Business

યુદ્ધભૂમિ માટે સજજ થઇ જાઓ

હાલા વિદ્યાર્થી મિત્રો, છેલ્લાં બે દિવસ બાકી. એક બાજુ ખૂબ જ ઉત્સાહ હોય સાથે જ થોડો ડર પણ હોય. તમે સમયસૂચકતા વાપરી છેલ્લી ઘડીની તૈયારીઓ શરૂ કરી જ દીધી હશે. હમણાં સીઝન બદલાઇ રહી છે, ગુજરાત – સુરતમાં ગરમીનો પારો ચઢતો નજરે પડે છે. વાતાવરણમાં ફરકને લીધે ખાન-પાનમાં ફરક આવવો બહુ જ સ્વાભાવિક છે પરંતુ તમારે તો પરીક્ષારૂપી યુદ્ધભૂમિમાં જવાનું છે અને એને માટે શારીરિક સજજતા ખૂબ જ જરૂરી છે. સીઝન બદલાય એટલે સામાન્ય રીતે શરદી – તાવનું વાતાવરણ પ્રવર્તે છે. જેનાં લક્ષણો તમને કોવિડ તરફ નહિ લજાય તેની તકેદારી રાખવાની જરૂર છે.

  • આહારની આદતમાં હાલમાં બેકરી પ્રોડકટ નહીંવત લેવાનું રાખો તો શારીરિક સજજતા જળવાઈ રહેવામાં મદદ થાય છે કેમ કે મેંદાથી પાચનશકિતમાં ભારે પણ લાગે અને થોડી વધુ આળસ આવે.
  • ગરમીના લીધે ઠંડું – ઠંડું પાણી, સાથે જ ઠંડા પદાર્થો ખાવાનું મન થાય. આ ઋતુ સંધ્યામાં શરીરમાંથી કફ છૂટો પડે ત્યારે શરદી લાંબી ચાલવાની શકયતા વધી જાય. આમ માપસર થોડા દિવસ માટે કાળજી રાખશો તો તમારું સ્વાસ્થ્ય જળવાય રહેશે.
  • આપણે ત્યાં પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા જવાને એક સામાજિક પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. લોકો લિસ્ટ બનાવે, કોને – કોને ત્યાં બોર્ડના વિદ્યાર્થી છે. કયારે – કયારે જવાનું વગેરે… ખૂબ સારી વાત છે કે વિદ્યાર્થીને શુભેચ્છા આપવી જ જોઇએ પરંતુ એમાં થોડો વધુ અતિરેક થઇ જતો હોય છે. લોકો પોતાની ફુરસદે – રાત્રે નવ વાગે કે સાંજે ૪-૫ વાગે ફોન કરીને જતાં હોય છે એટલે ઘરમાં આવનાર મહેમાનની આગતા # સ્વાગતામાં 

મમ્મીએ મેનેજ કરવા માટે રસોડામાં વધુ સમય કાઢવાનો. આવ્યા પછી કવર, પેન કે અન્ય ગિફટ પરીક્ષાર્થીને આપી શુભેચ્છાઓ આપી દીધા પછી – નકારાત્મક વાતોનો દોર શરૂ થાય, સલાહોની વણઝાર ચાલે. ‘જો જે બરાબર લખજે અને પેલા ભાઇનાં છોકરા / છોકરીને તો પરીક્ષાખંડમાં ચકકર આવી ગયેલાં, કે પછી કાળજી રાખજે… આમ કોઇના નકારાત્મક અનુભવો પરીક્ષાર્થી જે થોડા – ઘણા ડર સાથે જ વાંચે છે, તૈયારી કરી રહ્યો છે એ પાછો પોતાની જાત પર, પોતાના સ્વ પર શંકાઓ કરતો થઇ જાય છે. એ એના રૂમમાં ગયા પછી ચા-પાણી, નાસ્તાનો વિવેક. બીજો પોણો કલાક શું કરાવવાના? હમણાં તો આ જ લાઇન સારી છે… ની વાતો ચાલે. જેનો અવાજ વિદ્યાર્થીને વાંચનમાં ખલેલ પાડતો હોય છે માટે હમણાંના સમયમાં બને તો સોશ્યલ મીડિયાનો સદ્‌ઉપયોગ કરી શુભેચ્છાઓ અંતરથી પાઠવો અને બે હકારાત્મક વાકયો કહો. મમ્મી -પપ્પાના ફોન પર પણ વાત કરીને શુભેચ્છા પાઠવી શકાય છે. કોરોનાના કેસો ઓછા થયા છે પણ અંત નથી આવ્યો માટે જેમના ઘરે બોર્ડની પરીક્ષામાં સંતાનો હોય તેમણે તો SOP જાળવી રાખવાની, ખાસ કોઇને બોલાવવાના નહીં અને કોઇને ત્યાં જવાનું નહીં. પરીક્ષાઓ નજદીક આવે એટલે વિદ્યાર્થી પોતાની યાદશકિત પર શંકા-કુશંકા કરવા માંડે. શું મને બધું યાદ આવશે? શું હું ધારેલાં માર્કસ લાવી શકીશ?
ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે પણ સંપૂર્ણ રીવીઝન કરવાની આદત હોય છે પરંતુ સમયના અભાવે ન પહોંચી વળાય તો ચિંતાઓથી ઘેરાય જાય છે.

ભયથી નિર્ભયતા તરફ

  • સૌ પ્રથમ તો એક વાત સમજી લો કે બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી પણ ૧૦૦% લર્નિંગ સાથે નથી જતો. તમારું લર્નિંગ ૯૦-૯૨%  થયું હોય તો તમારા મનમાં કોઇ ડર શંકા ન રાખો.
  • તમે જે કંઇ પણ લર્ન કરી લીધું છે તેના પર વિશ્વાસ રાખો કે તમે કોઇ વૈકલ્પિક લર્નિંગ નથી કર્યું. જેટલું કર્યું તે સંપૂર્ણ કર્યું છે.
  • તમારા અર્ધજાગ્રત મનમાંથી શંકાનો કીડો સળવળે કે છોડાયેલા – કે બાકી રહી ગયેલામાંથી કંઇક આવશે તો મને આવડશે નહીં તો શું થશે? તો એમાંથી મકકમતાપૂર્વક બહાર આવી જાવ. જો તમે ૯૦%  અભ્યાસક્રમનું લર્નિંગ કર્યું હશે તો તેમાંથી તમે પૂર્ણ ન્યાય આપી જ શકવાનાં છો.
  • છેલ્લા અઠવાડિયામાં નવું લર્નિંગ કરવાનો મોહ છોડી દો. જેટલું વાંચ્યું છે તેને ફરી રીવીઝન કરી યાદશકિત વધારો.
  • રીવીઝન વખતે અસંખ્ય વિચારો ચાલવાની શકયતા છે. તમારે દૃઢતાપૂર્વક અન્ય વિચારોને હડસેલીને રીવીઝન પર જ ધ્યાન આપવાનું છે.
  • અમુક વખત વધુ પડતો આત્મવિશ્વાસ હોય ત્યારે વિદ્યાર્થીઓ અમૂલ્ય સમય આમતેમ વેડફતા હોય છે. પરંતુ ‘આ સમય ફરી કયારેય આવવાનો નથી.’ એવું વિચારી અભ્યાસમાં સદ્ઉપયોગ કરો.
  • ‘સ્વ’ માટેની શંકાઓને દૂર કરી દરરોજ પોતાને હકારાત્મક વાઇબ્રેશન આપો ‘મેં વાંચેલું છે’, ‘મને વાંચેલું યાદ આવશે જ’, ‘મારી મહેનત પ્રમાણે જરૂરથી જ પરિણામ આવશે’… અને છતાં જો તમારા મનમાં હજુ શંકાના વિચારો આવતા હોય તો તે બાજુમાં ડાયરીમાં લખી, માતા – પિતા સાથે કે helpline પર વાત કરો જેથી યોગ્ય માર્ગદર્શન મળી રહે.
  • બોર્ડની પરીક્ષા પણ અન્ય પરીક્ષાની જેમ જ હોય છે. એમાં અસામાન્ય કશું હોતું નથી. ધો. ૧૦મું  કારકિર્દીનું  પ્રથમ પગથિયું અને ધો. ૧૨ મું કારકિર્દીનું બીજું પગથિયું. એને માટે માતા – પિતા – શિક્ષકો દ્વારા વધુ સારું પરિણામ લાવવા માટે વિદ્યાર્થી વધુ સારી મહેનત કરે માટે થોડો ડર ઊભો કરી દીધો હોય છે. જેને વિદ્યાર્થી વાસ્તવિકતા માની ભયના ઓઠા હેઠળ જીવતો થઇ જાય છે માટે વાલીઓ જ એને નિર્ભયતા સુધી લઇ જાય છે.
  • વાલીઓએ અંત:કરણપૂર્વક, મનથી, વિચારોથી, લાગણીઓથી પોતાનાં સંતાનોએ કદાચ આખું વર્ષ વાદ-વિવાદ કર્યા હોય, તમારું કહ્યું ન સાંભળ્યું હોય છતાં અનકન્ડિશનલ માનસિક, ભાવનાત્મક સપોર્ટ શાબ્દિક – અશાબ્દિક રીતે દર્શાવવાથી વિદ્યાર્થી સલામતીની લાગણી અનુભવે છે – થોડા દિવસ સલાહ – સૂચનો – કટકટ – મહેણાં-ટોણા બંધ કરીને ઘરમાં હકારાત્મક વાતાવરણ જાળવી રાખજો. જોડે જ તમારો હૂંફાળો સ્પર્શ જ કપરી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કરશે. ડર કે આગે જીત હૈ

પરીક્ષાના દિવસે…

  • સમયસર એટલે કે તમારા સમયપત્રકનાં આયોજન પ્રમાણે જ શેડયુલ જાળવી રાખો.
  • સવારે હળવો તથા તાજો ગરમ નાસ્તો કરીને નીકળવું.
  • ઘરમાંથી નીકળતા પહેલાં તમારી હોલ-ટીકીટ વગેરે જરૂરિયાતની વસ્તુઓ ચેક કરી લો.
  • પરીક્ષાના એક કલાક પહેલાં પુસ્તક કે અન્ય મટીરિયલ્સ વાંચવાને બદલે વાંચેલું હોય તેનું મનન કરો.
  • કોઇ પણ જાતનો માનસિક ઉત્પાત ન કરતાં શાંત અને સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે.
  • કોઇ પણ મિત્ર સાથેની વાતચીતમાં ‘મારું વંચાયું નથી’ કે ‘વાંચવાનું રહી ગયું છે’ એવી નકારાત્મક લાગણીઓ વ્યકત ન કરો.
  • ‘સ્વ’ને હકારાત્મક વચનો આપો. ‘મારું જેટલું વંચાયું છે તેટલું પરીક્ષામાં યાદ આવશે.’
  • ઘરમાંથી નીકળતાં પહેલાં વડીલોનાં આશીર્વાદ તેમ જ ઇષ્ટદેવતાને પગે લાગી નીકળો.
  • પુરુષાર્થ+ પ્રાર્થના = પ્રારબ્ધ.
  • ‘’Many Best wishes’’

Most Popular

To Top