ત્રણેક વાગ્યે આવ્યા બાદ સતીષભાઈએ ઘરે પહોંચ્યા હતા.