Columns

નેટવર્ક આવી રહ્યું છે ત્યારે હરખાતા પહેલાં તેને જાણી લો

વન, ટુ, થ્રી, ફોર અને હવે ફાઇવ!! આપણે કોઈ આંકડા નથી ગણી રહ્યાં, પણ આજકાલ 5G નેટવર્કની ચર્ચા જાેરમાં ચાલી રહી છે.  5G  એટલે પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક, ફિફ્થ જનરેશન. આ નેટવર્ક એટલું ફાસ્ટ હશે કે, પ્રતિ સેકન્ડ 10 GB ડેટા પણ ડાઉનલોડ કરી શકાશે. એક સાથે વધુ युઝર્સ હશે તો પણ સ્પીડની સમસ્યા ક્યારેય નહીં થાય. તમે ૧૯૯૫માં આવેલી પેલી ટોય સ્ટોરી ફિલ્મ જાેઈ હશે, જેમાં ઓન્થોપોમોર્ફિક ટોયઝ આખી કાલ્પનિક દુનિયામાં આપણને લઈ જાય છે. બસ આવી જ કંઈક દુનિયા આપણે જીવવાના છીએ. જાે કે, એ કાલ્પનિક વર્લ્ડ નહીં હોય, પણ આપણી આજુબાજુ ઊભી થયેલી વાસ્તવિક દુનિયા હશે!

હવે આવી રહેલું 5G નેટવર્ક ફક્ત મોબાઇલ જ નહીં તમારી રોજિંદી લાઇફને પણ કંટ્રોલ કરશે. ૧૯૮૫માં પીટર ટી. લુઇસે એક શબ્દ આપ્યો હતો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT). આ શબ્દ હવે વિશ્વને કંટ્રોલમાં કરી લેશે એવી પૂરેપૂરી શક્યતા છે. 5G  નેટવર્કના કારણે IOTનો જન્મ થશે! તમને થશે કે, આ IOTમાં એવું શું છે કે, દુનિયાને કંટ્રોલમાં કરી લેશે!? IOT મતલબ તમારી આજુબાજુની દરેક વસ્તુ ઇન્ટરનેટથી કંટ્રોલ કરી શકાશે! ત્યાં સુધી કે, તમારા વિચારોને પણ! કારણ કે,  5G નેટવર્ક આવી ગયાં પછી સ્માર્ટ કાર, સ્માર્ટ હાઉસ, સ્માર્ટ સિટી જેના વિશે આજ સુધી આપણે સાંભળી રહ્યાં હતાં તે શક્ય બનશે. એક્સપટ્‌ર્સનો દાવો છે કે, 5G નેટવર્ક આવ્યાં બાદ આ બધું શક્ય બનશે. અલબત્ત, દુનિયાના કોઈ છેડે નેટવર્ક નથી એવી ફરિયાદ નહીં રહે અને મિલી સેક્ન્ડમાં જ બધું ડાઉનલોડ થઈ જશે.

IOTથી અબજાે ડિવાઇસ એક સાથે કનેક્ટ થઈ શકશે. અને તે પણ નેટવર્કના ભોગે કે કોઈ મોટા પેકેજને કારણે નહીં ફક્ત અને ફ્કત ફિફ્થ જનરેશન વાયરલેસના લીધે. આજે આપણે 4G નેટવર્ક વાપરી રહ્યાં છીએ તેમાં ધરખમ ફેરફારો જાેવા મળશે. એક્સપર્ટસના દાવાઓ મુજબ, નેટવર્ક સ્પીડ ૧૦GBPS જેટલી મળશે. ૯૯.૯૯૯ ટકા નેટવર્ક અવેલેબિલિટી હશે, લો પાવર કન્ઝમ્પશન હશે જેથી મહિનાઓ કે વર્ષો સુધી માણસની જરૂરિયાત વગર મશીનરી ચાલતી રહેશે. એટલે કે, નાનામાં નાના ડિવાઇસની બેટરીની લાઇફ ઓછામાં ઓછી ૧૦ વર્ષ સુધીની હશે! એટલે જ 5G  નેટવર્ક બાદ સેલ્ફ ડ્રાઇવિંગ કારના પ્રોજેક્ટ અમલી બનશે. એક જ વાઇફાઇ સાથે ૧૦૦૦થી વધુ કનેક્શન શક્ય બનશે. અત્યારે જે IOT ડિવાઇસ કામ કરી રહી છે એ બ્લ્યૂ ટુથ, વાઇફાઇનો ઉપયોગ બહોળો થઈ જશે.

જાે કે, અત્યારે પણ IOTએ આપણી આજુબાજુ ઘેરો ઘાલી જ દીધો છે. તમે ATMમાંથી પૈસા ઉપાડો છો એ અને તમારી ઉપર ખૂણેખૂણે બાજનજર રાખતાં કેમેરા પણ IOT જ છે. હવે બાવીસમી સદીમાં તમારી આજુબાજુની દરેક ચીજવસ્તુ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બની જશે. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ ૨૦૦૮માં જ પૃથ્વી પર રહેલાં લોકોની સંખ્યા કરતાં ઇન્ટરનેટ પર ચાલતાં ડિવાઇસ વધુ થઈ ગયાં હતાં. એવું અનુમાન છે કે, આગામી દિવસોમાં આ ડિવાઇસની સંખ્યા ૮૦ બિલિયનથી પણ વધી જશે! એક એનાલિસિસ મુજબ, વિશ્વમાં IOTની માર્કેટ ૭.૫ ટ્રિલિયનને પહોંચવા આવી છે, જે ૨૦૧૬માં માત્ર ૧.૯ ટ્રિલિયન હતી. ૨૦૨૨ સુધીમાં વિશ્વનાં ૮૦ ટકા ઘરો અને ૯૦ કાર ઇન્ટરનેટથી કોઈ ને કોઈ રીતે કનેક્ટેડ હશે.

એવું એક્સપર્ટસનું કહેવું છે કે, IOTને કારણે સૌથી મોટો ફાયદો એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને થશે. અત્યાર સુધી આપણે ફિલ્મો 3D અને વધુમાં વધુ 7D સુધી જાેઈ હશે, પણ 5G નેટવર્કની પધરામણી પછી ફિલ્મોનાં પાત્ર સાથે આપણે જીવતાં હોઈએ એ રીતે જાેઈ શકશું! જી, હા, ફિલ્મોનાં પાત્રો પરદા પર નહીં તમારી આસપાસ દેખાશે! અલબત્ત, રિયલ વર્લ્ડ અને રિયાલિટી વર્લ્ડ વચ્ચેની ભેદરેખા પાતળી થઈ જશે.

અલબત્ત, આ ટેક્‌નોલોજી તમારી દુનિયા બદલી નાખશે એની સાથે સાથે ઘણી એવી બાબતો લઈને આવશે, જેનાથી આપણે સાવધ રહેવું પડશે. આ ટેક્‌નોલોજી તમારા બેડરૂમમાં ઘૂસીને ખણખોદ કરશે તો પણ તમને ખબર નહીં પડે! આપણી આજુબાજુ ઘણો એવો ડેટા હશે જે બીજા કોઈ સાથે શેર થઈ રહ્યો હશે તો પણ આપણને ખબર નહીં પડે. સવારનો બ્રેકફાસ્ટ, આપણો ટીવી જાેવાનો સમય, જિમમાં જવાનો સમય, સૂવાનો ટાઇમ, પત્ની સાથે વાતો કરવાનો સમય, આપણો ટેસ્ટ, આપણી રોજિંદી આદતો ઇવન આપણું ઘર બંધ હશે છતાં તેની અંદરની ઝીણામાં ઝીણી વિગતો બહાર આવી જશે. મતલબ કે, તમારી પ્રાઇવસી પર મોટું જાેખમ ઊભું થવાનું છે અને આ બધું આભારી હશે ફિફ્થ જનરેશન નેટવર્કને!

જાે કે, એવું નથી કે, આપણી પ્રાઇવસીને આપણે પ્રોટેક્ટ નહીં કરી શકીએ. એક્સપર્ટસ કહે છે કે, આજે આપણી સામે જે ચેલેન્જ છે એ આ જ છે. અમે એવાં સોફ્ટવેર ડિઝાઇન કર્યાં છે કે, યુઝર્સને કોઈ થ્રેટ નહીં રહે. યુઝર્સ પાસે પોતાના મજબૂત પાસવર્ડ અને લોક સિક્યોરિટી સિસ્ટમ હશે. જાે કે, હાલ એક્સપર્ટસ  સામે ડેટા બેકઅપ અને ડેટા સ્ટોરેજની સૌથી મોટી ચેલેન્જ છે. ઇન્ટેલ જેવી કંપનીએ આ ક્ષેત્રે ખૂબ મોટું કામ કર્યું છે. આવનારી ચેલેન્જને પહોંચી વળવા ૧૦ વર્ષ પહેલાંથી જ કમ્પ્યુટર એન્જિનિયર્સ અને એક્સપર્ટસને કામે લગાડી દીધાં હતાં. ઇન્ટેલના એક્સપર્ટસનું કહેવું છે કે,  5G  નેટવર્ક ટેક્નોલોજીથી ડ્રાઇવરલેસ કાર, હેલ્થકેર, વર્ચ્યુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગના પણ નવા રસ્તા ખૂલશે. આ ટેક્નોલોજીમાં લેટેંસી ખૂબ જ ઓછી હશે અને નેટવર્ક કેપેસિટી વધારે હશે.

ફાયદાની સામે આ ટેક્નોલોજીના નુકસાનની પણ ચર્ચાઓ થઈ રહી છે. એવા દાવાઓ થઈ રહ્યા છે કે, આ ટેક્નોલોજીને કારણે રેડિયેશનનો ખતરો ૧૦થી ૧૦૦ ગણો વધી જશે. જેને કારણે પશુ-પક્ષી, વૃક્ષો અને માનવજાતને મોટું નુકસાન થશે. તાજેતરમાં જ બોલિવૂડની અભિનેત્રી જુહી ચાવલાએ કોર્ટમાં 5G  નેટવર્ક વિરુદ્ધ એક અરજી દાખલ કરી હતી. અદાલતે કોઈ આધાર-પુરાવા વગર કરાયેલી આ અરજીને ફગાવી દઈને જુહી ચાવલાને ૨૦ લાખનો દંડ ફટકાર્યો હતો.

Most Popular

To Top